પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

વિશ્વ મહિલા દિનની ઉજવણી

ખંભાળીયા પાલિકાના મહિલા પ્રમુખે ટૂંકા સમયમાં કરોડોના વિકાસ કાર્યો કર્યા

ખંભાળીયા તા. ૮ઃ આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે મહિલા જાગૃતિ તથા મહિલાઓના સમાજને પ્રદાનમાં ખંભાળીયા પાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમિતભાઈ શુક્લનું અનોખું પ્રદાન ઉલ્લેખનિય છે.

ગત ૧૫-૬-૧૮ ના રોજ પાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી શ્વેતાબેન શુક્લે ચાર્જ સંભાળ્યો તેને હજુ આઠ માસ થયા છે ત્યાં તેમના સમયમાં કરોડો રૃપિયાના રસ્તાના વિકાસ કાર્યો થયા છે. શહેરના મેઈન રસ્તાઓ સિનેમા રોડ, નવાપરા, એસ.ટી.રોડ, ચાર રસ્તા તથા પેવર બ્લોકના વિકાસ કાર્યો થયા છે. તથા ૫૫ લાખ રૃપિયાનું જીમ તથા એક કરોડનો પ્રાર્થના હોલ તથા વધુ ૨.૨૫ કરોડના વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત પણ હમણા જ થયું છે.

સૌથી નાની વયના મહિલા પ્રમુખે તાજેતરની સામાન્ય સભામાં વર્ષોથી રોજમદારોને કાયમી કરવાનો પ્રશ્ન પણ ઉકેલ્યો છે. પાલિકાના મહિલા પ્રમુખને લોકો આજે મહિલા વિશ્વ દિને યાદ કરી રહ્યા છે હજુ પણ વિકાસ કાર્યો કરી ખંભાળીયાની જનતાની સેવા કરી સવલતો વધારે.

 

ભારતીય સેનામાં મહિલાઓના યોગદાનને વંદનઃ

આધુનિક ભારતીય નારી પણ રાણી લક્ષ્મીબાઈ બનવા સમર્થ

તાજેતરમાં જ ભારતીય વાયુ સેનાના પાયલોટ અભિનંદન વર્ધમાન કે પાકિસ્તાનથી સહી સલામત સ્વદેશ ભારત પરત ફર્યા ત્યારે સમગ્ર દેશ અને તેમના પત્ની તેમના સ્વાગત માટે ઉત્સુક હતાં. એ વેળાએ તેમના પત્ની સ્કવકોડ્રોન લીડર શ્રીમતી તનવી મારવાહના હાથમાં તિરંગો ધ્વજ હતો. દેશના ફૌજીઓની સાથે તેમના પત્ની, માતા ને બહેનનું પણ વતન માટે એટલું જ મોટું યોગદાન હોય છે જેટલું સૈનિકનું હોય છે.

કાળજા પર પથ્થર રાખીને તેઓ જ્યારે તેમના પતિ કે પુત્રને દેશની સુરક્ષા ખાતર સરહદ પર મોકલે છે ત્યારે તેમનો સહયોગ અને અડીખમ જસ્બો જ જવાનોને નિસફીકર બની દેશની સેવા અને સુરક્ષા માટે તત્પર બનાવે છે. જ્યારે સૈનિકોને ખબર છે કે તેમની ગૃહિણી તેમના પરિવારને સંભાળશે અને ડરવા નહીં દે ત્યારે જ તેઓ નિર્ભય બનીને સીમા પર લડી શકે અને દેશની રક્ષા કાજે પોતાની ફરજ બજાવે છે.

આજે મહિલા દિવસ પર ખાસ એવી સૌ બુલંદ અને નિર્ભય મહિલાઓને સલામ કે જે સાહસિક બનીને તેમના પતિ કે પુત્રને દેશની સુરક્ષામાં જીવના જોખમે સીમા પર મોકલી દેશને માટે મોટું બલીદાન આપે છે. તેમજ ઘણી મહિલાઓ જે ખુદ આર્મી, નેવી કે એરફોર્સમાં રહી દેશની સુરક્ષા માટે જજુમે છે  તેવી સાહસિક અને નિર્ભય મહિલાઓ પણ વંદનને પાત્ર છે.

