યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

 

'મન સે'નો મોદી મુક્ત ભારતનો મહત્ત્વાકાંક્ષી મનસુબોઃ

સાથી પક્ષો અને સાથીદારો સાથ છોડવા લાગ્યા, તેની પાછળ ઘમંડ કે ઊંડી ચાલ?

નવી દિલ્હી તા. ર૦ઃ 'મનસે'ના વડા રાજ ઠાકરેએ 'મોદીમુક્ત ભારત'નું એલાન કર્યું છે. 'કોંગ્રેસમુક્ત' ભારતનું એલાન કરનારા વડાપ્રધાન મોદી સામે તેમની જ ભાષામાં શબ્દપ્રયોગો કરીને મેદાને પડેલા રાજ ઠાકરે એક સમયે મોદીના જબરા પ્રશંસક હતાં જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે રાજ ઠાકરે તેમનાથી પ્રભાવિત થયા હતાં અને લોકસભાની ચૂંટણી પહેલા તેઓ મોદીની મુલાકાતે ગુજરાતમાં પણ આવ્યા હતાં. તે સમયે તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીને યોગ્ય માનતા હતાં અને પ્રશંસાનો ધોધ વહાવીને જાણે 'મોદીચાલીસા'નું ગાન કરતા હતાં.

હવે રાજ ઠાકરેનો મોહભંગ થઈ ગયો છે. ઘરઆંગણે પિતરાઈ ભાઈ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે રાજકીય યુદ્ધ ખેલી રહેલા રાજ ઠાકરેને છેક હવે બ્રહ્મજ્ઞાન થયું કે પછી તેઓ મહારાષ્ટ્રની રાજનીતિમાં હાજરી નોંધાવવા કોઈ ઊંડી ચાલ રમી રહ્યા છે? ઉદ્ધવ ઠાકરેનો પણ મોહભંગ થયો છે અને દરરોજ ઊઠીને મોદી અને ભાજપને ગાળો ભાંડવાનો હવાલો તેમણે કેજરીવાલ પાસેથી સંભાળી લીધો હોય, તેમ ક્યારેક આકરા પ્રહારો કરીને કે ક્યારેક શિવસેનાના મુખપત્ર 'સામના'ના માધ્યમથી ઉદ્ધવ મોદી સરકાર અને ભાજપના  છોતરા ઊડાડી રહ્યા છે.

ચાર વર્ષ પહેલા મોદીના ગુણગાન ગાતા હોય અને હવે તેની વિરૃદ્ધ થઈ ગયા હોય, તેવા રાજ ઠાકરે એકલા નેતા નથી. એવા ઘણાં સાથીદારો છે, જે ચાર વર્ષ પહેલા મોદીના મુરીદ હતાં અને હવે મોદીની સામે મેદાને પડ્યા છે. ક્રિકેટર, કોમેન્ટ્રેટર અને રાજનેતામાંથી હવે પંજાબના મંત્રી બનેલા નવજ્યોતસિંહ સિદ્ધુ તો હવે સોનિયાજીના સમર્થક બની ગયા છે અને એ જ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે, જેની ફિલ્મ ઉતારવામાં ભૂતકાળમાં તેમણે કાંઈ બાકી રાખ્યું નહોતું. આ પ્રકારના યૂ ટર્ન પાછળ ભાજપનો ઘમંડ જવાબદાર હોવાનું જાણકારો માને છે. ભાજપમાં સિદ્ધુની થયેલી અવહેલના અને અકાલીઓના ઈશારે સિદ્ધુને પંજાબથી દૂર રહેવાની તાનાશાહીભરી સૂચના પછી સિદ્ધુનો મોહમભંગ થયો હોવાનું કહેવાય છે.

