ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્ને આવેદન

ખંભાળિયા તા. ર૦ઃ ભારતીય કિસાન સંઘ-દેવભૂમિ દ્વારકા જિલ્લાની કારોબારી બેઠક તાજેતરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ રામભા કેરના અધ્યક્ષસ્થાને મળી હતી. આ પછી ખેડૂતોના પ્રશ્ને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘાસચારા, પાણીની અછત વર્તાઈ રહી છે. આજે પશુપાલકો પાસે ઘાસચારો નથી તેમજ ઘાસચારાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આથી માલધારી પોતાના ઢોરને છોડી મૂકવા મજબૂર બન્યા છે. આથી સરકારે તાકીદના ધોરણે ઘાસચારો, પાણીની વ્ય્વસ્થા કરવી જોીઈએ અને ખેડૂતો માટે રોજગારીનો પ્રશ્ન ઊભો થતો હોય, યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ખેડૂતો વાડી વિસ્તારમાં રહેતા હોય તેના પરિવાર, માલ ઢોરના રક્ષણ માટે જરૃરી પગલાં લેવા જોઈએ.

સરકાર સજીવ ખેતીને પ્રોત્સાહન આપે છે અને દવા, ખાતર નહીં વાપરવા સલાહ આપે છે. બીજી તરફ સરકારી કંપનીના ખાતરમાં સબસિડી આપે છે તેનો મલતબ શું કરવો? જો સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું હોય તો દવા, ટ્રેક્ટર, ખાતરમાં સબસિડી બંધ કરવી તો જ ખેડૂતો ગાય, બળદ રાખીને ખેતી કરશે અને તેને જ સબસિડી આપવી જોઈએ. વન વિભાગ દ્વારા વૃક્ષ વાવેતરની કામગીરીમાં બદલાવ લાવવાની જરૃર છે. લાખોના ખર્ચ પછી પરિસ્થિતિ શું છે?

આજ સુધી કપાસનો પાક વીમો ચૂકવાયો નથી. બેંકોની ભૂલના કારણે પાક વીમો મળ્યો નથી. આથી આ મુદ્દે તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવા જોઈએ.

ખેતીવાડી સાધન સબસિડી બંધ છે તે બાબતે યોગ્ય નિર્ણય લઈ કાર્યવાહી કરવી જોઈએ.

close
Nobat Subscription