ચાર વર્ષની ઉજવણીના ભાગરૃપે મોદી સરકાર ઓડીશામાં કરશે મહા રેલી / ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતાઃ આવતીકાલે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત / યુએઈએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફારોઃ ર૮ લાખ ભારતીઓને થશે ફાયદો /

'અક્ષરોની અંતાક્ષરી'ના સર્જકો સાથે ગોષ્ઠી

તાજેતરમાં 'નોબત'ના ૬૧ મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ત્રિદિવસીય આર્ટ ફેસ્ટીવલ 'મેઘધનુ' સિઝન થ્રી ના પ્રથમ દિને 'અક્ષરોની અંતાક્ષરી' કવિ સંમેલનના બિલીમોરાના કવયિત્રી હર્ષવી પટેલ, મુંબઈના કવયિત્રી દિપ્તી મિશ્રા, ભાવનગરના કવિ ડો. વિનોદ જોષી, સુરતના કવિ ડો. કિરણસિંહ ચૌહાણ, અમદાવાદના કવિ મધુસુદન પટેલ તથા મુંબઈના કવિ શોભિત દેસાઈએ સ્થાનિક કવિ ડો. મનોજ જોષી 'મન' તથા ગૌરવ પુરસ્કાર વિજેતા રંગકર્મી વિરલ રાચ્છ સાથે કાર્યક્રમ પૂર્વે 'નોબત'ની મુલાકાત લઈ 'નોબત' પરિવારના ચેતનભાઈ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે પોતાની સર્જનયાત્રા અંગે ગોષ્ઠી કરી હતી.

'દિલ કો અપનાયા ન ઉસને

ગૈર ભી સમજા નહીં

યે ભી ઈક રિશ્તા હૈ

જિસ મેં કોઈ ભી રિશ્તા નહીં'

ઉપરોક્ત શેરના સર્જક દિપ્તી મિશ્રાએ કોલેજ અભ્યાસ દરમિયાન હિન્દીના શિરમોર ગઝલકાર પ્રો. ડો. કુઁવર બેચૈનનું સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું. પરિણામે તેમનામાં રહેલી સર્જનાત્મક્તાને સારી દિશા પ્રાપ્ત થઈ. બાળપણથી જ સહઅભ્યાસી તેમજ ઈત્તર પ્રવૃત્તિઓમાં અગ્રેસર દિપ્તી મિશ્રા કોલેજકાળથી અભ્યાસ પ્રત્યે ગંભીર થયા હોવાનું કબુલી સર્જનના પ્રારંભિક તબક્કામાં છંદ વગરની રચનાઓ રચવાની વાત જણાવી ડો. કુઁવર બેચૈનએ તેમનામાં મૂકેલા વિશ્વાસનો ઋણસ્વીકાર કરી પોતાની પ્રથમ ગઝલનું સ્મરણ કર્યું હતું. ત્યારથી આરંભ થયેલી સર્જનયાત્રા અનેક ઝળહળતા પડાવો પાર કરી અવિરત ચાલુ જ છે. લગ્ન થતાં અભ્યાસમાં વિરામ લીધા પછી એમ.એ.ની ડીગ્રી મેળવી લગ્ન પછી સતત ૧૦ વર્ષ અભ્યાસરત રહી પ્રસિદ્ધિથી દૂર રહ્યા પછી પુનઃ કારકિર્દીનો આરંભ કરવાનો સંકલ્પ કર્યો અને નોયડા દૂરદર્શનમાં ઈન્ટરવ્યૂ આપ્યો. ગૌરીશંકર રૈનાએ તેમની પ્રતિભાને પારખી લેતા ટી.વી.ની સફર આરંભ થઈ.

દિપ્તી મિશ્રાના દાવાનુસાર તેમણે દિલ્હીના તમામ મોટા નાટ્ય દિગ્દર્શક-નિર્માતા સાથે કામ કર્યું છે. દરમિયાન મુશાયરાઓમાં ભાગ લેવાને કારણે શાઈરા તરીકે તેમની પ્રસિદ્ધિ ચોતરફ ફેલાતી ગઈ. પરિણામે ર૦૦૧ માં માયાનગરી મુંબઈમાં સ્થાયી થયા અને ટી.વી. સિરિયલોમાં ગીત-સંવાદ લેખન તેમજ ફિલ્મોમાં અભિનયનો સિલસિલો આરંભ થયો.