એક સમયે મોદીથી પ્રભાવિત ગણાતા વયોવૃદ્ધ નેતા અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી પણ હવે 'મોદીમુક્ત ભારત'ની જરૃર ગણાવી રહ્યા છે. ભાજપમાં ભૂતકાળમાં એક સમયે અગ્રીમ પંક્તિમાં ગણાતા યશવંત સિન્હા તો ભાજપને હરાવવા માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે ગુજરાતમાં આવીને પરોક્ષ રીતે પ્રચાર અભિયાન પણ ચલાવી ગયા હતાં. એવી જ રીતે અન્ય અનેક એવા નેતાઓ અને કાર્યકરો હવે વિમૂખ થઈ ગયા છે, તેની પાછળ પાર્ટીની કોઈ રણનીતિ કામ કરી રહી  છે કે પછી ભાજપને તેનો ઘમંડ નડી રહ્યો છે, તેની ચર્ચાઓ મીડિયામાં થઈ રહી છે.

આંધ્રપ્રદેશને વિશિષ્ટ દરજ્જો આપવાના મુદ્દે મોદી સરકારમાંથી બહાર નીકળી જઈને હવે અવિશ્વાસની દરખાસ્ત લાવનાર ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ્ પાર્ટી તો આંધ્રપ્રદેશમાં તેની પ્રતિસ્પર્ધી પાર્ટી વાયએસઆર કોંગ્રેસની સાથે કદમ મિલાવવા લાગી છે. નાયડુનું આ કદમ આંધ્રપ્રદેશમાં આવી રહેલી વિધાનસભાઓની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને ઊઠાવાયું હોવાનું કહેવાય છે, પરંતુ અવિશ્વાસની દરખાસ્ત લાવીને બળવો પોકાર્યો, તે એક અંતિમ રાજકીય કદમ ગણાય, જે રાષ્ટ્રીય રાજનીતિમાં ટર્નીંગ પોઈન્ટ બની શકે છે. શિવસેના ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે. અકાલી નેતાઓ પણ દબાયેલા અવાજે વિરોધના સૂર કાઢી રહ્યા છે.  કેટલીક નાની પાર્ટીઓ પહેલેથી જ એનડીએ છોડી ચૂકી છે. હવે તો પવન જોઈને સઢ બદલવામાં માહિર ગણાતા એલજેપીના નેતા રામવિલાસ પાસવાન પણ ભાજપને તેમનું વલણ સુધારવાની સલાહ આપવા લાગ્યા છે.

વિપક્ષો જમ્મુ-કાશ્મીરમાં ભાજપના પીડીપી સાથેના ગઠબંધનને ભાજપની તકવાદી રાજનીતિ ગણાવીને પ્રહારો કરી રહ્યા છે. સપા-બસપાએ ઉત્તરપ્રદેશમાં તાજેતરની પેટા ચૂંટણીમાં સાથે મળીને વિજય મેળવ્યા પછી મોદીવિરોધી પક્ષો એક થઈ રહ્યા છે. એનડીએના સાથી પક્ષોની ગુંગળામણ હવે જાહેર થઈ રહી છે. તેવા સમયે રાજ ઠાકરેએ આપેલું 'મોદીમુક્ત' ભારતનું એલાન વર્ષ ર૦૧૯ ની લોકસભની ચૂંટણીઓના સંદર્ભે સાંકેતિક અને વ્યૂહાત્મક છે.

ભાજપ સામે પરંપરાગત રીતે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો મેદાનમાં હતાં. પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજકીય હિતો મુજબ પવન પ્રમાણે સઢ ફેરવતા રહ્યા છે. બસપા પણ ભૂતકાળમાં ભાજપ સાથે સત્તાની સોદાબાજી કરી ચૂકી છે. માયાવતી અને મમતા બેનર્જી પણ હવે ખુલ્લેઆમ ભાજપ અને મોદીની વિરૃદ્ધમાં આવી ગયા છે. ઓડિસામાં નવિન પટનાયકનું અકળ રહેલું વલણ હવે ભાજપના વિરોધમાં ઢળી રહ્યું છે. તામિલનાડુમાં ડીએમકે ભાજપની સામે સ્પષ્ટરીતે મેદાનમાં છે. જો કે, થોડા મહિના પહેલા વડાપ્રધાને કરૃણાનીધિની લીધેલી મુલાકાત પછી ડીએમકે એનડીએ તરફ ઢળશે, તેવી અટકળો હતી, પરંતુ તે પછી તામિલનાડુના રાજકારણમાં પ્રવેશેલા બે ફિલ્મી અભિનેતાઓએ નવું ચિત્ર ઊભું કરી દીધું છે. તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને મમતા બેનર્જી મળીને ત્રીજો મોરચો ઊભો કરવાના પ્રયાસો કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વિવિધ પ્રકારના આંદોલનો ભાજપ વિરોધી લહેર દર્શાવે છે. રાજસ્થાનમાં વસુંધરા રાજે સરકાર સામેની એન્ટી ઈન્કમબન્સી ભાજપને ભારે પડી રહી છે, અને તાજેતરની પેટાચૂંટણીઓમાં પરાજય જોતા ભાજપનો જનાધાર ઘટી ગયો હોવાનું જણાય છે. મધ્યપ્રદેશમાં પણ કાંઈક એવી જ સ્થિતિ છે.

