નવા વર્ષમાં જીવનને સુંદર બનાવવાની ટિપ્સ

જીવનમાં આપણે કેટલીય વાર એટલા ખુશ નથી રહી શકતા જેટલા આપણે રહેવું જોઈએ. હકીકતમાં તો આપણે જીવનને તેના સુંદર રૃપમાં સ્વીકારતા જ નથી હોતા. ક્યાંકને ક્યાંક આપણે જ તેના માટે જવાબદાર હોઈએ છીએ, પરંતુ જો આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખીએ તો ખરેખર આપણું જીવન પહેલાથી વધારે સારૃ અને હેતુલક્ષી બની શકે છે. આવો જાણીએ એવી કેટલીક વાત...

બાળકો સાથે યંગ હો તે રીતે વાત કરોઃ

જ્યારે બાળકો ૧૭-૧૮ વર્ષના થાય ત્યારે તેમની સાથે મમ્મીની જેમ નહીં, પણ એક મોટીબેન જેવો વ્યવહાર કરો. આમ કરવાથી ઉંમરનું અંતર તો દૂર થશે અને તેમના મનમાં તમારા માટે માન જળવાશે. સાથે કોઈપણ જાતના ખચકાટ વગર તેઓ પોતાના દિલની વાત તમારી સાથે કરશે. બાળકોની આ ઉંમર ખૂબ જ નાજૂક હોય છે.  તેઓ યુવાવસ્થાના ઉંમરે પગ મૂકતા હોય છે, તેમનામાં ભરપૂર ઉત્સાહ હોય છે, પરંતુ જીવનની પુખ્ત સમજ નથી હોતી. ઘણીવાર આ ઉંમરના બાળકો એવા પગલાં ભરી લેતા હોય છે, જેના પરિણામ ગંભીર હોય છે. આ સ્થિતિમાં ખૂબ જ સાવચેતી રાખવાની જરૃર છે. બાળકો પર પોતાની વાત  ક્યારેય ન થોપો, પરંતુ તેનો દૃષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરો. વિકસિત થવા માટે તેમને પૂરતી સ્પેશ આપો. તેમને પોતાની રીતે વિચારવા દો અને સારાનરસાનો ભેદ સમજવા દો.

યંગ માનસિકતા જરૃરીઃ

પુખ્ત થતા જ સામાન્ય રીતે આપણે જીવનની શરૃઆતથી બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવા લાગીએ છીએ. તેના કારણે આપણી રચનાત્મક્તા ક્યાંક ખોવાઈ જાય છે. આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે આપણા બધાની અંદર એક બાળક તો છે જ, જે પોતાને મનગમતું કરવા ઈચ્છે છે. પછી ભલેને તમે ગમે તે ઉંમરના હો. આ માનસિક્તા જાળવી રાખો. આ થશે તો જ તમારી અંદર પહેલા જેવી ઊર્જા અને ઉત્સાહ જળવાઈ રહેશે.

મગજર-દિલને રાખો સ્વસ્થઃ

તમારા સપના રપ ના હોય કે પપ ના, મગજ અને દિલ સ્વસ્થ રાખવા જરૃરી છે. મગજને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે મેન્ટલ એક્સરસાઈઝ કરતા રહો. સમયાંતરે મગજને ચેલેન્જ કરતા રહો. નવા શબ્દો, નવી વાતો શીખો, નવું શીખવાનો ઉત્સાહ રાખો. ક્યારેક ક્યારેક કામમાંથી બ્રેક લઈને પરિવાર તથા મિત્રો સાથે ક્યાંક ફરવા નીકળી જાવ સકારાત્મક માનસિક્તા રાખો. હસવાની ટેવ પાડો અને સોશિયલ બનો.

