ખંભાળીયા તા. ૧૩ઃ દ્વારકા વિસ્તારની બે હોડીઓ દરિયામાં જતા તોફાનમાં ડૂબી જતાં શનિવારે પાંચ મૃતદેહ માછીમારોના મળેલા જે પછી બીજા બે ના મૃતદેહો મળતા સાતના મરણ ગફલત અને બેદરકારીથી નીપજતા જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારકા દોડી ગયા હતાં.
અધિકારીઓ સાથે મિટિંગ
જિલ્લા કલેક્ટર મીનાએ દ્વારકામાં સરકીટ હાઉસમાં અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, પ્રાંત અધિકારી દર્શક વિઠલાણી, ફીશરીઝ તથા પોલીસ અધિકારીઓ તથા મામલતદાર રેવન્યુ અધિકારીઓ જોડાયા હતાં. જેમાં આ ઘટના અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
મનાઈના જાહેરનામા પછી બોટો દરિયામાં કેમ ગઈ...?
જિલ્લા કલેક્ટર દ્વારા હવામાન વિભાગની સૂચના પ્રમાણે દરિયો જોખમી હોય તથા ભારે પવન અને વરસાદ આવે તેમ હોય, જાહેરનામું બહાર પાડીને ૧પ-ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી માટે નહીં જવા માટે જણાવાયું હોવા છતાં પણ તા. ૯-૮-ર૦૧૯ ના ૪૦ જેટલા માછીમારો બોટો લઈને ગયા હતાં તેમાં આ નવ વ્યક્તિ ગૂમ થયા, તેમાં સાત મૃત્યુ પામેલા મળી આવ્યા હોય, મનાઈ છતાં બોટવાળા દરિયામાં ગયા હોય, બોટ માલિકો સામે કેસ કરીને આગળ કાર્યવાહી હાથ ધરવા માટે તંત્ર વિચારી રહ્યું છે. ઈજાગ્રસ્તો સામે પણ પગલા લેવામાં આવશે.
નવાઈની વાત એ છે કે, દેવભૂમિ દ્વારકા જિ.પો. વડા રોહનકુમાર આનંદ દ્વારા દેવભૂમિ જિલ્લામાં અનેક સ્થળે માછીમારો માટે જાગૃતતા કાર્યક્રમો યોજયા છે. માછીમારોને દરિયામાં ક્યારે ના જવું...? ક્યારે કોનો સંપર્ક કરવો, પરવાનગી, જાહેરનામું વિગેરે બાબતો અંગે સૂચનાઓ અને સમજૂતિના કાર્યક્રમો છતાં આ બનાવ બન્યો અને જાહેરનામું છતાં બોટવાળા દરિયામાં ગયા અને કરૃણ ઘટના બની છે. જો કે, આ જે બે બોટ ડૂબી ગઈ તે બોટ મોટી નહીં પણ હોડીઓ હતી. જે હલેસાથી મેન્યુઅલ રીતે ચાલે તેવી હતી. જે ગરીબ માછીમારો લઈને ગયા હતાં. દરિયાઈ તોફાન અને પવનની સામે ઝીંક ના ઝાલતા આ બે હોડીઓ ડૂબી ગઈ હતી. ૪૦ જેટલી ગયેલી તે પરત ના આવી હોતતો મૃત્યુઆંક વધુ થાત. તંત્રની કડકાઈ છતાં ગરીબ માછીમારો બંદરના બદલે આડ રસ્તે નાની હોડીઓ લઈ દરિયામાં ચાલ્યા જાય છે. જો કે, બહુ આગળ જતાં નથી પણ દરિયામાં કરંટ હોય, મોજા વધુ ઉછળતા આ ઘટના બની હતી.
આઠમી લાશ મળીઃ કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન
દ્વારકાની બે બોટ ડૂબી જવાની ઘટનામાં પ્રથમ એક પછી એક એમ ચાર અને પછી બે એમ સાત વ્યક્તિના મૃતદેહ મળ્યા પછી ગત રાત્રિના વધુ એક ખલાસીના મૃતદેહો મળતા કુલ મૃત્યુઆંક આઠનો થયો છે. બાકી રહેલા એકને શોધવા માટે કોસ્ટગાર્ડ દ્વારા શીપ તથા હેલિકોપ્ટરથી શોધખોળ ચાલુ રખાઈ છે.
સામાન્ય રીતે આવી રીતે અકસ્માતમાં મૃત્યુ થયેલાને સરકારની બે-ચાર લાખની સહાય મળતી હોય છે, પણ જાહેરનામાનો ભંગ કરીને ગેરકાયદે જનાર માછીમારોને આવી સહાય પણ મળે તેમ લાગતું નથી...!