આપણા વર્તમાન ડિફેન્સ મિનિસ્ટર પણ મહિલા છે. નિર્મલા સીતારમને સિયાચીનની બોર્ડર પર સ્વયમ જઈને ત્યાંના દુશ્મન દેશના સૈનિકો સાથે વાટાઘાટ કરીને તેમણે બહાદુરીભર્યું કાર્ય કરી બતાવ્યું હતું.

ભારતીય મહિલાઓની ભારતીય આર્મીમાં ૧૯૮૮ થી ભૂમિકા શરૃ થઈ જ્યારે 'ઈન્ડિયન મિલિટ્રી નર્સીંગ સર્વિસ'ની બ્રિટીશરાજ દરમિયાન સ્થપાના કરવામાં આવી. ભારતે સને ૧૯૯ર ની સાલથી ભારતીય સેનામાં બીન તબીબી હોદ્દાઓ પર પણ મહિલાઓને ભરતી કરવાનું શરૃ કર્યું, જો કે ઈન્ડિયન આર્મીમાં મહિલાઓને માત્ર બીનલડાઈ  ભૂમિકાઓ જ નિભાવી શકવાની છૂટ છે. તા. ૧૯ જૂન ર૦૦૭ માં યુનાઈટેડ નેશન (યુ.એન.) એ પ્રથમ સર્વ મહિલા પીસ કીપીંગ ફોર્સ (ઁીટ્ઠષ્ઠી દ્ભીીૅૈહખ્ત ર્હ્લષ્ઠિી) ની સ્થાપના કરી જેમાં ૧૦પ ભારતીય પોલીસ મહિલાઓની લાયબેરીયા નિમણૂક કરવામાં આવી હતી.

શ્રીમતી પ્રિયા જીંગન તે પ્રથમ રપ મહિલાઓ કે જે ૧૯૯૩ માં ભારતીય આર્મીમાં જોડાયા તેમાના એક છે. ઉપરાંત શ્રીમતી અલકા ખુરાના પણ તેમાના પ્રથમ મહિલા હતાં જેમણે પ્રથમ વાર ૧૯૯૪ માં ગણતંત્ર દિવસ તથા આર્મી દિવસની પરેડમાં પણ ભાગ લીધો. શ્રીમતી  સાપર શાંતિ તીંગા પ્રથમ ભારતીય મહિલા જવાન (પ્રાઈવેટ રેંક) કે જેઓ ર૦૧૧ માં ભારતીય સેનામાં જોડાયા.

શ્રીમતી મીતાલી મધુમીતા (લેફ્ટનન્ટ કર્નલ) જે સને ર૦૦૦ માં જોડાયા. તેઓ પ્રથમ ભારતીય મહિલા ઓફિસર છે કે જેમણે ગેલેન્ટ્રી એવોર્ડ મેળવ્યો. તેમને ર૦૧૧ માં સેના મેડલ દ્વારા બિરદાવ્યા તેમની બહાદુરી માટે. ઈન્ડિયન એમ્બેસી પર તા.  ર૬ ફેબ્રુઆરી ર૦૧૦ ના કાબુલ (અફઘાનિસ્તાન) માં જ્યારે આતંકી હુમલો થયો ત્યારે તેઓએ તેમની રક્ષા કરી મહિલાઓ મો ઉદાહરણ રૃપ હિંમત બતાવી.

શ્રીમતી અંજના બહાદુરીયા કે જેમણે પ્રથમ મહિલા ક્રેડેટની બેંચમાં ૧૯૯ર માં ઓફિસર ટ્રેનીંગ એકેડેમી, ચેન્નઈમાં ભાગ લીધો અને સાથોસાથ પ્રથમ ભારતીય મહિલા આર્મી ઓફિસર કે જેમને સૂવર્ણ મેડલથી સન્માનિત કરાયા. ૧૯૯૪ માં મહિલાઓએ એરફોર્સમાં પાયલોટ તરીકે જોડાવવાનું શરૃ કર્યું. શ્રીમતી ગુંજર સક્સેના (ફ્લાઈટ ઓફિસર) તે પ્રથમ મહિલા કે જેમણે કારગીલ યુદ્ધ દરમિયાન મે-જુલાઈ ૧૯૯૯ માં સપોર્ટ સોરટીસમાં ઊડાન ભરી. ર૦૧ર માં શ્રીમતી નિવેદીતા ચૌધરી (ફ્લાઈટ લેફ્ટનન્ટ) ભારતીય વાયુ સેનાના પ્રથમ મહિલા કે જે માઉન્ટ એવરેસ્ટના શીખર સુધી પહોંચ્યા. ર૦૧પ માં ભારતીય વાયુ સેનાએ મહિલાઓ માટે યુદ્ધના ફાઈટર પાયલોટ તરીકેના હોદ્દાઓ અને ભૂમીકાઓ જાહેર કરી.