ઓફિસમાં ઊર્જા અને ઉત્સાહથી કામ કરોઃ

કહેવાય છે કે યંગસ્ટર્સની ઊર્જા કંઈક અલગ જ હોય છે. આ એ ઉંમર છે જેમાં વ્યક્તિ પોતાની પ્રાથમિક્તાને સમજવા લાગે છે અને તેને પૂરી કરવા ભરપૂર પ્રયત્ન કરે છે. આ ઉંમરમાં તે પોતાના સાધનો અને લક્ષ બાબતે ખૂબ જ ઉત્સાહિત હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે વ્યક્તિ થોડી આળસુ બની જાય છે. તે કંટાળા સાથે કામ કરવા લાગે છે, જો કે આ વાત યોગ્ય નથી. મનુષ્યએ પોતાની અંદર યુવાન વ્યક્તિ જેવી ઊર્જા અને કંઈક કરી બતાવવાની ધગશ હંમેશાં જાળવી રાખવી જોઈએ. જો આવું થશે તો જ તે કોઈપણ ઉંમરે ઉપલબ્ધિના આકાશને સ્પર્શી શકશે.

જુની પત્ની નહીં, યંગ દિલની પ્રેમિકા બનોઃ

વધતી ઉંમરની સાથે સાથે મહિલાઓ ભૌતિક સુખ-સુવિધા મેળવવા અને ઘરગૃહસ્થીના કામમાં વ્યસ્ત થઈ જાય છે. ઘર તથા બાળકોની જવાબદારીની વચ્ચે પોતાની ઈચ્છાઓ અને જીવનસાથી પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત નથી કરી શકતી, જો કે આ વલણ યોગ્ય નથી. પતિ-પત્નીના સંબંધમાં તાજગી જાળવી રાખવી પણ જરૃરી છે. શારીરિક ફિટનેસ પર ધ્યાન આપો. શારીરિક અને માનસિક બન્ને રીતે ફિટ રહો, જિમ જોઈન કરો. તમારા લૂકની સાથે નવા નવા એક્સપરિમેન્ટ કરો. ટ્રેન્ડી કપડા અને ફૂટવેર ખરીદો. પતિ સાથે સમયાંતરે હસીમજાક, વાતચીત અને સંબંધની ઉષ્મા જાળવી રાખો.

ખુશ રહેવાના કારણ શોધોઃ

ખુશ રહેવું એક ભાવનાત્મક અને માનસિક પ્રક્રિયા છે જે તમારા જીવનને ખુશહાલ બનાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ખુશ રહેવાનો અર્થ એ નથી કે તમારા જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે. તેનો અર્થ એ છે કે તમે તમારી સમસ્યાને ભૂલીને પણ ખુશી-આનંદમાં જીવી શકો છો. આમ કરવાથી તમને મુશ્કેલીઓ સાથે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે. ખુશ રહેવાથી આસપાસની દરેક વસ્તુ ગમવા લાગે છે, જેથી મનુષ્યના મનથી નકારાત્મક વિચારો દૂર ભાગવા લાગે છે અને તે સારૃ જીવન જીવી શકે છે. તેથી હંમેશાં ખુશ રહેવાના કારણ શોધો. માત્ર મોટી ખુશીઓ જ નહીં, નાની નાની ખુશીઓને પણ માણો, સદા ખુશ રહો.

મિત્રો સાથે યુવાનો જેવી મસ્તીઃ

જેમ જેમ આપણી ઉંમર વધે છે, તેમ તેમ આપણી જવાબદારી પણ વધવા લાગે છે. નાની ઉંમરમાં જે રીતે આપણે ખુલીને મિત્રોને આપના દિલની વાત કહેતા હોઈએ છીએ, હસીમજાક કરીએ છીએ, તેનાથી આપણને એક નવી ઊર્જા પ્રાપ્ત થાય છે, પરંતુ સમયની સાથે આ બધું પાછળ છૂટતું જાય છે. જુના મિત્રો સાથે એ જ રીતે મુક્તમને મળીને જુઓ. આ એક થેરપિની જેમ તમને નવી ઊર્જા અને તાજગીની અનુભૂતિથી ભરી દેશે અને જીવન જોવાનો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે.

