૨૦ માર્ચઃ વિશ્વ ચકલી દિવસ

દર વર્ષે ૨૦ માર્ચે દુનિયામાં વિશ્વ ચકલી દિવસ (વર્લ્ડ સ્પેરો ડે) મનાવાય છે. આ દિવસે ચકલીઓની સારસંભાળ, જતન, ઉછેર અને રક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે ત્યારે જામનગર સહિત વિશ્વના જુદા જુદા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચકલીના માળાઓનું વિતરણ થાય છે. ચકલીઓની વિવિધ ખૂબસૂરત જાતિ-પ્રજાતિઓ વિલૂપ્ત થઈ રહી છે ત્યારે તેને બચાવવા વૈશ્વિક ઝુંબેશ ચલાવવામાં આવે છે. નાસિકમાં ઘરેલુ ચકલીઓને સુરક્ષિત કરવાના હેતુથી નેચર ફોર એવર સોસાયટીની સ્થાપના થઈ હતી અને ચકલીપ્રેમી મોહમ્મદ દિલાવરને વર્ષ ૨૦૦૮માં હીરોઝ ઓફ ધ એન્વાયરમેન્ટમાં સ્થાન પણ મળ્યું હતું. આ વર્ષે 'આઈ લવ સ્પેરોઝ, વી લવ સ્પેરોઝ, ગીવ ધેમ એ ટ્વીટ ચાન્સ' રાખવામાં આવ્યું છે.

વિશ્વ ચકલી દિવસની ઉજવણીના કારણે છેલ્લા કેટલાક વર્ષાેથી ચકલીઓ પ્રત્યે લોકોની જાગૃતિ અને પ્રેમ વધ્યા છે અને સિમેન્ટના જંગલો વચ્ચે પણ ચકલીના માળાઓ બંધાઈ રહ્યા છે તેથી એમ કહી શકાય કે આ ઉજવણી સાર્થક નીવડી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૨૦ માર્ચઃ વિશ્વ ખુશી ડે

દર વર્ષ ૨૦ માર્ચે વિશ્વ ખુશી દિવસ અથવા વર્લ્ડ હેપ્પીનેસ ડે પણ ઉજવાય છે. આ દિવસને વિશ્વ પ્રસન્નતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉજવણી વર્ષ ૨૦૧૩થી શરૂ થઈ હતી. માનવ કલ્યાણના ઉદૃશ્ય સાથે આ દિવસની ઉજવણીથી વિશ્વમાં હકારાત્મક અને પ્રસન્નતા વધારવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ ઉજવણીને માન્યતા આપ્યા પછી દર વર્ષે આ ઉજવણી થતી રહી છે અને જુદી જુદી થીમ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે.

જે પોતે ખુશ રહે છે, તે જ અન્યોને સુખી કરી શકે છે તેથી ભાવના હેઠળ આ ઉજવણી થાય છે. ટકાઉ વિકાસ, માનવ કલ્યાણનો સર્વશ્રેષ્ઠ વ્યાપ અને સમસ્યાઓના હકારાત્મક નિવારણ થકી વિશ્વમાં પ્રસન્નતા અને સુખ પ્રસરે અશાંતિ, આતંક, અનૈતિકતા અને નકારાત્મકતા ખતમ થાય તે માટે વિશ્વના દેશોએ સાથે મળીને હજુ ઘણું બધું કરવાનું બાકી છે. પરંતુ પ્રબળ ઈચ્છાશક્તિથી પ્રયાસો થઈ રહ્યા હશે, તો સફળતા અવશ્ય મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિશ્વ મહિલા દિવસે જાણીએ નારીત્વની વાસ્તવિકતા..નગરના નારીરત્નોના અણમોલ પ્રતિભાવો

છોટીકાશીની પ્રતિષ્ઠિત બહેનોએ દિલ ખોલીને વ્યક્ત કર્યા પોતાના અભિપ્પ્રાયોઃ આવો, સાથે મળીને કરીએ મંથન...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આવો પાયોરિયા વિશે થોડું જાણીએ.....

વિશ્વભરમાં પાયોરિયા વિશેના સંશોધનોમાં સાબિત થઈ ચૂકયું છે કે પાયોરિયા નાં જીવાણુંઓ શરીરમાં થઈને પાચનતંત્ર, હૃદયના રોગો, ડાયાબિટીસ, સગર્ભા મહિલાની પ્રસુતિ તેમજ બાળકના વજન પર સીધી જોખમી અસર કરે છે. આ ઉપરાંત અમુક દવાનાં લાંબાગાળાના સેવનથી પેઢા ફૂલી જાય છે જેમ કે બ્લડપ્રેશર ની દવા, વાઈ ખેંચ ની દવા, લોહી વિકાર ની દવા વગેરે.

પાયોરિયા એટલે શું...?

પાયોરિયા એ પેઢા નો રોગ છે, જેમાં પેઢા માં રસી થાય, પેઢા ફૂલી ને થઈ લાલ થઈ જાય, દાંત હલવા માંડે અને પેઢા નીચે રહેલું હાડકું કે જે દાંતને આધાર આપે છે તેને નુકસાન થાય છે. (ખવાતું જાય છે) મો માં ખરાબ બેક્ટેરિયાના વધતા જતા જથ્થાને કારણે આ થાય છે. આપણા મો માં સતત હાર્મફુલ બેક્ટેરિયા બનતા જ રહે છે. મો માં સતત બનતી લાળ ઈ બેક્ટેરિયાને હટાવવાનું કામ કરે છે, જો કે જ્યારે ખોરાક દાંતના કણોમાં ભરાય રહ્યો હોય ત્યારે ખોરાકના કણોમાં બેક્ટેરિયાનો વિકાસ થાય છે. લાળથી ઈ સડાની સફાઈ થતી નથી. સડો પેઢામાં ઉતરે છે ને પેઢા બગડે છે ને ધીરે ધીરે હાડકાંને પણ ખાઈ જાય છે જેને કારણે દાંત હલવા માંડે છે.

પેઢાના રોગો અને હૃદયના રોગો વચ્ચે નો સંબંધ

પેઢા અને હૃદયરોગના સંભવિત સંબંધ પાછળનું કારણ છારીને ગણાવ્યું છે. પેઢામાં ઇન્ફેકશન માટે જવાબદાર બેકટેરીયા હૃદયની નળીમાં જામેલા કોલેસ્ટેરોલના પડમાંથી પણ મળી આવ્યા છે. જો છારીને દૂર કરવામાં ન આવે તો પેઢાનો રોગ (પાયોરિયા) થવાની શક્યતા રહે છે જેને કારણે દાંત ઢીલા પડી જાય છે. પોતાની જ બચાવ પ્રણાલીના હિસ્સા જેવા રક્ષણાત્મક કોષોનો ખાત્મો બોલાવી શકે છે. આ કોષોનો ખુરદો બોલી જતા રક્તવાહિનીઓને નુકસાન પહોચાડતો એથ્રોસ્ક્લેરોસીસ થાય છે, જે હૃદયરોગના હુમલા માટે કારણભૂત બની શકે છે.