ડો. પુનીતા અરોરા ૧૯૬૮ માં ભારતીય સેનામાં જોડાયા  અને તેઓ પ્રથમ મહિલા બન્યા કે જેમણે દ્વિતીય ઉચ્ચ કક્ષાનો લેફ્ટનન્ટ જનરલ તરીકેનો હોદ્દો મેળવ્યો તથા પ્રથમ મહિલા વાઈસ એડમિરલ થયા. શ્રીમતી પદ્માવતી બંદોપાધ્યાયએ પ્રથમ ભારતીય મહિલા જે ભારતીય વાયુ સેનામાં એર માર્શલ થયા અને લેફ્ટ. જનરલ સુજાતા અરોરા પછી બીજા મહિલા કે જેમણે ભારતીય સેનામાં થ્રી સ્ટાર રેન્ક મેળવી. ડો. સીમા રાવ જેમને ઈન્ડિયાસ વંડર વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતના પ્રથમ મહિલા કમાંડો ટ્રેનર છે, જેમણે ૧પ,૦૦૦ સ્પેશ્યલ ફોર્સને તાલીમ આપી. ફૂલ ટાઈમ ગેસ્ટ ટ્રેનર તરીકે ર૦ વર્ષ માટે અને તે પણ વિનામૂલ્યે ક્લોઝ ક્વોટર બેટલમાં પાયોનીયર તરીકે તેમની કામગીરી ખરેખર કાબીલે તારીફ છે.

ર૦૧૭ માં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, પ્રથમ એવું ફોર્સ  બન્યું કે જેણે ૪ મહિલા ઓફિસર, આસીસટન્ટ કમાન્ડર અનુરાધા શુક્લા, સ્નેહા કથયાત, શિરીન ચંદ્રન અને વસુંધરા ચોક્સીને પાકિસ્તાન અને બાંગ્લાદેશની સીમા પર ઈન્ડિયન મેરી ટાઈમ ઝોનમાં કોમ્બેટ રોલ (લડાઈ ભૂમિકા) આપ્યો કેવી કુબેર હોવર ક્રાફ્ટ જ્હાજ પેટ્રોલીંગ માટે.

સરકારને ર૦૧૬ માં પાંચયે શાખા-સીઆરપીએફ સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ, સીએપીએફ-સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ, આઈટીપીબી-ઈન્ડો ટીબેટીયન બોર્ડર પોલીસ, એસએસબી-શસ્ત્ર સેના બલ અને સીઆઈએસએફ-સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં મહિલાઓને ડાઈરેક્ટ એન્ટ્રી આપી રીકૃટમેન્ટ દ્વારા જુનિયર રેંક માટે અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા ઓફિસર રેંક માટે છૂટ આપી. માર્ચ ર૦૧૬ માં ગૃહમંત્રી રાજનાથસિંહે જાહેર કર્યું કે મહિલાઓને ૩૩ ટકા કોન્સ્ટેબલ રેંક  કર્મચારી તરીકે સીઆરપીએફ અને સીઆઈએસએફ માં અને ૧પ ટકા બીએસએફ, એસએસબી અને આઈટીબીપીમાં નિમણૂક કરવામાં આવશે.

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વ આખામાં મહિલાઓએ સૈન્યમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

હું એવું ઈચ્છુ કે, આપણા દેશની મિલિટ્રીની ત્રણેય પાંખો આર્મી અને એરફોર્સમાં મહિલાઓનો ગુણોત્તર પ૦ ટકા પહોંચે. મારી સૌ યુવા અને ઉત્સાહી મહિલાઓને નમ્ર અપીલ છે કે તેઓ ભારતીય મિલિટ્રીમાં જોડાઈને દેશની સુરક્ષામાં પુરુષ સમોવડી બની ખભેથી ખભો મીલાવીને દેશની રક્ષા કરે.