પતિને કોઈ માળખામાં ન રાખોઃ

પતિની તંદુરસ્તી, રૃટિન, પહેરવેશ અને આહારની કાળજી પણ તમારે જ લેવાની છે. તેમને હંમેશાં પૌષ્ટિક ભોજન આપવાનો પ્રયત્ન કરો. સમયસર બધા જ કામ કરવા માટે તેમનો ઉત્સાહ વધારો, તેમના માટે એવા વ્યવસ્થિત અને સુંદર ડ્રેસ પસંદ કરો, જેથી તેઓ સ્માર્ટ અને સંસ્કારી દેખાય. એક્સરસાઈઝ કરવા અને વધારે ચાલવા માટે તેમને પ્રોત્સાહન આપો.

કંઈક નવું શીખતા રહોઃ

શીખવાની કોઈ જ ઉંમર નથી હોતી, તેથી જીવનમાં જ્યારે પણ તક મળે, કંઈક નવું શીખવાથી દૂર ન રહો. આજના સમયમાં યુવાનોની જેમ સમયની સાથે નવી નવી ટેકનોલોજીનો પરિચય કેળવો, જેથી નાનામોટા કામ માટે પતિ કે બાળકો પર આધારિત ન રહેવું પડે. ઈન્ટરનેટને લગતી જાણકારી મેળવો. બેંકનું કામ, કેશલેસ પેમેન્ટ, ઈન્ટરનેટથી શોપિંગ જેવી ટેકનોલોજી જાણી લો.

સમયનો ઉત્તમ ઉપયોગ કરોઃ

ઓછા સમયમાં ઉત્તમ રીતે કામ કરવા ઈચ્છતા હો તો ઘર અથવા ઓફિસમાં તમારી કામ કરવાની જગ્યાને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. આમ કરવાથી જરૃરી ચીજવસ્તુઓ તો સહેલાઈથી મળશે અને સાથે સાથે કામ કરવામાં એકાગ્રતા જળવાશે. કામ કરવાની સાથે સાથે શરીરને આરામ પણ આપો. હંમેશાં બધા માટે ઉપલબ્ધ ન રહો, ના કહેતા પણ શીખો. તાણથી દૂર રહો.

આ બધું કરવાની સાથે સાથે પરિવારમાં ખુશી આવે એ મો ક્યારેક જીવનસાથીને સરપ્રાઈઝ ગિફ્ટ આપતા રહો. બાળકો માટે અચાનક ચોકલેટ્સ કે ગિફ્ટ ખરીદો, અચાનક બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવો, તો ક્યારેક ઘરમાં જ બહારથી ભોજન મંગાવીને ટેબલ ડેકોરેટ કરીનેહોટલના જમણની અનુભૂતિ કરો.

  • દિપા સોની


 

તમારા શિશુનો માનસિક વિકાસ અધુરો તો નથી?

'તમારી દીકરી અભ્યાસમાં ખૂબ કમજોર છે, તેને ક્લાસમાં ભણાવેલું યાદ નથી રહેતું' જ્યારે ટીચર રીમાને તેની દીકરી અનિકા વિશે આ જણાવી રહ્યા હતાં, ત્યારે રીમાને ટીચરની વાત પર વિશ્વાસ નહોતો આવતો. ત્રણ વર્ષની અનિકા દેખાવે તંદુરસ્ત હતી અને તેની લંબાઈ પણ તેની ઉંમર અનુસાર યોગ્ય હતી. તો પછી તેને  ભણવામાં કે યાદ કરવામાં શું મુશ્કેલી હોઈ શકે? તે વિચારીને રીમા પરેશાન થઈ રહી હતી.

