ચાર વર્ષની ઉજવણીના ભાગરૃપે મોદી સરકાર ઓડીશામાં કરશે મહા રેલી / ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતાઃ આવતીકાલે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત / યુએઈએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફારોઃ ર૮ લાખ ભારતીઓને થશે ફાયદો /

ગુજરાતી ફિલ્મ 'ઓક્સિજન'ની ટીમ સાથે ગોષ્ઠી

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિવસો બદલાઈ રહ્યા છે, પરંતુ ઢોલીવુડના નવા યુગને સ્વીકારવામાં હજુ દર્શકો ગભરાઈ રહ્યા છે અથવા શરમાઈ રહ્યા છે. ઘણાં લાંબા સમય સુધી આવેલી ગ્રામ્ય પૃષ્ઠભૂમિ ધરાવતી એક જ પ્રકારની ગુજરાતી ફિલ્મોને કારણે ગુજરાતી પ્રેક્ષકોએ ફિલ્મ એટલે બોલીવુડની ફિલ્મ એવી ધારણા બનાવી લીધી હતી, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતી ફિલ્મોમાં આવેલા પરિવિર્તનના પવનને કારણે વૈવિધ્યસભર નવસર્જનની સુગંધ ફેલાઈ છે. આ સુગંધમાં નવો ધબકાર લઈને આવી છે ફિલ્મ 'ઓક્સિજન'. ઉલ્લેખનિય છે કે ફિલ્મ 'ઓક્સિજન'ની મુખ્ય અભિનેત્રી વ્યોમા નાંદીનો જન્મ જામનગરમાં થયો છે અને તેણી જામનગરની ભાણેજ છે. તેમજ ફિલ્મમાં સહઅભિનેત્રી ભૂમિકા નગરની નવોદિત પ્રતિભાશાળી અભિનેત્રી રિવા વિરલ રાચ્છએ ભજવી છે. ત્યારે 'ઓક્સિજન'ના દિગ્દર્શક ચિન્મય પૂરોહિત મુખ્ય અભિનેતા અંશુલ ત્રિવેદી તથા અભિનેત્રી વ્યોમા નાંદી અને રિવા રાચ્છ ઉપરાંત ફિલ્મના મ્યુઝિક ડીસ્ટ્રીબ્યુટર કૃપ મ્યુઝિકના ડો. કૃપેશ ઠક્કરએ 'નોબત'ની મુલાકાત લઈ 'નોબત' પરિવારના  ચેતનભાઈ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે ફિલ્મ અંગે ગોષ્ઠી કરી હતી.

ફિલ્મના દિગ્દર્શક ચિન્મય પૂરોહિત મૂળ અમદાવાદના છે અને મુંબઈમાં સ્થાયી થયા છે. પ્રસિદ્ધ ડાયરેક્ટર કુંદન શાહના એસોસિએટ ડાયરેક્ટર તરીકે 'ક્યા કહેના' વગેરે ફિલ્મોમાં પોતાની પ્રતિભા સાબિત કર્યા પછી ટીવી સિરિયલોમાં લેખન અને દિગ્દર્શન ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું. ગોષ્ઠી દરમિયાન ચિન્મય પૂરોહિતે જણાવ્યું હતું કે 'ઓક્સિજન' ફિલ્મનું વિચાર બીજ ૧ર વર્ષ પહેલા તેમના મનમાં રોપાયું હતું, પરંતુ વ્યસ્તતાને કારણે એ બીજને વૃક્ષ બનતા ૧ર વર્ષ લાગ્યા. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા પાંચ વર્ષમાં અલગ-અલગ વિષયમાં ફિલ્મો બની રહી છે. આ અર્બન ગુજરાતી ફિલ્મોને પ્રેક્ષકો પણ મળી રહ્યા છે, પરંતુ હજુ પણ જોઈએ એટલા પ્રેક્ષકો મળતા નથી. તે અંગે ચિન્મય પૂરોહિત સિનેમામાલિકો તથા ડીસ્ટ્રીબ્યુટરોના વલણ તેમજ ગુજરાતી તરીકે માતૃભાષાની ફિલ્મોને ચાહવાની ગુજરાતીઓમાં રહેલી  ઉદાસીનતા બન્નેને જવાબદાર ગણે છે. પ્રેક્ષક જાગશે તો સર્જક પણ જાગશે અને એ બન્ને જાગી જશે તો સિનેમા માલિકો અને ડીસ્ટ્રીબ્યુટરો પણ ગુજરાતી ફિલ્મોને હાથોહાથ વધાવતા થઈ જશે.