પેઢાના રોગો અને ડાયાબિટીસ વચ્ચેનો સંબંધ

પેઢાના રોગો, ડાયાબિટીસ સાથે સીધીરીતે જોડાયેલા છે. જે દર્દીમાં ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું ન હોય તેમાં પેઢાના રોગો થવાની શક્યતા ડાયાબિટીસ કંટ્રોલમાં રહેલા દર્દી કરતા ૭૦ ટકા વધી જાય છે. ડાયાબિટીસને કારણે રક્તવાહિનીઓ અથવા રુધિરવાહિનીઓ જાડી થઈ જવાને કારણે પેઢાના રોગો થાય છે. રુધિરવાહિની ઓ મોઢા સહીત શરીર ના બધા જ અંગોને ઓક્સિજન અને જરૃરી ખોરાક પૂરો પાડે છે અને ખરાબ દ્રવ્યો દૂર કરે છે. ડાયાબિટીસને લીધે રુધિરવાહિનીઓ જાડી થઈ જવાને કારણે આ કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકતું નથી. જેને કારણે પેઢા અને હાડકાંની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને ડાયાબિટીસને કારણે મોઢા સહીત આખા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય છે અને પેઢાના રોગો થાય છે.

પેઢાના રોગ અને ગર્ભાવસ્થા વચ્ચેનો સંબંધ

પ્રેગનન્સીમાં હોર્મોનલ ફેરફારના કારણે પાયોરિયા થવાની શક્યતા રહે છે. સંશોધનોથી એવું સાબિત થયું છે કે, પાયોરિયાના લીધે મહિલાઓમાં પ્રી ટર્મ લો બર્થ વેઈટ એટલે કે સમય કરતા વહેલી પ્રસુતિ તેમજ ઓછા વજનવાળું બાળક આવવાની શક્યતા વધી જાય છે. ઘણાં વર્ષો સુધી પીએલડબલ્યુ માટેના કારણોમાનું એક છે. સામાન્ય રીતે સગર્ભાવસ્થાના બીજા અથવા ત્રીજા મહિનામાં પાયોરિયાની શરૃઆત જોવા મળે છે, જેમાં સામાન્ય રીતે પેઢામાંથી બ્રશ કરતી વખતે અથવા થુંકમાં લોહી નીકળે છે. ઘણીવાર પેઢા વધુ ફૂલી જવાથી ગાંઠનું સ્વરૃપ ધારણ કરે છે જેને પ્રેગનન્સી ટ્યુમર કહે છે. જે લાલ કલરની ચામડીની ગાંઠ જેવું દેખાય છે. ડોક્ટરની યોગ્ય સલાહથી એ દુર કરી શકાય છે.

પાયોરિયા રોગોના લક્ષણો અને ચિન્હો

મોથામાંથી વાસ આવવી, બ્રશ કરતી વખતે લોહી નિકળવુ, મોથામાં ચિકાશ થવી, પેઢા અને દાંત ના મૂળની સપાટી પર ખોરાક ફસાવો, દાંત પરથી પેઢા ઉતરી જઇ દાંત હલવા માંડવા, પેઢામાં ખંજવાળ આવવી તેમજ ખોતરવાની ઇચ્છા થવી, પેઢા ફુલી જવા તેમજ પોચા પડી જવા, પેઢા દાંત પરથી છૂટા થઇ જવા, દાંત વચ્ચે જગ્યા થઇ જવી, દાંતમાં કળતર થવી.

પાયોરિયાની સારવાર

પાયોરિયાનો રોગ માત્ર દાંત સાફ કરાવવાથી અથવા દવા-મલમ ચોપડવાથી કે ફક્ત એંટીબાયોટીક લેવાથી મટાડી શકાતો નથી. પાયોરિયાની ચોકકસ સારવાર માટે ભાગે શસ્ત્રક્રિયા (સર્જરી) કરવામાં આવે છે, જેને ફ્લેપ સર્જરી કહેવાય છે. જેમાં લોકલ એનેસ્થેસીયા આપી પેઢાને દાંતથી છૂટા કરી પેઢાની નીચે જમા થયેલી પરુનીગાંઠ તેમજ મૂળ પરની છારી દુર કરવામાં આવે છે તેમજ હાડકાં પરનો ચેપ પણ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ પેઢા ફરી તેની જગ્યા પર મુકી ટાંકા લેવામાં આવે છે. આ પ્રકિયા તદન જોખમ રહિત, દુખવા રહિત છે. જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની કે શીશી સુંઘાડવાની તેમજ આરામ કરવાની જરુર રહેતી નથી. દાંતની આસપાસ ના હાડકાના વધારે પડતા નુકશાનને ધ્યાનમાં લઇને પેઢાની નીચે હાડકાંનો પાવડર મૂકવામાં આવે છે જે નવું હાડકુ બનાવવામાં શરીરને મદદ કરે છે.

સર્જરી કરાવ્યા બાદ નિયમિત સફાઇ/તપાસ કરાવતા રહેવાથી દાંતનુ આયુષ્ય વધારી શકાય છે. દાંત સાફ કરાવાથી દાંત ઢીલા પડી જાય છે કે દાંત વચ્ચે જગ્યા થઇ જાય છે એ તદન ખોટી માન્યતા છે. દાંતની એકબાજુનું હાડકું ખવાઇ જવાના કારણે દાંત ઢીલા પડી જાય છે સાફ કરવાથી નહી. દાંત વચ્ચેની કુદરતી સામાન્ય જગ્યામાં છારી જમા થવાના કારણે જગ્યા વધવા  માંડે છે જે દાંત સાફ કરાવ્યા પછી ધ્યાનમાં આવે છે જેથી લાગે છે કે દાંત સાફ કારાવવાથી દાંત વચ્ચે જગ્યા થઇ જાય છે પરંતુ એ જગ્યા પહેલેથી જ હોય છે જેની સફાઇની કાળજીના રાખવાથી છારી જમા થાય છે જે બે દાંત વચ્ચેની જગ્યા વધારે છે. સામાન્ય રીતે ૬ મહીને એકવાર દાંતની સફાઇ કરાવવાથી દાંતના અને પેઢાના રોગોથી બચી શકાય છે.

ડો. મીરા ગોહીલ (પઢીયાર)

પેઢાના રોગોના નિષ્ણાત,

ઉપપ્રમુખ-જામનગર ડેન્ટલ એસોસિએશન

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઉત્તરાયણ-મકરસંક્રાંતિનો તહેવાર એક વૈશ્વિક ઘટનાઃ દુનિયામાં વિવિધ દિવસે થતી ઉજવણી

દાન-પુણ્ય-પતંગોત્સવ-મનોરંજન જ નહીં, પરંતુ ખગોળશાસ્ત્ર-જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે

ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે માત્ર કે દાનધર્માદાનો કે પતંગોત્સવ જ નહિ, પરંતુ એક એવો તહેવાર છે જે આપણા ધર્મમાં અંગ્રેજી મહિનાની નિશ્વિત તારીખે ઉજવાય છે. સૌથી પહેલાં એ સમજીયે કે ઉત્તરાયણ એ એક ખગોળીય ઘટના છે અને તે વૈશ્વિક છે. એની સાથે-સાથે ખાસ ભારત કૃષિપ્રધાન દેશ હોઈ પ્રકૃતિ કે ધરતી જેને આપણે મા સમાન ગણીયે છીએ એનો ઋણ સ્વીકાર કરી એનો આભાર માનવાનાં પણ દિવસો છે. મકરસંક્રાંતિ ખગોળના આધારે ૧૨-૦૧ થી ૧૬-૦૧ દરમ્યાન ઉજવાય છે. વિવેકાનંદજીની જયંતીના દિવસે સંક્રાંતિ હતી.