પ્રિય હિન્દી-ઉર્દૂ શાયરો અંગે પૂછવામાં આવતા દિપ્તી મિશ્રાએ નિદા ફાઝલી, જ્હોન એલિયા, મુનીર નિયાઝી અને બશીર બદ્રનો નામોલ્લેખ કર્યો હતો. પોતાના પ્રિય શેર અંગે પૂછવામાં આવતા દિપ્તી મિશ્રાએ અવઢવ સાથે એક શેર કહ્યો હતો

'મિલૂંગી તુમસે જુદા તો હો લૂં'

અનુઆધુનિક ગુજરાતી ગઝલના પ્રથમ પંક્તિના ગઝલકાર શોભિત દેસાઈએ સર્જનના આરંભિક કાળનું સ્મરણ કરતા ઈ.સ. ૧૯૭૪ થી ફ્લેશબેકમાં વાર્તાલાપનો આરંભ કર્યો હતો. મિત્ર દિલીપ ધોળકિયા પાસેથી અનાયાસે બરકત વિરાણી 'બેફામ'ની ગઝલ વાંચવા મળતા યુવાનીમાં ધસમસતી ઊર્જાને 'શબ્દનો રાજ માર્ગ' મળી ગયો. પ્રારંભિક કાળમાં 'બર્બાદ' તખ્ખલ્લુસથી રચનાઓ લખી દરમિયાન પુત્રને આઈ.એ.એસ. બનાવવાનું સ્વપ્ન નિહાળતા પિતા અનંતરાય દેસાઈને સ્પષ્ટ શબ્દોમાં કલા ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો નિર્ણય જણાવી દીધો. તેમજ સાથોસાથ આઈ.એ.એસ. ઓફિસર જેવી સમૃદ્ધિ મેળવવાનો પણ સંકલ્પ કર્યો અને સમય સાથે પોતાના નિર્ણય અને સંકલ્પ બન્નેને સિદ્ધ કરી બતાવ્યા.

'કોક રણમાં પાંગરેલી વેલ છું

વન કહે છે કે બહુ વંઠેલ છું'

ઉપરોક્ત શેર સાંભળી બરકત વિરાણી 'બેફામ'એ શોભિત દેસાઈમાં ગઝલકારના અવતરણને પ્રામાણિત કરી દીધું. આ તકે શોભિત બરકત વિરાણી 'બેફામ' સાથે મુલાકાત કરાવનાર વિનાયક વોરાનું પણ સ્મરણ કરે છે.

જીવનના નબળા સમયને યાદ કરી સંચાલનના સહારે આર્થિક પ્રગતિ કરવાની નિખાલસ કબૂલાત કરી પોતાના પ્રિય શેર અંગે પૂછવામાં આવતા એ શેરો પ્રસ્તુત કરે છે.

'મને પીડે છે

કોઈ ઈંતઝાર સોંસરવો,

આ કોણ છે

જે સમયની બહાર ઊભું છે?'

'કોણ મારા હોવાનો ભ્રમ દે મને

હું કોણ છું?

કોણ મારા બદલે જીવે છે

મને હું કોણ છું'

ગોષ્ઠી દરમિયાન શોભિત દેસાઈ પોતાને ગુજરાતી કાર્યક્રમોની આધુનિક સંચાલન કળાના ટ્રેન્ડસેટર પણ ગણાવે છે. ગમતા પુરોગામી કવિઓ અંગે પૂછવામાં આવતા રમેશ પારેખ, મનોજ ખંડેરિયા અને કૈલાષ પંડિતનો નામોલ્લેખ કરી આદિલ મન્સૂરીને આંશિક પ્રિય ગણાવી વર્તમાન કવિઓમાં મુંબઈ બહારના કવિઓ પસંદ હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતીના અગ્રણી ગીત કવિ ડો. વિનોદ જોષીએ ઈ.સ. ૧૯૭૩ માં અનાયાસે શિખરણી છંદમાં સોનેટ રચના કરી અને અભ્યાસ દરમિયાન જ 'કુમાર'માં રચના પ્રકાશિત થતા તત્કાલિન સિદ્ધહસ્ત સાહિત્યકારોનું ધ્યાન વિનોદ જોષીની પ્રતિભા તરફ ખેંચાયું.

કવિ બોટાદકર જન્મ શતાબ્દી કાર્યક્રમમાં પ્રખર સારસ્વતોને માણ્યા પછી વિનોદ જોષીમાં પણ સર્જનનો આત્મવિશ્વાસ પ્રગટ્યો પછી પ્રતિબદ્ધતાપૂર્વક સર્જનયાત્રા આરંભ કરી જે આજ સુધી ચાલુ જ છે. રમેશ પારેખ અને મનોજ ખંડેરિયા સાથેની મૈત્રીનું સ્મરણ કરી વિનોદ જોષી ભાષા પ્રત્યે શંકાશીલ હોવાની કબૂલાત કરી ભાષાને ગૌણ રાખી ભાવને પ્રાધાન્ય આપી રચના કરવાના પોતાના સિદ્ધાંત અંગે જણાવે છે ભાષા એ પરંપરાની ભેટ છે એટલે વિનોદ જોષી પોતાના 'લેંગ્વેજ ડી.એન.એ.' માટે પરંપરાનો ઋણસ્વીકાર કરે છે. પ્રિય પંક્તિ અંગે પૂછવામાં આવતા તેમણે પોતાના પ્રસિદ્ધ ગીતની પંક્તિઓ ટાંકી હતી.

