વોટર વર્કસ, ભૂગર્ભ ગટરના કામ માટે ૭૭ લાખનો કન્સલટન્ટ ખર્ચ મંજૂર

જામનગર તા. ર૦ઃ જામનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે સુભાષ જોષીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ પ૯૬ લાખ ૧૧ હજારના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે નિવૃત્ત થઈ રહેલા પાંચ અધિકારી, કર્મચારીને ફૂલહાર કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

લાખોટા તળાવ તથા ખંભાળીયા ગેઈટના મેઈન્ટેનન્સ માટે ત્રણ વર્ષ માટે રૃા. ૭ર લાખ ૬૪ હજારનું ખર્ચ મંજૂર કર્યુ હતું.

વોર્ડ નં. ૮,૧પ અને ૧૬, ૧૦,૧૧,૧ર, ૧,૬ અને ૭ માં નંદ ઘર બનાવવા માટે સ્ટેન્ડીંગ કમિટીના અગાઉના નિર્ણયથી અમલવારી કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.

જામનું ડેરૃ અને પાબારી હોલ ઝોન વિસ્તાર સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન પાણીની પાઈપ લાઈન નેટવર્ક કામ માટે રૃા. ૧૦ લાખ ૧૦ હજારના વાર્ષિક ખર્ચ, વોટર વર્કસ અને ભૂગર્ભ ગટર શાખા ડીપીઆર, ડીપીટી, સર્વે, સોઈલ ઈન્વેસ્ટીગેશન, ટેન્ડરો કરવા કન્સ્લટન્ટની નિમણૂંક કરીને રૃા. ૭૭ લાખ ૧૦ હજારનો ખર્ચ મંજૂર કરાયો હતો. વિવિધ પમ્પહાઉસ તથા ડેમ સાઈટ ઉપર માનવ શક્તિ પુરી પાડવા વાર્ષિક ૮ર લાખનો ખર્ચ, પાઈપલાઈન નેટવર્ક સ્ટ્રેન્થનિંગ માટે ૧ર લાખ ૪૪ હજારનો વાર્ષિક ખર્ચ, એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં રેકોર્ડ માટે ગોડાઉન બનાવવા રૃા. પ લાખ ૮૦ હજાર, ફોગીંગ મશીન ખરીદવા માટે રૃા. ૯ લાખ ૯૩ હજાર, ભુગર્ભ ગટરને જેટ મશીનથી સફાઈ કામ માટે રૃા. ૧૦ર લાખ ૪૭ હજારનો વાર્ષિક ખર્ચ, અને શહેરના પાંચ સુએજ પમ્પીંગ સ્ટેશનો ચલાવવા માટેની વિવિધ કામગીરી માટે રૃા. ૯ર લાખ ૯૦ હજારનો વાર્ષિક ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

વય મર્યાદાના કારણે નિવૃત્ત થનારા એમ.કે. કુંભારણા, વલ્લભભાઈ આસુદ્રા, વેલજીભાઈ વસોયા, રામજીભાઈ વાઘેલા અને રાજેશભાઈ સંઘવીને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

close
Nobat Subscription