પતંગ તો આખા વિશ્વમાં ચગાવાય છે, પરંતુ મકરસંક્રાંતિને સીધી રીતે પતંગ સાથે કોઈ જ સંબંધ નથી. ભારત અને ખાસ તો ગુજરાત સિવાય પતંગ ચગાવનાર ઉત્તરાયણની રાહ જોતા નથી કે ઉત્તરાયણને પતંગ સાથે જોડતા પણ નથી. થોડાં વર્ષો પહેલાં એવું હતું કે ગુજરાત બહાર પતંગ સાથે ૧૪ જાન્યુઆરીને કશું જ લાગતું વળગતું ન હોતું પણ વર્તમાન સમયમાં ભારતમાં જ નહિ દેશવિદેશમાં બધે જ આ ઉત્સવ પતંગ સાથે જોડાઈ ગયો છે.

ગુજરાતમાં પતંગ અને ઉત્તરાયણ બેઉ એકબીજા સાથે એટલી હદે સંકળાઈ ગયા કે લગભગ એકબીજાનાં પર્યાય સમા બની રહ્યા છે અને બેઉને અલગ રીતે જોનારની ગણતરી કદાચ મૂરખમાં થાય પણ વાસ્તવિકતા એ છે કે પતંગ અને ઉતરાયણ કે મકરસંક્રાંતિને કોઇ સંબંધ નથી. ખગોળ, પર્યાવરણ, પ્રકૃતિ અને એની સાથે જોડાયેલા આપણા ધાર્મિક મહત્ત્વના તત્ત્વની.

સૌથી પહેલાં આ ખગોળીય ઘટના છે એટલે એના વિશે જાણીયે. મોટાં ભાગનાં લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી. તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ જોવા મળે છે. સૌથી પહેલાં ઉત્તરાયણ સમજીયે. જો હું આ શબ્દ ને છૂટો પાડીએ તો ઉત્તર+અયન જેનો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન.

આ સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધમાં જે પ્રમાણે ઉત્તરાયણનું મહત્ત્વ છે તે પ્રમાણે જ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાયનનું, તે જ કારણે મહત્વ છે. વિશ્વમાં અન્ય જગ્યાએ તેથી જ દક્ષિણાયન પણ ઉજવાય છે. તે દિવસથી સુર્ય ઉત્તરમાંથી દક્ષિણ તરફની ગતિ શરૂ કરે છે. શિયાળામાં સુર્ય ખસતો-ખસતો દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત મકરવૃત્તની લગભગ સામે પહોચે ત્યાં સુધી દિવસ દરરોજ થોડો-થોડો નાનો થતો જાય.

આમ થતાં-થતાં, એ ક્ષણ આવે કે જ્યારે દિવસ સૌથી નાનો હોય અને રાત્રિ સૌથી મોટી હોય. આ ક્ષણને વીન્ટર સોલ્સ્ટીસ કહેવાય. એ ક્ષણ પછીથી સૂર્ય વળી પાછો ઉત્તર ગોળાર્ધમાં સ્થિત કર્કવૃત તરફની ગતિ શરૂ કરે અને દિવસ મોટો થતો જાય. આ ક્ષણ દર વર્ષે થોડી-થોડી બદલાતી રહે છે કારણકે પૃથ્વી ઢળેલા ભમરડાની જેમ એક વિશિષ્ટ રીતે પોતાની ધરી ઉપર ફરે છે. આ વિશિષ્ટ પરિભ્રમણને પ્રીસેશનલ ઓરબીટ કહેવાય, જે ૨૬,૦૦૦ વર્ષની હોય છે.

આ પરિભ્રમણને લીધે ખૌગોલીક ઉત્તરાયણની તિથિ ૨૬,૦૦૦ વર્ષનાં ચક્રમાં સતત બદલાતી રહે છે. આ કારણેજ, ઉત્તરાયણ ઉજવતી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ ભિન્ન-ભિન્ન તિથિએ આ ઉત્સવ ઉજવે છે. કોઈ પ્રજા ડિસેમ્બરની ૧૩, ૧૭, ૨૫ અને ૨૬ એ પણ ઉત્તરાયણ ઉજવે છે. આપણે આ ઉત્સવ ૧૪ કે ૧૫ જાન્યુઆરીએ ઉજવીએ છીએ.

જાણકારો, ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓ ઉત્તરાયણ અને મકર-સંક્રાંતિ વચ્ચે જે સહેજ તાત્ત્વિક ભેદ છે તે સમજે છે. ઉત્તરાયણ એટલે સુર્યની ઉત્તર તરફ ગમનની શરૂઆત અને મકર-સંક્રાંતિ એટલે સુર્યનો મકર રાશિમાં પ્રવેશ. આ સતત સરક્યા કરતી બંન્ને ખૌગોલીક ઘટનાઓની ગણતરી પણ જુદી. નિરાયણ પધ્ધતિથી હાલનાં કાળમાં મકરસંક્રાંતિ ૧૪-૧૫ જાન્યુઆરીએ ગણાય અને ખૌગોલિક પધ્ધતિથી હાલનાં કાળમાં ઉત્તરાયણ ૨૧-૨૨ ડિસેમ્બરે ગણાય. ભલે ખૌગોલીક ઉત્તરાયણની તિથિ કોઈ પણ હોય પરંતુ આપણને મકરસંક્રાંતિ પછીથી જ દિવસ મોટો થતો અને રાત નાની થતીનો અનુભવ થાય છે અને તેથી જ તો દીર્ઘ-દ્રષ્ટા આપણી સંસ્કૃતિ-દાતાઓએ આ બેઉ ઉત્સવો જોડીને આપ્યા છે. જોકે, ૨૬,૦૦૦ વર્ષ લાંબી પ્રીસેશનલ પરિક્રમા દરમ્યાન એક ગાળો એવો જરુર આવે જ્યારે અમૂક સદીઓ સુધી આ બેઉ ઘટનાઓ એક જ દિવસમાં થતી હોય. (ભીષ્મ પિતામહએ તેને મળેલા ઇચ્છિત વરદાન ને લીધે ઉતરાયણ પછી પ્રાણ નો ત્યાગ કર્યો અને મહાભારતમાં કૃૃષ્ણની ભિષ્મ સ્તુતિ યુદ્ધ પછીની છે.

વિશ્વે જે યાંત્રીક વિકાસ કર્યો અને તેમાં પણ અત્યારની જે વ્યાપારીક હરણફાળ ભરી છે તેમાં પૃથ્વીનાં ખનિજો, વનસ્પતિઓ, પ્રાણીઓ (જળચર અને થળચર) અને પક્ષીઓનું નિકંદન નિકળી ગયું છે, હવા-પાણી ત્વરીત ગતીથી દૂષિત થઈ રહ્યા છે. લોકોએ પૃથ્વીનો અને એના પર વસતા જીવોનો લેશમાત્ર વિચાર કર્યા વગર પોતાની સાચી-ખોટી જરૂરીયાતો એટલી બધી વધારી દીધી છે કે હવે પૃથ્વી કેટલો સમય આ ભાર ઝીલી શકશે તે મોટી ચિંતાનો વિષય બની ચુક્યો છે.