ફિલ્મના મુખ્ય અભિનેતા અંશુલ ત્રિવેદી બહુમુખી પ્રતિભા ધરાવે છે. શાસ્ત્રી સંગીતની વિધિવત તાલીમ લઈ ચૂકેલા અંશુલ ત્રિવેદી સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક હતાં. દરમિયાન વિજુ શાહએ તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈ ર૦૦૭ માં મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું અને અંશુલને સપનાઓના શહેરમાં પોતાનું અસ્તિત્વ સાકાર કરવાની ક્ષિતિજો ઉઘડતી દેખાઈ. પરિણામે અંશુલ મુંબઈ ગયા અને ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો.

અભ્યાસ પછી છ મહિના પ્રોબેશન બેઝ પર નોકરી કરી, પરંતુ આ દરમિયાન જ અંશુલને પોતાની અંદર રહેલા અભિનેતાનો પરિચય થયો અને પ્રોબેશન પછી મળેલી સુંદર નોકરીની તક છોડી દીધી.

જિંદગીમાં મોટું પરિવર્તન કરવું હોય તો ગણિત નહીં, પરંતુ 'ગટ્સ' (હિમ્મત) કામ આવે છે.

અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાના પ્રયાસો આરંભ કર્યા પછી સદ્નસીબે ટૂંકા સમયમાં અંશુલએ મોટી ઉપલબ્ધિયો પ્રાપ્ત કરી લીધી. બોલીવુડના મોડર્ન શો-મેન સંજયલીલા ભણશાલીની ફિલ્મ 'રામ-લીલા'માં નોંધપાત્ર ભૂમિકા નિભાવ્યા પછી અંશુલએ સંજયલીલા ભણશાલીની બહુચર્ચિત સિરિયલ 'સરસ્વતીચંદ્ર'માં મુખ્ય ભૂમિકા પણ ભજવી. આ ઉપરાંત ફિલ્મ રમૈયા વસ્તા વૈયા તેમજ 'ઈશ્ક કા રંગ સફેદ', 'લવ બાય ચાન્સ', 'ત્રિદેવિયા' વગેરે સિરિયલોમાં અભિનયના ઓજસ પાથરનાર અંશુલ ત્રિવેદી 'ઓક્સિજન'ના પોતાના પાત્રને પોતાની કારકિર્દીની ઓળખ સમાન ગણાવે છે કારણ કે 'ઓક્સિજન'માં અંશુલના પાત્રનું નામ શેક્સપિયર છે. ગોષ્ઠી દરમિયન અંશુલ ફિલ્મની કથા-પટકથાની સોથ દિગ્દર્શક ચિન્મય પૂરોહિતના દિગ્દર્શનની પણ પ્રશંસા કરે છે.

ફિલ્મની મુખ્ય અભિનેત્રી વ્યોમા નાંદીનો જન્મ જામનગરમાં થયો છે. કેનેડામાં સાયકોલોજી સાથે બી.અસ.સી. કર્યા પછી બાળપણથી અભિનેત્રી બનવાનું સ્વપ્ન સાકાર કરવા વ્યોમા સાત સમંદર પાર કરી માયાનગરી મુંબઈ આવે છે.  દિગ્દર્શક મહેશ ભટ્ટના ભાઈ તથા પ્રસિદ્ધ ફિલ્મ લેખક રોબિન ભટ્ટને  મળ્યા. રોબિન ભટ્ટના માર્ગદર્શનથી એક તેલુગુ ફિલ્મ મળી એટલે કેમેરા સાથેના સંબંધનો શુભારંભ થઈ ગયો. ત્યરપછી અર્બન ગુજરાતી ફિલ્મોના પ્રથમ સુપર સ્ટાર મલ્હાર ઠાકર સાથે ફિલ્મ 'કેશ ઓન ડિલિવરી' કરી અને મલ્હાર ઠાકર વ્યોમાની અભિનય પ્રતિભાથી પ્રભાવિત થયા. પરિણામે 'ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ'માં પણ વ્યોમાએ અભિનયના ઓજસ પાથર્યા. વ્યોમા 'ઓક્સિજન' ફિલ્મમાં પોતે ભજવેલ 'નતાશા'ના પાત્રને અત્યાર સુધીનું પોતાનું પ્રિય પાત્ર ગણાવી 'ડ્રીમ રોલ' ભજવવાની તક આપવા બદલ દિગ્દર્શક ચિન્મય પૂરોહિતનો ઋણસ્વીકાર કરે છે.