પંજાબમાં કેપ્ટન અમરિન્દરના શાસનથી લોકો ખુશ જણાય છે, તો હરિયાણામાં ખટ્ટર સરકાર લોકપ્રિયતા ગુમાવી રહી છે. ઉત્તર-પૂર્વના નાના રાજ્યોમાં ભાજપે વિજય મેળવ્યો, પરંતુ ગોરખપુર અને ફૂલપુરની લોકસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભૂંડા હાલે હાર્યા પછી ભાજપ માટે 'હવેલી લેવા જતા ગુજરાત ખોયું' કહેવત જેવો ઘાટ સર્જાયો છે. બીજી તરફ મહારાષ્ટ્રનો એનડીએના સાથી પક્ષ સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા રાજુ શેટ્ટીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની લીધેલી મુલાકાત ભાજપ માટે ઝટકો છે.

એકંદરે એનડીએ વિખેરાઈ રહ્યું છીે, અને વિપક્ષો મજબૂત થઈ રહ્યા છે. ગુજરાતમાં ફરી સત્તા મેળવ્યા છતાં ભાજપની બેઠકો ઘટી ગયા પછી રાષ્ટ્રીય સ્તરે વિપક્ષો માટે આશાનું કિરણ જાગ્યું અને પેટાચૂંટણીઓમાં ભાજપનો પરાજય, સાથીપક્ષોનો બળવો અને સાથીદારોનો ખુલ્લેઆમ વિરોધ જોતા રાજ ઠાકરેનું 'મોદીમુક્ત ભારત'નું આહ્વાન હવે વિપક્ષી એક્તા માટે 'ટોનિક' બની રહ્યું હોય, તેમ જણાય છે.

અન્ના હજારેએ પણ મોદીસરકાર સામે ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે, અને 'મનસે' દ્વારા મુંબઈમાં ગુજરાતીઓ પર હુમલા થઈ રહ્યા છે. રાજકીય વિશ્લેષકો હવે 'મોદી મુક્ત ભારત'ની ચર્ચા કરવા લાગ્યા છે જેમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં મજબૂત બનેલું યુપીએ વર્ષ ર૦૧૯ મી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેશે, તેવી સંભાવનાઓ દર્શાવાઈ રહી છે, તો કેટલાક રાજકીય પંડિતો મમતા, ચંદ્રશેખર રાવ, નાયડુ અને શિવસેના જેવા કેટલાક પક્ષોનો ત્રીજો મોરચો રચાય, તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક વિશ્લેષકો તાજેતરના ઘટનાક્રમોને વર્ષ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીઓના સંદર્ભે રણનીતિની ફલશ્રૂતિ ગણાવી રહ્યા છે, તો કેટલાક રાજકીય નિષ્ણાતો વ્યૂહાત્મક રીતે ઊભી કરાયેલી આ સ્થિતિને ઊંડી રાજનૈતિક ચાવી પણ ગણાવી રહ્યા છે. વિકલ્પો ઘણાં છે, પરંતુ 'મોદીમુક્ત' ભારતની મહેચ્છા હવે માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ સાથી પક્ષો અને મોદીના ભૂતકાળના સાથીદારોમાં પણ મજબૂત બની રહી હોય તેમ જણાય છે.

ઃ આલેખન ઃ વિનોદ કોટેચા

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00