પરંતુ , વિશ્વનો હું માલિક નથી પણ સેવક છું તે જ્ઞાન ગળથૂથીમાં આપવું પડે અને જીવનભર કુનેહથી પીરસ્યાં કરવું પડે. આ વાત યુગો પૂર્વે ઋષિમુનીઓ ખૂબ સારી રીતે સમજતાં હતાં અને તેથી જ આપણને એવા ઉત્સવો, પૌરાણીક વાર્તાઓ, ઐતિહાસીક વાતો અને અનેક બીજી સામગ્રીઓ આપી જેના વડે નિસર્ગ માટેની જાગૃતિ અને પ્રેમ આપણાં દૈનિક જીવનમાં સહજ રીતે સમાઈ જાય.

નિસર્ગનું બહુમાન કરવા વાળા ઉત્સવો, જેવા કે ઉત્તરાયણ, મકરસંક્રાંતિ, વસંત-પંચમી, શરદ-પૂર્ણિમા, થૈપોંગલ, થૈપુસમ, છઠ્ઠ વગેરે ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. તે વડે, ભલે આપણે રોજિંદી પ્રવૃત્તિમાં ગળાડુબ હોઈએ, ભલે જીવનસંઘર્ષમાં વ્યસ્ત હોઈએ અને ભલે સુરજ, ચંદ્ર, તારા, નક્ષત્ર સામે જોવાની આપણને ન ફુરસદ હોય કે ન જરુરિયાત, છતાં પણ નિસર્ગ આપણા જીવનમાં અનાયાસે વણાઈ જાય છે.

આલેખનઃ અધિવક્તા હિતેન ભટ્ટ (જામનગર)

સૌજન્યઃ ખગોળીય માહિતી નિલેશભાઈ શુક્લના બ્લોગમાંથી સાભાર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઉત્તરાયણના તહેવારો નિમિત્તે ગાઈડલાઈન્સ

ચૂમે ભલે ગગનને તમારી ચીલ, પણ સાવચેતીમાં ન રાખો ઢીલઃ

ખંભાળિયા તા. ૧૧ઃ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દેવભૂમિ દ્વારકા દ્વારા દુર્ઘટનાઓ ટાળવવાના ઉદ્દેશ્યથી ગાઈડલાઈન્સ પ્રસિદ્ધ કરાઈ છે, જે નીચે મુજબ છે.

આટલું કરો

પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો

માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો

પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઊંચાઈ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરો

માથા ઉપરથી પસાર થતાં વીજળીના તારથી દૂર રહો.

ધાબાની અગાશી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો.

પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે

સમજદારી, સદ્ભાવ અને સાવચેતી રાખો

સવારે ૬ થી ૮ અને સાંજે પ થી ૭ ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળી પક્ષીઓનું જીવન બચાવીએ.

આટલું ન કરો

સીન્થેટિક વસ્તુઓ અને પ્લાસ્ટિકના ઉપયોગથી બનાવેલી તીક્ષણ દોરી કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે.

વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલ પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો.

લુઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી.

મકાનોના ગીચ વિસ્તારમાં પતંગ ચગાવવી નહિં.

ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો.

પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરથી છત ઉપરથી પતંગ લેવા દોડવું નહિં.

થાંભલામાં કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવો.

કોઈપણ આપત્તિ/દુર્ઘટના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૃમ નં. ૦ર૮૩૩ ૧૦૭૭, ર૩ર૧રપ, ર૩ર૦૮૪, ૭૮પ૯૯ ર૩૮૪૪, ઈમરજન્સી નં. ૧૦૮, કરૃણા અભિયાન હેલ્પ લાઈન નં. વોટ્સએપ નં. ૮૩ર૦૦૦ર૦૦૦, વન વિભાગ હેલ્પ લાઈન નં. ૧૯ર૬, એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પ લાઈન નં. ૧૯૬ર ઉપર સંપર્ક કરવા સરકારી યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જન્મ-મૃત્યુ જરા-વ્યાધિના ચક્રમાંથી નીકળવાનો એક જ માર્ગઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા તેના મૂળરૃપે

ગીતા જયંતી પ્રાસંગિક

ભગવદ્ગીતાનું વ્યાપક પ્રકાશન અને વાચન થયું છે, પણ મૂળ તે પ્રાચીન જગતના ઐતિહાસિક સંસ્કૃત મહાકાવ્ય, મહાભારતમાં એક પ્રસંગરૃપે ઉદ્ભવી હતી. મહાભારત વર્તમાન કળિયુગ સુધીની ઘટનાઓનું નિરૃપણ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મિત્ર તથા ભક્ત અર્જુનને આ યુગના આરંભ સમયે, લગભગ પ,૦૦૦ વર્ષ પૂર્વે ભગવદ્ગીતા કહી હતી.

ધૃતરાષ્ટ્રના સો પુત્રો તથા તેમના પિતરાઈ ભાઈ પાંડવો વચ્ચે થનાર ભ્રાતૃ ઘાતી મહાયુદ્ધના પ્રારંભ પૂર્વે, માનવ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દાર્શનિક તથા ધાર્મિક એવો આ સંવાદ ભગવાન શ્રીકૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયો છે.

ધૃતરાષ્ટ્ર અને પાંડુ કુરૃવંશમાં જન્મેલા ભાઈઓ હતાં. જેમના નામ પરથી મહાભારત નામપડયું છે, તે પૂર્વે થયેલા ચક્રવર્તી મહારાજ ભરતના વંશમાંથી કુરૃવંશ ઉતરી આવ્યો હતો. મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાને કારણે, જે રાજ્ય સિંહાસન તેમને મળવાનું હતું તે નાના ભાઈ પાંડુને આપવામાં આવ્યું.

પાંડુ જ્યારે યુવાન વયે અવસાન પામ્યા ત્યારે તેમના પાંચ પુત્રો-યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ તથા સહદેવને ધૃતરાષ્ટ્રની સંભાળ હેઠળ રાખવામાં આવ્યા. વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા થયા હતાં. એ રીતે ધૃતરાષ્ટ્રના પુત્રો તેમજ પાંડુના પુત્રો એક સમાન રીતે રાજપરિવારમાં ઉછર્યા હતાં. શસ્ત્રાસ્ત્રવિદ્યા-વિશારદ ગુરૃ દ્રોણાચાર્ય દ્વારા તે બધાને શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ આપવામાં આવેલું અને કુરૃવંશના પૂજ્ય પિતામહ ભીષ્મ તેમને માર્ગદર્શન આપતા હતા

ભગવાન કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય ન હતા, પણ સ્વયં પૂર્ણ પુરૃષોત્તમ પરમેશ્વર હતાં કે જેમણે પૃથ્વી ઉપર અવતરણ કર્યું હતું અને તે સમયે એક રાજવંશના રાજકુમારની ભૂમિકા ભજવી રહ્યાં હતાં. આ ભૂમિકામાં ભગવન કૃષ્ણ મહારાજ પાંડુની પત્ની તેમજ પાંડવોની માતા કુંતી અથવા પૃથાના ભત્રીજા પણ થતાં હતાં. એ રીતે સગા તરીકે તેમજ શાશ્વત ધર્મના સંરક્ષકરૃપે ભગવાન કૃષ્ણ સદા સત્યનિષ્ઠ પાંડુપુત્રોના પક્ષે રહ્યા હતાં તથા તેમનું રક્ષણ કર્યુ હતું.