શસ્ત્ર બળમાં મહિલાઓનું યોગદાન આપણા દેશના ઈતિહાસમાં પણ જોવા મળે છે. રાની લક્ષ્મીબાઈ (ઝાંસી કી  રાની), રાની અવંતિબાઈ, રાની વેનુ નચ્છીવર વગેરે જેવી મહાન મહિલાઓના ઉદાહરણ લઈ શકીએ છીએ. તો આજના મહિલા દિવસે ચાલો સૌ મળી સલામ કરીએ  આ સૌ  મહાન હસ્તીઓને જે આપણા દેશના ઈતિહાસમાં, દેશની મિલિટ્રીમાં સામેલ સૌ લોખંડી સ્ત્રીઓને શત્ શત્ વંદન... જય હિન્દ... જય ભારત... વંદે માતરમ્...

કુ. કિરણબેન ચંદારાણા

 

વિશ્વ મહિલા દિવસની ઉજવણી ક્યારે સાર્થક ગણાય?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠમી માર્ચે ઉજવાય છે. સૌ પ્રથમ ન્યુયોર્કમાં આઠમી માર્ચે ૧૯૦૯ માં સમાજવાદી રાજકીય સ્વરૃપે આ દિવસ ઉજવાયો હતો. વર્ષ ૧૯૧૭ માં આ દિવસે સોવિયેત રશિયાએ રાષ્ટ્રીય રજા જાહેર કરી. તે પહેલા વર્ષ ૧૯૧૦ માં સોશ્યાલિસ્ટ ઈન્ટરનેશનલના કોર્મન હોઝન સંમેલનમાં આ દિવસને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો. તે સમયે મુખ્ય મુદ્દો મહિલાઓને મત આપવાનો અધિકાર અપાવવાનો હતો, કારણ કે તે સમયે મહિલાઓને મતદાનનો અધિકાર નહોતો. વર્ષ ૧૯૧૭ માં રશિયાની મહિલાઓએ આ જ દિવસે રોટી અને કપડા માટે ઐતિહાસિક હડતાલ પાડી હતી તે સમયે વિશ્વમાં ગ્રેગેરિયન કેલેન્ડરમાં ૮ મી માર્ચ  હતી.

આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, અને રસોડાથી લઈને રણભૂતિ સુધી મહિલાઓ પહોંચી છે. અનેક મહિલાઓએ સામાજિક, રાજકીય, વ્યવસાયિક અને અંતરિક્ષ સુધી ઝળહળતી સિદ્ધિઓ મેળવી છે. આમ છતાં આજે મહિલા સુરક્ષા, કન્યા શિક્ષણ અને મહિલા ઉત્કર્ષ માટે ઘણું કામ કરવાનું બાકી છે. આજે પણ સ્ત્રીભ્રુણ હત્યા થઈ રહી છે, જે સમાજ માટે કલંકરૃપ છે.

આ દિવસની ઉજવણીના પ્રારંભે એક સદી પહેલા મહિલાઓને મતદાનના અધિકારનો મુદ્દો હતો, અને અન્ય મુદ્દાઓ પણ હતાં. તેવી જ રીતે આજે રાજકીય ક્ષેત્રે મહિલાઓને સમાન અધિકાર આપવાનો મુદ્દો છે. મહિલા સુરક્ષા, કન્યા શિક્ષણ, કન્યાઓના જન્મને સુરક્ષિત કરવા ઉપરાંત મહિલા રોજગારીનો મુદ્દો પણ આજે પ્રસ્તુત છે, પરંતુ રાજકીય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી હજુ માત્ર ૧પ ટકા જેટલી છે. ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તો મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે, પરંતુ હજુ વિધાનસભાઓ અને સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે, કારણ કે રાજકીય પક્ષો મહિલાઓને ટિકિટો ફાળવવામાં કંજુસાઈ કરે છે. આ ગૃહોમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળશે અને અન્ય મુદ્દાઓ પણ ઉકેલાશે, ત્યારે જ મહિલા દિવસની ઉજવણી સાર્થક ગણાશે.