નગરને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર નાટ્ય સંસ્થા 'થિએટર પીપલ'ના સ્થાપક સંચાલક ગૌરવ પુરસ્કારથી વિભૂષિત રંગકર્મી વિરલ રાચ્છની પુત્રી અને પ્રતિભાશાળી નવોદિત અભિનેત્રી રિવા રાચ્છએ પણ 'ઓક્સિજન'માં તોરલ પારેખ નામની યુવતીની અગત્યની અને નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનિય છે કે એકથી વધુ વખત રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતી ચૂકેલ રિવાએ આ પહેલા 'કેરી ઓન કેસર' નામની ગુજરાતી ફિલ્મમાં પણ નાનકડી, પરંતુ યાદગાર ભૂમિકા નિભાવી હતી. તેમજ સોની લાઈવ વેબચેનલ પર પ્રસારિત થયેલ પ્રથમ ગુજરાતી વેબસીરીઝ 'કાચો પાપડ પાકો પાપડ'માં પણ રિવાએ મહત્ત્વની અને દીર્ઘ ભૂમિકા ભજવી પ્રેક્ષકોનો ઓનલાઈન પ્રેમ પણ સંપાદિત કર્યો છે. 'ઓક્સિજન' ફિલ્મના પોતાના પાત્રને પડકારરૃપ ગણાવી રિવાએ દિગ્દર્શક ચિન્મય પૂરોહિતના દિગ્દર્શનના 'એક્ટર ફ્રેન્ડલી' અંદાજને બિદાવ્યો હતો અને ફિલ્મનો હિસ્સો હોવા બદલ પોતાને ભાગ્યશાળી ગણાવી હતી.

'ઓક્સિજન'ના દિગ્દર્શક ચિન્મય પૂરોહિતે તેમની ફિલ્મનો વિષય અભૂતપૂર્વ હોવાનો દાવો કરી પ્રત્યેક ગુજરાતીને ફિલ્મ જોવાનો અનુરોધ કર્યો હતો.

મારી ફિલ્મ શુદ્ધ ઘી છે તેમ કહી ચિન્મય પૂરોહિતે એક જ વાક્યમાં 'ઓક્સિજન'ની અભિવ્યક્ત કરી હતી.

ફિલ્મમાં કુલ બે ગીતો છે જે પાર્થ ભરત ઠક્કરએ તૈયાર કર્યા છે જે પૈકી આપણું પરંપરાગત લગ્નગીત 'નાણાવટી રે' ખૂબ જ સુંદર રીતે રીક્રિએટ કરવામાં આવ્યું છે. અંશુલ ત્રિવેદી આ પ્રયોગને અભૂતપૂર્વ ગણાવી 'ઓક્સિજન' ફિલ્મ તેમના માટે ફક્ત એક અનુભવ નહીં, પરંતુ અનુભૂતિ હોવાની વાત કહે છે. ફિલ્મના મ્યુઝિક ડીસ્ટ્રીબ્યુટર 'કૃપ મ્યુઝિક'ના ડો. કૃપેશ ઠક્કર જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે અર્થાત્ 'ઓક્સિજન' ફિલ્મનું જામનગર સાથે ખૂબ સ્ટ્રોન્ગ કનેક્શન છે ત્યારે દિગ્દર્શક ચિન્મય પૂરોહિત સહિત ફિલ્મની પૂરી ટીમ નગરજનોને 'ઓક્સિજન' અચૂક નિહાળવાનું આમંત્રણ આપે છે. તમે ટિકિટ બુક કરાવી કે નહીં?

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00