પરંતુ છેવટે કપટી દુર્યોધને જુગાર રમવા માટે પાંડવોને આહ્વાન આપ્યું. તે નિર્ણાયક સ્પર્ધામાં દુર્યોધન તથા તેના ભાઈઓએ પાંડવોની પત્ની સતી દ્રૌપદી પર અધિકાર સ્થાપીને, રાજાઓ તથા રાજકુમારોની ભરી સભામાં તેને નિર્વસ્ત્ર કરી તેનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ભગવાન કૃષ્ણની દૈવી સહાયને કારણે દ્રૌપદીની રક્ષા થઈ, પરંતુ દ્યુતમાં થયેલ કપટને કારણે તેમાં હારી જતાં પાંડવોને પોતાના રાજ્યથી વંચિત થવું પડયું અને તેર વર્ષનો વનવાસ ભોગવવો પડયો.

વનવાસમાંથી પાછા આવ્યા પછી, પાંડવોએ ન્યાયપૂર્વક દુર્યોધન પાસેથી પોતાનું રાજ્ય પાછું માંગ્યું પરંતુ તેણે તે પાછું આપવાની ધરાર ના પાડી. પાંડવો રાજ્યનો વહીવટ સંભાળનાર ક્ષત્રિય તરીકે કાર્ય કરી પ્રજાની સેવા કરવાના કર્તવ્યથી બંધાયેલ રાજકુમારો હતાં, તેથી છેવટે તેમણે પોતાનું સમગ્ર રાજ્ય જતું કરીને માત્ર પાંચ ગામ માગ્યાં, પરંતુ દુર્યોધને ઉદ્દંડતાપૂર્વક એવો ઉત્તર આપ્યો કે તે સોયની અણી જેટલી ભૂમિપણ તેમને આપશે નહીં.

આ બધી ઘટનાઓ દરમ્યાન પાંડવો અત્યાર સુધી સહનશીલ રહ્યાં હતાં. પરંતુ હવે યુદ્ધ કરવું અનિવાર્ય લાગતું હતું.

જગતના રાજાઓમાંથી કેટલાક ધૃતરાષ્ટ્રના પુત્રોના પક્ષે જોડાયા અને કેટલાંક પાંડવોના પ્રશ્ને જોડાયા, ત્યારે સ્વયં કૃષ્ણે પાંડવોના સંદેશાવાહકની ભૂમિકા સ્વીકારી અને શાંતિની હિમાયત કરવા ધૃતરાષ્ટ્રની રાજસભામાં ગયા, જ્યારે તેમની વિનયપૂર્ણ વિષ્ટિનો સ્વીકાર ન થયો ત્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું.

અત્યંત ઉમદા ચરિત્ર ધરાવનારા પાંચે પાંડવો ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરૃષોત્તમ પરમેશ્વર છે એવું જાણી તેમને સન્માન આપતા હતાં, પરંતુ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રો તેમને ઓળખી શક્યા નહોતા. તેમછતાં કૃષ્ણ તેમના વિરોધીઓની ઈચ્છાનુસાર જ યુદ્ધમાં ભાગ લેવા સમંત થયા હતાં. ઈશ્વર તરીકે તેઓ જાતે યુદ્ધ કરવાના નહોતા, પરંતુ જે કોઈ તેમના સૈન્યનો ઉપયોગ કરવા ઈચ્છે તે કરી શકે અને બીજો પક્ષ સ્વયં કૃષ્ણને પથપ્રદર્શક તથા સહાયક તરીકે મેળવી શકે. રાજકારણમાં કુટિલ દુર્યોધને કૃષ્ણની સશસ્ત્ર સેનાની માંગણીની તક ઝડપી લીધી, જ્યારે પાંડવોએ એટલી જ આતુરતાથી સ્વયં કૃષ્ણને સ્વીકાર્યા.

આ પ્રમાણે કૃષ્ણ અર્જુનના સારથિ થયા અને તેમણે તે સુવિખ્યાત ધનુર્ધરનો રથ હાંકવાની જવાબદારી સ્વીકારી. આમ, જ્યાંથી ભગવદ્ગીતાનો પ્રારંભ થાય છે તે ઘટના સુધી આપણે આવી પહોંચીએ છીએ-બંને પક્ષના સૈન્યો બે બાજુએ યુદ્ધ કરવા તૈયાર થઈને ઊભાં છે અને ધૃતરાષ્ટ્ર ચિંતિત થઈ પોતાના મંત્રી સંજ્યને પૂછી રહ્યાં છે કે, તે સેનાઓએ શું કર્યું...?

એ રીતે સમગ્ર પૃષ્ઠભૂમિ તૈયાર છે. આવશ્યકતા માત્ર આ અનુવાદ તથા ભાષ્ય વિષે સંક્ષિપ્ત ટિપ્પણીની છે.

"જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો પછી જે મનુષ્ય ભગવદ્ગીતાનું અમૃતનું પાન કરે છે, તેને માટે તો કહેવું જ શું...? ભગવદ્ગીતા મહાભારતનું અમૃત છે અને તે સ્વયં ભગવાન કૃષ્ણે, આદ્ય વિષ્ણુએ કહી છે"  ભગવદ્ગીતા પૂર્ણ પુરૃષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનનાં ચરણ કમળમાંથી નીકળી છે. જો કે ભગવાનના મુખ તથા ચરણ કમળોમાં કોઈ ભેદ નથી, પરંતુ તટસ્થભાવે અધ્યયન કરવાથી આપણે સમજી શકીશું. કે ભગવદ્ગીતા ગંગાજળથી પણ વધુ મહત્ત્વપૂર્ણ છે.

ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી પણ એક મનૌવૈજ્ઞાનિક ગ્રંથ પણ છે. ગીતા મનુષ્યનાં મનનું વિશ્લેષણ કરીને મૂંઝવણોને દૂર કરે છે. જીવનથી કે પછી કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા જ નાવિક બનીને સાહિલ સુધી પહોંચાડે છે. જીવનકર્મ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ ગીતા જ આપે છે. હતાશાનાં અંધકારમાંથી ઉઠાવીને મનુષ્યને મંગલમય જીવનનો સુપ્રારંભ કરવાની પ્રેરણા ગીતાથી મળે છે.