'લોક બધા જોતા કે પાંદડું હલે છે

તને એકને જ દેખાતો વાયરો'

સુરતના કવિ કિરણસિંહ ચૌહાણએ ધો. ૧૦ ના વેકેશનને સર્જનના શુકન સમાન ગણાવી ઈ.સ. ૧૯૮૯ માં ૧૩ દિવસમાં ૪૦૦ પૃષ્ઠની નવલકથા લખવાની વાત કરી હતી. એ નવલકથા સુરતના સાહિત્યકાર રમેશ પટેલને બતાવતા તેમણે ગઝલ સર્જન કરવાની પ્રેરણા આપી અને છંદનું પ્રારંભિક જ્ઞાન આપ્યું. કુદરતી બક્ષિસ અને નિષ્ઠાપૂર્વકના સ્વપ્રયાસોને કારણે કિરણસિંહ ચૌહાણ ત્રણ જ સપ્તાહમાં છંદોબદ્ધ ગઝલ સર્જતા શીખી ગયા અલબત્ત પ્રારંભિક કાળમાં સતત બે વર્ષ ફક્ત તૂમલ છંદમાં જ સર્જન કર્યા પછી તેમણે અભ્યાસને પ્રતાપે તમામ પ્રચલિત છંદોમાં સર્જન કર્યું. આ તકે કિરણસિંહ ચૌહાણ સુરતના વરિષ્ઠ ગઝલકાર નયન દેસાઈના માર્ગદર્શનનો પણ ઋણસ્વીકાર કરે છે.

ઉલ્લેખનિય છે કે કિરણસિંહ ચૌહાણની એક આઁખમાં ફક્ત ૧૦ ટકા જ દૃષ્ટિ છે ત્યારે કવિતાએ જ તેમના જીવનમાં આત્મવિશ્વાસનું અજવાળુ પ્રગટાવ્યું હોવાનું જણાવી કિરણસિંહ પોતાની તમામ સફળતાઓનો શ્રેય કવિતાને આપે છે. રમેશ પારેખને પ્રિય કવિ ગણાવી કિરણસિંહ ચૌહાણએ પોતાના પ્રિય શેરને ટાંક્યો હતો.

'ના મળે અધિકાર ત્યારે

ગર્જના કરવી પડે

નહિં તો આખી જિંદગી

બસ યાચના કરવી પડે'

અમદાવાદના કવિ મધુસુદન પટેલએ 'મનહર ઉધાસ જે ગાય એ કવિતા' એવી પ્રારંભિક માન્યતાને કારણે રદીફ-કાફીયાવાળા ગઝલ સ્વરૃપને અનાયાસે અપનાવી લીધું અલબત્ત છંદનું જ્ઞાન પછી મેળવ્યું. દરમિયાન મુંબઈના પત્રકાર સંજય ત્રિવેદીને પોતાનું ગીત સંભળાવતા એ ગીત સુરેશ દલાલ સુધી પહોંચતા 'કવિતા' સામયિકમાં મધુસુદનભાઈની જાણ બહાર છપાયું અને આશ્ચર્યસહ આનંદ થયો. દરમિયાન મધુભાઈ રતિલાલ જોગીએ આપેલા પ્રોત્સાહનનો પણ ઋણસ્વીકાર કરે છે.

'ગુજરાત સમાચાર'માં પત્રકારની ભૂમિકા નિભાવ્યા પછી મધુભાઈ હાલ ફ્રિલાન્સ રાઈટર-ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.

કવિતાના સામયિકોમાં રચનાઓ મોકલવા પ્રત્યે ઉદાસીન મધુભાઈ કાવ્ય સંગ્રહ આપવાના મુદ્દે પણ ઉદાસીન રહ્યા છે અર્થાત્ હજુ સુધી તેમનો કાવ્યસંગ્રહ આવ્યો નથી. ગોષ્ઠી દરમિયન મધુભાઈ આ વર્ષે જ તેમનો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનો વાયદો કરે છે. પ્રિય શેર અંગે સવાલ કરવામાં આવતા મધુભાઈ તેમની પ્રસિદ્ધ રચના 'જલ્સા પડત'નો શેર ટાંકે છે.

