જામનગર તા. ૨૦ઃ કાલાવડના બેરાજા ગામના એક વેપારી પર ઉઘરાણીના પ્રશ્ને જીવલેણ હુમલો કરનાર બે પૈકીના એક આરોપીને અદાલતે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે જ્યારે બીજા આરોપીનો છુટકારો થયો છે.
આ બનાવની વધુ વિગત મુજબ કાલાવડના બેરાજા ગામના મયુરભાઈ મનુભાઈ ગઈ તા. ૧૩-૩-૧૫ના દિને પોતાની મોબાઈલની દુકાનમાં હાજર હતા ત્યારે ત્યાં આવેલા બેરાજાના બીલાલ બસીર નામના શખ્સ પાસે મોબાઈલના બાકી રહેતા રૃા. ૫૦૦ની મયુરભાઈએ માંગણી કરતા બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી ગામના પાદરમાં મયુરભાઈને રોકી બીલાલે છરી હુલાવી દીધી હતી. તેમની સાથે રહેલા દેવસીભાઈને બીજા આરોપી જુસબ ઉમરે પાઈપ ફટકાર્યો હતો. પોલીસે મયુરભાઈની ફરિયાદ પરથી હત્યા પ્રયાસનો ગુન્હો નોંધ્યો હતો. આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા ન્યાયમૂર્તિ ડી.એમ. વ્યાસે સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી મુખ્ય આરોપી બીલાલ બસીરને આઈપીસી ૩૦૭ના ગુન્હામાં પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૃા. ૫૦૦૦નો દંડ, જાહેરનામાના ભંગના ગુન્હામાં ચાર મહિનાની સજા, રૃા. ૫૦૦નો દંડ ફટકાર્યો છે. સરકાર તરફથી પીપી રાજેશ રાવલ રોકાયા હતાં.