- આલેખનઃ વિનોદ કોટેચા

 

આધુનિક યુગમાં 'નારી'ને 'શક્તિ' સ્વરૃપે સ્વીકારવા સમાજમાં વૈચારીક પ્રગતિ જરૃરી છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નારીને કોઈ ત્રાજવે તોલતા પહેલા સમગ્ર સમાજે એક વાત નોંધ લેવી ઘટે કે વિશ્વભરમાં ખ્યાતનામ એવી ઓક્સફર્ડ ડિક્ષનરી દર વર્ષે પોતાના શબ્દકોશમાં એક  નવો અને વર્ષ દરમિયાન ખૂબ ચર્ચામાં રહેલે તેમજ મહત્ત્વપૂર્ણ સ્થાન મેળવેલ શબ્દને તેમાં સ્થાન આપે છે. વર્ષ ર૦૧૮ નો ઓક્સફર્ડ ડિક્ષનરીમાં સ્થાન પામેલ શબ્દ છે, 'નારીશક્તિ'! આ ગૌરવને સમજીએ અને નર  હોય કે નારી, દરેકનું એક વ્યક્તિ તરીકેનું સ્વમાન સાચવીએ.

પરમકૃપાળુ પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કરતા જ સુંદર મજાના પાત્રોનું પણ સર્જન કર્યું. આદમ અને ઈવ. આદમ એટલે નર અને ઈવ એટલે નારીનું પ્રતીક; નર અને નારી એકમેકના પૂરક બની પૂર્ણતા પ્રાપ્ત કરે એ જ કદાચ બ્રહ્માનો ઉદ્દેશ હશે!

મનુસ્મૃતિમાં લખાયું છ ેકે, 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તંત્ર દેવતાઃ' બાળપણથી આ સાંભળીએ છીએ અને સાથે 'નારી તું નારાયણી' પણ સાંભળતા આવ્યા છીએ. નારાયણીનો અર્થ નારાયણની એટલે વિષ્ણુની પત્ની લક્ષ્મી અને બીજો અર્થ દુર્ગા. 'લક્ષ્મી' વિના પણ નર અપૂર્ણ અને દુર્ગા સ્વરૃપ ધારણ કરવું પડે તેવી સ્થિતિમાં નારીને મૂકવાવાળા પુરુષો પણ 'અપૂર્ણ'!

સદીઓથી નારાયણી, નારાયણી ચાલ્યું આવે છે, પણ ખરા અર્થમાં સ્ત્રી 'નારાયણી' બની શકી છે? હંમેશ ભૂતકાળના જ ગુણગાન ગાવાની આપણને ટેવ પડી ગઈ છે. શું ભારતની સંસ્કૃતિ એટલી નબળી છે કે ઈતિહાસને વધુ ઉજ્જવળ કરતા જઈએ તેવી મજબૂત સંસ્કૃતિ પુનઃ પુનઃ નિર્માણ ન થઈ શકે? મૈત્રેયી, ગાર્ગી કે લોપામુદ્રા જેવી વિદુષિઓના ગુણગાનથી 'નારી તું નારાયણી' જાણે એક સૂત્ર બની ગયું! સીતાની અગ્નિ  પરીક્ષાનું વારંવાર ઉદાહરણ આપી, દ્રૌપદીના 'વેંચાણકરાર'ને બદલે દ્રૌપદીના સવાલને મહાભારતનું કારણ ગણાવી આગળ ધરતા સમાજને શું કહેવું?

આધુનિક યુગમાં પણ નારીએ નોંધપાત્ર પ્રગતિ કરી છે, પણ અમુક ટકા સ્ત્રીઓ સિવાય અન્ય સ્ત્રીઓના યોગદાનની નોંધ નથી લેવાતી. ઈન્દિરા ગાંધી, બચેન્દ્રી પાલ, કિરણ બેદી, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ જેવી આપણી પ્રતિભાઓનું યોગદાન માન્યતા પ્રાપ્ત છે જ, પણ એ સિવાયના વિશાળ નારીસમૂહને આપણે 'નારાયણી' માની દૃષ્ટિ બદલવી પડશે ત્યારે આપણો દેશ જમાનાની ઝડપમાં મજબૂત કેડી કંડારી શકશે. એક વાત એ પણ છે કે આપણે ઘર આંગણે રહેલ પ્રતિભાઓ કરતા આપણા દેશનું મૂળ ધરાવતી પણ અન્ય દેશમાંથી સિદ્ધિ પ્રાપ્ત કરેલ વ્યક્તિઓને વધારે કદર કરીએ છીએ અને એના નામે તરત ગર્વ લઈએ છીએ! એ માનસિક્તા બદલીએ  તો પણ સામાજિક્તામાં ઘણો ફરક આવી શકે, એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આગળ ઉલ્લેખ કરેલ નારીઓએ નવો ચીલો ચાતરીને 'નારાયણી સ્વરૃપ' કાર્યો કરેલ છે અને હજુ પણ નવી પ્રતિભાઓ એવા નોંધપાત્ર કાર્યો કરતી રહેશે, પણ એના નામે સતત 'નારી તું નારાયણી'ના નારા લગાવીને તર્યા ના કરાય, સાથે સમગ્ર નારીસમાજની બહુમતીને નજરઅંદાજ ન કરી શકાય.