આ રીતે ગીતા એક આધ્યાત્મિક ગ્રંથ હોવાની સાથે એક  વ્યવહારૃ ગ્રંથ પણ છે. તે મનનું વિજ્ઞાન છે. મનની દરેક ગૂંચવડોને ગીતાની પંક્તિ ઉકેલી શકે છે. ગીતાનો આધ્યાત્મિક મર્મ એ છે કે સંસાર પણ એક સંગ્રામછે, જેમાં આપણે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરીએ છીંએ. ભગવદ્ ગીતા દરેક મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. હરે કૃષ્ણ....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

૬ઠ્ઠી ડિસેમ્બરઃ હોમગાર્ડઝ સ્થાપના દિવસ

વર્તમાન સમયમાં હોમગાર્ડઝની સેવાઓ અને વ્યવસ્થાઓ

ગુજરાતના પનોતા પુત્ર અને ૫ૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇના વિચારોને સ્વતંત્ર સ્વરૃપ આપી અંદાજીત સને.-૧૯૪૬ થી ગુજરતમાં હોમગાર્ડઝની શરૃઆત કરવમાં આવેલ હતી. ગુજરાત રાજ્યની અલગ ઓળખ થતાં અને સ્થાપના થતાં હોમગાર્ડઝના ગુજરાતના કમાન્ડન્ટ જનરલ તરીકે પ્રથમ વખત શ્રી ઉધ્યન ચિનુભાઇ બેરોનેટની નિમણૂક કરવામાં આવેલ હતી. તેમણે ૨૭-વર્ષ સુધી માનદ તરીકે સેવાઓ આપેલ હતી. સને.-૧૯૪૭ થી ધી હોમગાર્ડઝ એક્ટ અમલમાં છે. જેમાં આજ સુધી કોઇપણ પ્રકારના ફેરફારો કરવામાં આવેલ નથી.

જામનગર જિલ્લાના પ્રથમ જિલ્લા કમાન્ડન્ટ તરીકે શ્રી.ડો.વી.એસ.ચુડાસમાની નિમણૂક કરવામાં આવેલ હતી. ત્યારબાદ શ્રી આર.એસ.ભટ્ટ ત્યારબાદ શ્રી મહેન્દ્રસિંહજી જાડેજા ત્યારબાદ અરવિંદ સી. ભટ્ટની ઉત્તરોતર નિમણૂકો કરવામાં આવેલ હતી. ત્યારબાદ જિલ્લા કમાન્ડન્ટનું પદ ખાલી રહેતાં પોલીસ ડિપાર્ટમેન્ટ માંથી ડી.વાય.એસ.પી.શ્રી (એચ.ઓ.) ને ચાર્જ સોંપવામાં આવેલ અને છેલ્લે ફરી વખત નિમણૂકો થતાં શ્રી એસ.જે.ભીંડીની જિલ્લા કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરવમાં આવેલ હતી અને હાલ આ જગ્યા ખાલી રહેતા ડી.વાય.એસ.પી.શ્રી મહેન્દ્રસિંહજી સોલંકી પાસે તેમનો ચાર્જ છે.

હોમગાર્ડઝની સ્થાપનાની શરૃઆતમાં લોકો તેમાં નિષ્કામ સેવાની ભાવનાની લાગણીઓ સાથે જોડાતા હતાં. કેમ કે પોલીસ ખાતામાં અસંખ્ય કામગીરી અને દિવસરાત કઠીન પરિસ્થિતિમાં કામ કરવાનું હોય છે. અને તેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે હોમગાર્ડઝ દળ પોલીસ ના પુરક તરીકે કામ કરતું આવેલ છે. હોમગાર્ડઝની સેવા આપતા હોમગાર્ડઝ કે અધિકારીઓને કોઇ પગાર આપવામાં આવતો નથી. પરંતુ એક માનદ ભથ્થુ તેને ફરજના અને તેની સેવાના ભાગરૃપે આપવામાં આવે છે. જે તે વખતે દળમાં સેવાઓ આપવા માટે સરકારી કર્મચારીઓ, ડોકટરો, વકીલો, વિવિધ સંસ્થાના ઉચ્ચ હોદ્દેદારો તત્પર રહેતા હતા.

પરંતુ દિવસે-દિવસે હોમગાર્ડઝ દળનો જે મોટીવ છે તે લુપ્ત થતો હોય તેમ લાગે છે. કેમ કે મોટા ભાગની પોલીસ કચેરીઓમાં, ડિઝસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં, કોર્ટમાં વિગેરે વિગેરે જ્ગ્યાએ હોમગાર્ડઝ દ્વારા જ કામ ચલાવવામાં આવે છે. અને એટલે જ હવે લોકો સેવાની ભાવનાથી નહીં પરંતુ પગારની ભાવનાથી દળમાં જોડાય છે. તેમ છતાં પણ જે લોકોને સેવા કરવી જ છે તેઓ હાલના સમયમાં પણ આ દળમાં જોડાઇને સેવાઓ કરે જ છે. જેથી દળનું સુત્ર નિષ્કામ સેવા ને એવા લોકોએ બરકરાર રાખેલ છે. શરૃઆતમાં જિલ્લા કમાન્ડન્ટશ્રીઓ પણ સેવાની ભાવનાથી આ દળમાં જોડાતાં હતા. હવે સેવાની ભાવનાને બીજા ક્રમે રાખીને વાહન, મોભો, દેખાડો, વટ, નામના કમાવવા માટે જોડાવવાન ી હોડ લાગેલી છે. પહેલાં હોમગાર્ડઝ દળ સાથે જોડાયેલાં લોકોને ભથ્થાની ખબર પણ ન હોય અને માંગણીઓ પણ કરતા નહીં. જ્યારે અત્યારે ભથ્થાંનો વધારો વારંવાર કરવા માટે સરકારને બાનમાં લેવામાં આવે છે આ બાબત ખૂબ જ દુઃખદાયક છે. હું પોતે આ દળ સાથે વર્ષોથી જોડાયેલો છું. એટલે આ બધી હકીકતોથી વાકેફ છું. અને હજુ પણ જો દળના નિષ્કામ સેવા ના સુત્રને લુપ્ત થતું રોકવુ હશે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ દળમાં સેવાઓ માટે જોડાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું હશે તો વર્ષો જુના દળના કાયદામાં ફેરફારો કરવા ખૂબ જ આવશ્યક છે. તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હોમગાર્ડઝ સભ્યો પાસેથી કાયદો વ્યવસ્થા સિવાયના જે કામો લેવામાં આવે છે તે સદંતર  બંધ થવા જોઇએ. એવું મારૃ અંગત રીતે માનવું છે. ખેર, જે હોય તે આજે ગુજરાતના ૫૦૦૦૦ થી વધુ હોમગાર્ડઝ સભ્યનું ગુજરાન માનદ ભથ્થા ઉપર ચાલે છે. અને હાલની સરકાર દ્વારા માનદ ભથ્થુ પણ સમ્માન જનક એટલે કે પ્રતિ દિવસના ૪૫૪ રૃપિયા લેખે ચૂકવવામાં આવે છે જે આ મોંઘવારીના સમયમાં ખૂબ જ સારી બાબત ગણાય. આ ઉપરાંત હોમગાર્ડઝનું એક વેલ્ફેર ફંડ પણ કપાત કરવામાં આવે છે. જેમાંથી કોઇ સારા-નરસા પ્રસંગોએ હોમગાર્ડઝને સહાય પણ આપવામાં આવે છે. આ વેલ્ફેર ફંડમાં સરકારશ્રીનો પણ ખૂબ જ ફાળો રહેલો છે. હાલનાં સમયમાં હોમગાર્ડઝ સભ્યો દ્વારા પોલીસનાં કર્મચારીઓથી પણ ચડીયાતી કામગીરીઓ કરવામાં આવી રહેલ છે જેને સરકારશ્રી તથા મંત્રીશ્રીઓ તથા પોલીસ અને હોમગાર્ડઝનાં ઉચ્ચ અધિકારીઓ દ્વરા વખતો વખત પ્રમાણપત્રો, મેડલો, રોકડ પુરસ્કારો, વિગેરે દ્વારા બિરદાવવામાં આવે છે જેનાથી હોમગાર્ડઝ દળમાં નિષ્કામ સેવા આપતા જવાનોનો  ઉત્સાહ જળવાઈ રહે છે. વર્તમાન સમયનાં ડીજીટલ યુગમાં સોશ્યલ મીડિયાનો જમાનો હોવાથી દેશનાં તમામ લોકો સુધી હોમગાર્ડઝ દળનાં માનદ સભ્યોની નિષ્કામ સેવાની કામગીરીની નોંધ પહોચેલ છે પછી તે, વાવાઝોડું હોય, ભુકંપ હોય, અનાવૃષ્ટિ હોય, કે પુર હોય દરેક પરિસ્થિતીઓમાં હોમગાર્ડઝ દળનો જવાન સૌપ્રથમ મદ્દદ અને સેવાઓ માટે હાજર જ જોવા મળે છે આ જ તો હોમગાર્ડઝ દળનાં જવાનની લાગણી સભર નિષ્કામ સેવા છે. જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરીને પણ ૬૦-વર્ષથી ઉપરનો સમય  થવાં જાય છે જે આજે પણ અડીખમ ઉભી છે. જેમાં સને૨૦૦૧ના ભૂકંપ બાદ કમાન્ડન્ટશ્રી અરવિંદભાઇ ભટ્ટ ના કાર્યકાળમાં સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવેલ ત્યારબાદ હાલ પણ આ કચેરીમાં સંપૂર્ણ રિનોવેશન ચાલુ છે. હાલના સમયમાં આ માનદ હોમગાર્ડઝ સભ્યો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે સંભાળે છે તે કાબીલે દાદ છે. અને તેને લીધે પોલીસ ખાતાનું ઘણુંખરૃ બર્ડન ઓછું થઇ ગયેલ છે. એવા મારા તમામ હોમગાર્ડઝ ભાઇઓ-બહેનો, અધિકારીઓ દળને આગળ પણ ઉત્તરોત્તર પ્રગતિઓ કરાવે અને નિષ્કામ સેવાના સુત્રને સાર્થક કરે એવી  આજે હોમગાર્ડઝ સ્થાપના દિવસે તમામને શુભેચ્છાઓ.