રીમાએ ઘરે આવીને અનિકાની વર્તણૂક પર ધ્યાન આપ્યું, તો તેને સમજાયું કે અનિકા એકાગ્રતાથી ન તો રમે છે અને ન અભ્યાસ કરે છે. તેને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે તેણે કેમ ક્યારેય અનિકાની આ વર્તણૂક પર ધ્યાન ન આપ્યું. રીમાનું સંપૂર્ણ ધ્યાન તેની લંબાઈ અને વજન પર રહેતું હતું. આ માત્ર રીમાની કહાણી નથી, રીમા જેવી કેટલીય મમ્મી છે, જે માત્ર બાળકના શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે, પરંતુ ક્યારેય એ નથી વિચારતી કે બાળકનો માનસિક વિકાસ પણ ખૂબ જરૃરી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બાળકના શરૃઆતના ૧૦૦૦ દિવસ તેના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ મહત્ત્વના હોય છે. તેથી બાળકના પોષક તત્ત્વોથી ભરપૂર આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ખૂબ ઓછા પેરેન્ટ્સ પોતાના સંતાનના મગજ કે માનસિક વિકાસ પર ચર્ચા કરે છે.

તબીબના જણાવ્યા મુજબ ભારતમાં ઘણાં ઓછા પેરેન્ટ્સ બાળકોના માનસિક વિકાસ સાથે જોડાયેલા આહારની વાત કરે છે. મોટાભાગના પેરેન્ટ્સ માત્ર બાળકોના વજન, ઊંચાઈ બાબતે પરેશાન રહે છે અને તે સંબંધિત આહાર વિશે પૂછે છે. ઘણીવાર જોવા મળે છે કે લોકો પોતાના પરિવારની ખાણીપીણી અનુસાર બાળકોનો ખોરાક નિશ્ચિત કરે છે. આ સ્થિતિમાં કેટલાય પોષક તત્ત્વોની ઉણપથી બીમારીની ઝપટમાં આવે છે. તેથી જરૃરી છે કે માતા-પિતા બાળકના માનસિક વિકાસની સાથે જોડાયેલા પોષક તત્ત્વોની જરૃર વિશે ડોક્ટરની સલાહ લે.

ઉલ્લેખનિય છે કે ભારતીય પેરેન્ટ્સ પોતાના બાળકોના પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ફેટ પર તો ધ્યાન આપે છે, જેથી તેનો શારીરિક વિકાસ તો જોવા મળે છે, પરંતુ  ઝિંક,  આયર્ન, કેલ્શિયમ આપવા ઉપર ઓછું ધ્યાન આપે છે. તેની ઉણપથી બાળકનો માનસિક વિકાસ અસરગ્રસ્ત થાય છે. જે શારીરિક વિકાસની જેમ નરી આંખથી જોઈ શકાતો નથી, પરંતુ સમય જતાં સમજાય છે કે બાળકનો માનસિક વિકાસ સંપૂર્ણ નથી થયો. જો સમય રહેતા બાળકનો માનસિક વિકાસ ન થાય તો તેને ભવિષ્યમાં કવર કરવો અશક્ય છે. ભારતમાં બાળકોમાં મોટાભાગે આયર્નની કમી જોવા મળે છે.

ઉલ્લેખનિય છે કે શરૃઆતના ૬ મહિના સુધી બાળક માત્ર સ્તનપાન પર રહે છે અને ૬ મહિના થવા પર બાળકને સ્તનપાનની સાથે પૌષ્ટિક આહાર આપવો જોઈએ, પરંતુ તેની સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાળક ખોરાક પચાવી શકતું નથી, તેથી તેમને ખોરાક પ્રવાહીરૃપે આપવો થોડો પ્રવાહી હોવાની સાથે પોષક તત્ત્વોથી ભરપૂર હોવો પણ જરૃરી છે.