વીસમી સદીના અંત સુધી  આ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીને માત્ર પ્રજોત્પતિનું સાધન જ માનવામાં આવતી. મહદ્અંશે પરણ્યા પછી સ્ત્રીનું કામ માત્ર ગુસ્સે થયેલા પતિ કે સાસરિયાની સેવા કરવાનું, ગાળો ખાવાનું, રાત્રે થાકીને શુષ્ક રીતે પથારીમાં ક્યારેક અનિચ્છા હોય તો પણ કચડાવાનું ને સાસરિયાઓનો વંશવેલો વધારવાનું જ રહેતું, પણ આજે સમય બદલાયો છે. 'પુરુષસમોવડી' શબ્દ બહુ પ્રચલિત થયો, પણ પરમાત્માએ સમાન સર્જન કર્યા હોય ત્યાં સમોવડી થવા સંઘર્ષ કરવો પડે, જાગૃત થવું પડે એ વાત જ અર્થહીન છતા એવી પરિસ્થિતિમાં 'નારાયણી' બનવા આજની નારીએ શું કરવું જોઈએ? સમાજમાં દરેક નારીને નારાયણી સ્વરૃપ માન-સન્માન મળે એ હવે દરેક વ્યક્તિની ફરજ છે.

ક્યાંક સમય પહેલા વાચેલું જે ક્યારેય ભૂલાયું નથી, 'ઘર સે બાહર નિકાલકર  કામ કરનેવાલી હર એક મહિલા હિરોઈન હૈ' આ હિરોઈન એટલે આપણી 'નારાયણી'!

આજની નારીમાં ઋષિયુગની વિદુષી નારીની પ્રતિભા પણ છે. જરૃર પડ્યે પલ્લું માથે લઈને વડીલોને આદર આપવાની નમ્રતા પણ છે અને જન્સ, શોર્ટ, સ્પેગેટી, મીની સ્કર્ટમાં રેમ્પવોક કરવાની ક્ષમતા પણ છે. આ બહુમુખી પ્રતિભાને જીરવવાનું જીગર જોઈએ સા'બજી! આધુનિક યુગમાં આ નારાયણીને ઘણાં ક્ષેત્રમાં તમે જોઈ શકો છો, પણ હજુ ઘણા સ્થળોએ અંદરખાનેથી નારીની મહત્તા સ્વીકારવી એ પુરુષપ્રધાન સમાજ માટે અઘરૃ પડે છે. લોકસભામાં મહિલા અનામત 'સમાન ધોરણે' એ બિલ પાસ થતા વર્ષો લાગી ગયા!

આજની નારી જે રીતે દરેક મોરચે લડે છે તો દરેકે સ્ત્રીની મહત્તા એક સ્વસ્થ તંદુરસ્ત ભાવથી સ્વીકારવી રહી. આપણી સંસ્કૃતિમાં પણ અત્યારે લીવ-ઈન-રીલેશનશીપ, મૈત્રીકરાર, વિભક્ત કુટુંબ એ બધું સામાન્ય થવા લાગ્યું છે. એનું કારણ વિચારીએ તો ક્યાંક સ્ત્રીને સમજવામાં અને સરળતાથી એને સ્વીકારવામાં થયેલી ભૂલો હોઈ શકે! જરૃરી નથી કે નારાયણી એટલે સેવા, સમર્પણ, ત્યાગ ને સહનશીલતાની એક પ્રતિમા જો સમાજ આ નહિં સમજે તો એને માઠા ફળ ભોગવવા પડશે 'નારાયણી-દુર્ગા' સ્વરૃપના!