'થાક લાગ્યો ઊંઘ આવીને

મધુ ઊંઘી ગયો

આ સહજતા છેકથી જો હોત

તો જલ્સા પડત'

નવસારીના કવયિત્રી હર્ષવી પટેલનો આખો પરિવાર શિક્ષક છે. હાલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંભેટા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા હર્ષવી પટેલ ધો. ૧ર મા અભ્યાસ દરમિયન જ કાવ્યસર્જનનો આરંભ કરે છે, પરંતુ આ મુદ્દે પરિવારના પ્રતિકૂળ વલણનો કયાસ લગાવી પરિવારથી છૂપાવી સર્જનમાં પ્રવૃત્ત રહ્યા. એક દિવસ જન્મદિન નિમિત્તે પરિવારે જ તેમને ગઝલ શિબિરનું કુપન ગીફ્ટ આપ્યું. આવી ઘટનાઓને સદ્નસીબ કહેવાય અને હર્ષવી પટેલએ મોહનભાઈ પટેલ પાસેથી છંદની પ્રારંભિક સમજણ મેળવી ત્યારથી અત્યાર સુધી સતત શીખી જ રહ્યા હોવાનો દાવો કરી હર્ષવીએ 'કવિતા મને ઘડી રહી છે' એમ કહે છે.

'હજી પણ આપણે પહોંચ્યા નથી કોઈ ઠોસ ઠેકાણે

તૂં શોધે છે વિસામો દોસ્ત

હું સરનામું શોધું છું'

ઉપરોક્ત શેરને પ્રિય શેર ગણાવી હર્ષવી પટેલ સર્જક તરીકે સતત કવિતાની શોધમાં રહેવાની હિમાયત કરે છે.

નગરના પ્રસિદ્ધ કવિ અને 'નોબત'ની સંગત પૂર્તિના 'કલા, કલમ અને કલદાર' વિભાગના સંપાદક ડો. મનોજ જોષી 'મન'એ આઠ વર્ષની ઉંમરે મંચ પર પિતા સાથે અભિનય કરી કલાયાત્રાનો અનાયાસે આરંભ કર્યો હતો. પિતા હાર્મોનિયમ પર સુર છેડે અને માતા ગરબા ગાવાની સાથે ગરબાની રચનાઓ પણ કરે એટલે શબ્દ અને લય ડો. મનોજ જોષીના 'મન'માં વારસાગત ઉતરી આવ્યા એમ કહી શકાય.

કોલેજકાળ દરમિયાન છંદની સમજણ વગર કાવ્યસર્જન કર્યું, પરંતુ ડો. કંદર્પ દેસાઈના સૂચનથી છંદ શીખવા પ્રેરાયા દરમિયાન તબીબી પ્રેક્ટીશ અને સંસારની ઘટમાળમાં પોણો દાયકો સુષુપ્ત વહી ગયો અને એક દિવસ જામનગરના વરિષ્ઠ કવિ મહેશભાઈ જોષીએ છંદ અભ્યાસ માટે ભાવનગરના કવિ-વિવેચક જિતુભાઈ ત્રિવેદીનું પુસ્તક 'સમજીએ ગઝલનો લય' વાંચવા આપતા વિધિવત્ સર્જનની સરવાણી ફૂટી નીકળી જે અસ્ખલિત વહી રહી છે.

'ક્યારેક થાય ભૂલ તો

ગુલમ્હોર ચીતરૃ

કાયમ તને હું યાદ કરી

થોર ચીતરૃ

પૂછ્યા કરે છે

મારા ઉઝરડાની વાત સૌ,

હું નામ તારૃં આપુ નહીં,

ન્હોર ચીતરૃ'

ઉપરોક્ત શેરોને પ્રિય ગણાવી ડો. મનોજ જોષી 'મન' પ્રિય પુરોગામી ગઝલકારોમાં 'મરીઝ', બરકત વિરાણી 'બેફામ', 'મનોજ ખંડેરિયા' અને રમેશ પારેખનો નામોલ્લેખ કરે છે.

ગોષ્ઠીના અંતિમ ચરણમાં તમામ સર્જકોએ 'નોબત'ના 'મેઘધનુ' રૃપી કલાયજ્ઞની પ્રશંસા કરી હતી ત્યારે તમામ સર્જકોની શબ્દયાત્રા અવિરત ચાલતી રહે અને તેમાં ઝળહળતા પડાવો આવતા રહે તેવી શુભેચ્છા સાથે ગોષ્ઠીને પૂર્ણ કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00