આલેખનઃ ગિરીશ એલ. સરવૈયા

સ્ટાફ ઓફિસર લીગલ જિલ્લા હોમગાર્ડઝ, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજે મીરાબાઈની ૫૨૫મી જન્મજ્યંતીઃ દ્વારકા-બેટ દ્વારકા સ્થિત મીરાબાઈના સ્મૃતિ મંદિરો

મથુરામાં પી.એમ.ની ઉપસ્થિતિમાં ઉજવણી

દ્વારકા તા. ર૩ઃ આજે મીરાબાઈની ૫૨૫મી જન્મજ્યંતી છે. આજે મથુરામાં વડાપ્રધાન મોદી દ્વારા જન્મદિનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે કવિયિત્રી મીરાબાઈના સ્મરણ દ્વારકા કેમ ભૂલી શકાય...? મીરાબાઈ દ્વારકા અને બેટ-દ્વારકામાં કૃષ્ણ ભક્તિ માટે પ્રચલિત થયા હતાં. ભગવાન શ્રીકૃષ્ણ સાથે મીરાબાઈનું નામ ખૂબ જ પ્રેમાળ ભાવથી ભક્તો યાદ કરતા હોય છે. દ્વારકાધીશના સ્વરૃપ ભગવાને શ્રીકૃષ્ણને પામવા માટે મીરાબાઈનો ઈતિહાસ આજે પણ દ્વારકા અને બેટ-દ્વારકાની શેરીઓમાં ગુંજી રહ્યો છે. દ્વારકાના તીનબત્તી ચોકમાં આજે પણ મીરાબાઈના નામથી ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે, તો આ પૌરાણિક દ્વારકાનગરીમાં મીરાબાઈની ધર્મશાળા જોવા અનેકવિધ સ્મરણો દ્વારકામાં આવેલા છે.

દ્વારકાના જાણીતા પ્રાચીન વિદ્વાન લેખકો સ્વ. પુષ્કરભાઈ ગોકાણી તથા દ્વારકા નિવાસી સવજીભાઈ છાયા અને ઈશ્વરભાઈ પરમાર, સ્વ. કલ્યાણજીભાઈ જોશી જેવા અનેક લેખકોએ દ્વારકાના શ્રીકૃષ્ણ અને મીરાબાઈના પ્રેમ-ભક્તિ વિષય ઉપરના પુસ્તકોમાં આ લેખોનો ઉલ્લેખ કર્યો છે. દ્વારકાના પત્રકાર ચંદુભાઈ બારાઈએ પણ તેમના દ્વારકા પરિચય પુસ્તક હિન્દી વર્ઝનમાં વિસ્તારપૂર્વક દ્વારકા અને મીરાના શીર્ષક હેઠળ લેખ દ્વારકાના પરિચય નામના પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલો છે.

આજે કૃષ્ણનગરી દ્વારકામાં પણ શેરીઓ, ગલીઓમાં મીરાબાઈની સ્મૃતિમાં મીરાબાઈના પદો અને કૃષ્ણભક્તિના ગીતો ગુંજી રહ્યાં છે, અને મીરાંબાઈના મંદિરે પણ ભાવિકો દર્શનાર્થે પહોંચી રહ્યાં છે. આજે દ્વારકા અને બેટ-દ્વારકામાં મીરાબાઈના જન્મદિને કૃષ્ણભક્તિ તથા મીરાબાઈના પ્રચલીત ભજનો ગવાઈ રહ્યાં છે.

પોતાના જીવનનો ઉત્તરકાળ દ્વારકામાં અને તેય દ્વારકાધીશના ચરણોમાં પાથરી દેનાર અને સંકેલી પણ લેનાર ભક્ત-કવયિત્રી મીરાબાઈનું ખાસ સ્થાનક બેટ-દ્વારકામાં પણ છે, તે ધ્યાન ખેંચાય તેવી બાબત છે. એમના અનન્ય કૃષ્ણપ્રેમની બેટમાં યાદ કરાવતા આ મંદિરને રાજસ્થાનીઓ વિશેષ મહત્ત્વનું લેખે છે અને અહીં રાખડી બાંધે છે અને માનતા ઉતારે છે.

ચાલ્યાં મીરાબાઈ...

ચાલ્યા મીરાબાઈ દ્વારકાને મારગ જો

દ્વારકાને મારગ કાબા લૂંટશે...

કાબા મારા કાકા ને કુટુંબ જો

ભત્રીજી લૂંટીને કાબા શું રે કરે...?

ચાલ્યા મીરાબાઈ દ્વારકાને મારગ જો

દ્વારકાને મારગ કાબા લૂંટશે...

કાબા મારા મામા ને મોસાળ જો

ભાણેજ લૂંટીને કાબા શું રે કરે...?