નર હોય કે નારી કોઈને ખોટા ત્રાજવે તોલ-મોલ ના કરો. બસ, 'જીવંત' રહી સૃષ્ટિ પરના તમામ જીવોને નિજાનંદમાં જીવવા દઈએ, એ જ એક આશય!

આજ મને કહેવા દો...

સ્ત્રી સુંદરતાની મૂર્તિ છે

સ્ત્રી પુરુષ જીવનની પૂર્તિ છે

સપ્તપદીના વચને ચાલી

વિશ્વાસે પગલાં પાડતી ચાલી.

નારાયણ સંગ નારાયણી સ્વરૃપ ધરીને આવી

પ્રેમ અને સમજણના  પાલવ ભરીને આવી

છતાં ય જ્યારે બને ઘર-ઘરમાં કોઈ કહાણી

ત્યારે બનતી રહીશ 'નારી તું નારાયણી'

- આલેખનઃ વૈશાલી રાડિયા

 

સમાન વિચારો, હોશિયાર બનાવો અને બદલાવ માટે નવીનતા લાવો

૮-માર્ચને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જીવના અલગ-અલગ પાસા જેમ કે વ્યક્તિગત તેમજ વ્યવસાયિક પાસામાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને યાદ કરીને ઉજવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ વખતે સંયુક્ત રાષ્ટ્રસંઘ એ મહિલા દિવસની વિષય-વસ્તુ સમાન વિચારો, હોશિયાર બનાવો અને બદલાવ માટે નવીનતા લાવો એવા પ્રકારની છે.

જાતીય સમાનતા પોતે જ એક લક્ષ્ય છે. ગરીબીને હટાવવા, વિકાસને પ્રોત્સાહન આપવા અને એક સારૃં શાસન સ્થાપવા માટે જાતીય સમાનતા એક પહેલી શરત છે. મહાત્મા ગાંધીજીના શબ્દોમાં જોઈએ તો સ્ત્રી જાતિને અપમાનિત કરવી એ માણસ જાતિ જેવા દુષ્કૃત્યો કરે છે એ બધા કરતા હલકું કાર્ય છે.

આજના દિવસે આપણે એક એવા સમાજની રચના માટે આગળ આવવું જોઈએ કે જ્યાં મહિલાઓને રાષ્ટ્રના વિકાસમાં પોતાની ક્ષમતા મુજબ આગળ આવી શકે. આપણે એવું કાર્ય કરવું જોઈએ કે જેથી ભવિષ્યમાં મહિલાઓ સમાનતા સાથે તેમની ક્ષમતા મુજબ વર્તણૂક પામે, સૌથી કઠીન પરિસ્થિતિમાં પણ ભારતીય મહિલાઓએ અગ્રીમ સફળતા મેળવી છે. તેઓ ફક્ત પોતાના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાનો એક ઉત્તમ સ્ત્રોત બની છે.

આપણા દેશમાં રાની લક્ષ્મીબાઈ, રજિયા સુલતાન અને ઈન્દિરા ગાંધી જેવી પ્રેરણાદાયક સ્ત્રીઓ થઈ ગઈ છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં મહિલાઓને સૌકાઓથી દેવીના સ્વરૃપે જોઈને પૂજવામાં આવે છે.

આજના દિવસે દેશમાં મહિલાઓના ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનારી નારીઓને ભારત સરકાર દ્વારા નારી શક્તિ પુરસ્કારો આપવામાં આવે છે. આ પુરસ્કારો મુખ્યત્વે ૦૬ વિભાગમાં આપવામાં આવે છે. જેમ કે દેવી અહિલ્યાબાઈ હોલકર, કનનાગી એવોર્ડ, માતા જીજાબાઈ એવોર્ડ, રાની ગૈડીંલુ ઝેલીએન એવોર્ડ, રાની લક્ષ્મીબાઈ એવોર્ડ અને રાની રુદ્રામમાં દેવી એવોર્ડ. ભારતીય ગણરાજયમાં સ્ત્રીઓ માટે આ સર્વોચ્ચ પુરસ્કાર છે.

હસિત ઝાખરીયા, ઓખા

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00