બાળકો માટે ભોજન બનાવતી વખતે કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી જરૃરી છે કે તેમના ભોજનમાં પહેલા વર્ષે મીઠું ન નાખો. કારણ કે તેમનામાં મીઠું પચાવવાની ક્ષમતા નથી હોતી. મીઠા સિવાય ખાંડનો ઉપયોગ પણ ન કરો, તેથી બાળકને આવતા દાંતને નુક્સાન પહોંચી શકે છે અને ભવિષ્યમાં સ્થૂળ થવાનું જોખમ રહે છે. માત્ર ખાટા ફળને મીઠા કરવા માટે થોડી ખાંડનો ઉપયોગ કરો. બાળકને બિસ્કિટ અને નમકીનની ટેવ ન પાડો.

ઘરમાં બનેલા ભોજન સાથે આયર્ન, ઝિંક અને કેલ્શિયમથી ભરપૂર ભોજનને બાળકના ડાયટમાં સામેલ કરી તેને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવવું મહત્ત્વનું છે. શરૃઆતના બે વર્ષમાં ખાણીપીણીનું ખાસ ધ્યાન રખાવું જરૃરી છે. કારણ કે પોષક તત્ત્વો વિના તેને ભવિષ્યમાં કેટલીક બીમારી થઈ શકે છે.

મહત્ત્વની વાત એ છે કે બાળકને બેસાડીને ચમચીથી ધીરે ધીરે ખવડાવો, વધેલું ભોજન ફરીથી ન ખવડાવો તેને થોડા પ્રમાણમાં જ ખવડાવવું જેથી તે સરળતાથી પચાવી શકે.

પૌષ્ટિક ભોજનની સાથે સ્તનપાનનું પણ ધ્યાન રાખો. માતાનું દૂધ બાળકના પોષણ માટે ખૂબ લાભદાયક છે. તેને નજરઅંદાજ ન કરો. ખાપીણીની સાથે સાથે સમયસર વેક્સીનેશન પર પણ ધ્યાન આપો.

આ પ્રકારની નાની નાની વાતનું ધ્યાન રાખીને બાળકની સંપૂર્ણ માનસિક અને શારીરિક દેખરેખ કરી શકાય છે. 

વાનગીઃ મલ્ટીગેન થાળી પીઠ

સામગ્રીઃ દોઢ કપ ઘઉંનો લોટ, અડધો કપ બાજરાનો લોટ, અડધો કપ જુવારનો લોટ, ૩૦૦ ગ્રામ છીણેલી કાકડી, પ૦ ગ્રામ દહીં, બે મોટી ચમચી અળસીના બી, ચપટી હળદર, બે મોટી ચમચી સરસવના દાણા, ચપટી હિંગ, અડધી ચમચી શેકેલું જીરૃં, ચપટી બેકિંગ સોડા, એક નાનો ટૂકડો છીણેલું આદું, ત્રણ ચમચી તેલ, મીઠું સ્વાજ મુજબ, તેલ તળવા માટે, બે લીલા મરચાં.

રીતઃ ત્રણય લોટ મિક્સ કરો. તેમાં સોડા, અળસી, સરસવના બી, હળદર પાઉડર, લીલા મરચા ઝીણા સમારેલા, કિંગ, મીઠું, જીરૃં, આદુ, તેલ ઉમેરી મિક્સ કરો. દહીં અને કાકડીને મિક્સ કરો. દહીં-કાકડીનું મિશ્રણ લોટમાં ધીમે ધીમે ઉમેરતા જાવ અને લોટ બાંધી લો. લોટને એક કલાક અલગ રાખી દો.

પછી લોટમાંથી નાના નાના લુઆ કરી, હાથેથી થેપીને ગોળ આકાર આપો. એક પેનમાં  તેલ ગરમ થાય એટલે તળી લો. થાળી પીઠને તળવાની બદલે બન્ને બાજુથી શેકી પણ શકાય. તૈયાર થઈ જાય એટલે તેને કોથમીરની ચટણી, લસણની ચટણી કે રાયતા સાથે પીરસો.close
Nobat Subscription