ચાલ્યા મીરાબાઈ દ્વારકાને મારગ જો

દ્વારકાને મારગ કાબા લૂંટશે...

કાબા મારા માડી જાયા વીર જો

બહેનીને લૂંટીને કાબા શું રે કરે...?

ચાલ્યાં મીરાંબાઈ દ્વારકાને મારગ જો

દ્વારકાને મારગ કાબા લૂંટશે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તા. ૧૯-૧૧-૨૦૨૩ના સંત શિરોમણી પૂ. શ્રી જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતી

ભારતીય સંત પરંપરા એ આપણને નિઃસ્વાર્થ-ત્યાગી અને માનવતાના પૂજારી એવા અનેક મહાપુરુૂષની ભેટ આપેલ છે. આવા જ અનન્ય સંત એટલે વીરપુરના ભક્ત શ્રી જલારામબાપા.

માં રાજબાઈની કૂખે

એક રત્ન શો જલા થયો,

ધરી દેહ માનવનો પછી

સત્કર્મથી 'અલ્લા' થયો

સંત અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં જન્મ ધારણ કરી વીરપુરમાં જ માનવસેવાનો ભેખ ધારણ કરી સમગ્ર માનવજાત પ્રત્યે કરુણા દાખવનાર ભૂખ્યાને ભોજન આપનાર જલારામબાપાનું જીવન એ ઉચ્ચ કોટિના ભક્તિનું જીવન છે. પૂ. મહાત્મા ગાંધીએ પોતાના વિશે એમ કહ્યું છે કે ઃ મારું જીવન એ જ મારો સંદેશ છે. પૂ. શ્રી જલારામબાપા માટે પણ આ જ આદર્શ સતત તેમની સમક્ષ રહ્યો હોય તેવું લાગે છે. બા૫ા કહેતા હરિરામનો સહાયક હરિ સમર્થ છે. હું જીવતા લાખનો અને મુઆ પછી સવા લાખનો હોઈશ અને વાત સત્ય માનજો...! કારણ મારો ઠાકર સમર્થ છે.

એક સામાન્ય લોહાણા પરિવારમાં સંવત ૧૮પ૬ના કારતક સુદ સાતમના રોજ જન્મ ધારણ કરી, વીરપુર જેવા નાનકડા ગામને કર્મભૂમિ બનાવી એકલપંડે અને આપબળે તેમણે માવજાત માટે જે કામ કર્યું છે તે પ્રેરણાદાયી છે. સંવત ૧૮૭૦માં તેમણે યજ્ઞોપવિત ધારણ કર્યું. સંવત ૧૮૭રમાં વીરબાઈમાં સાથે લગ્ન કર્યા.

ભૂખ્યાને ભોજન આપવું એ જ એમનો જીવન-ધર્મ અને એ માટે થઈને આખું જીવન તેમણે સંઘર્ષ કર્યો. અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ વચ્ચે તેમણે પોતાનો ધર્મ આજીવન નિભાવ્યો. સંવત ૧૮૭૬ના મહા સુદ બીજ ને સોમવાર  ના દિને વીરપુરમાં સદાવૃત બાંધ્યું.

ઉમટે હજારો લોક સૌ,

વીરપુર પાવન ધામમાં

શ્રદ્ધા ફળે સહુની સદાયે,

સંત જલારામમાં

જલારામબાપાનું સાદું અને સરળ જીવન માનવ માત્ર પ્રત્યેની કરુણા તથા કર્મયોગને કારણે વીરપુર જગતના નકશા ઉપર શ્રધ્ધાના કેન્દ્રબિંદુ તરીકે અંકિત થઈ ગયું છે. જલારામબાપાએ કોઈ ઉપદેશ નથી લખ્યું, કથા નથી કરી, તેમણે ફક્ત માનવ સહજ કરુણાથી ગરીબો માટે કામ કર્યું છે. તેના સતકાર્યની સુવાસ ચોતરફ ફેલાઈ જાય તે સ્વાભાવિક છે. ગોંડલના મહારાજાએ જલારામબાપાની સેવાવૃત્તિથી પ્રભાવિત થઈ પોતાના શાહી પરિવાર માટે આવેલા ફોટો ગ્રાફરને જલારામબાપાનો ફોટો લેવા વીરપુર મોકલેલા, જે દુર્લભ તસ્વીર આજે પણ મોજુદ છે. આમ રાજાથી માંડી રંક સુધી તમામને પોતાના સેવા કાર્યોથી પ્રભાવિત કરનાર ભક્ત શ્રી જલારામબાપા સ્વયં મહામાનવ હતા.

તેમણે શરુ કરેલી ભુખ્યાને ભોજન આપવાની પ્રવૃત્તિ આજે ખૂબ જ વિસ્તરીને વટવૃક્ષ બની ગઈ છે. ગુજરાતના ઘણાં શહેરોમાં જલારામબાપાના મંદિરો થયા છે. ત્યાં વીરપુરની માફક નાત-જાતના ભેદભાવ વગર સદાવૃત્તો ચાલે છે. ગુજરાત ઉપરાંત દેશ અને હવે તો પરદેશમાં પણ આ ઉમદા પ્રવૃત્તિ ફેલાતી જાય છે. જલારામબાપાની વિચારશરણીને માનનાર ભક્તોનો પ્રવાહ વધતો જાય છે.

આર્યનારી વીરબાઈનું સમર્પણ અનેરૃં, અનોખું અને અદ્વિતીય હતું. સમર્પણની સાધના એ મહાન સિદ્ધિ છે. આ સિદ્ધિ દ્વારા વીરબાઈનું નામ આજે જગવિખ્યાત બન્યું છે.

હો ઠક્કર હુકુમત કો જલાબાપા... કોઈ લશ્કર વીરપુર માથે આવી રહ્યું છે. હાંફતા હાંફતા એક માણસે દોડી આવીને સમાચાર દીધા. જલાબાપા એવે ટાણે સાધુઓની પંગતને પીરસી રહ્યા હતાં. કયાંથી આવે છે ? ઈ તો ખબર નથી.. પણ સો થી દોઢસો ઘોડા હશે.. ફિંફોટા ઉડાડતાં આવી રહ્યા છે. ભંડારીજી જલા ભગતે બૂમ મારી અંદરથી વીરબાઈમાએ હુંકારો ભણ્યોને થોડી વારે વીરબાઈમાં બહાર આવ્યા. ભંડારી, લશ્કરનું લોગ આવે છે... ઈ બાપડા જણ ભૂખ્યા હશે. ! કૂણ જાણે કયારેય નિસર્યા હશે... જો લાડવાને ગાંઠિયા પડ્યા હોય, તો હું પાદરે જઈને એમને આપી આવું. ઘણુંય પડયું છે. પ્રભુ ! જાઓ, જલદી જાઓ. કેટાણા ના ઈ ભૂખ્યા હશે. રામ જાણે ! કહીને ભંડારીએ લાડવાને ગાંઠિયાના બકડિયા ભરીને આપ્યા. જલા ભગતે એક બકડિયું પોતાના માથે ઉપાડ્યું ને બીજા થોડાં સેવકને ઉપડાવ્યાને લઈને એ તો પાદરમાં આવીને ઊભા.. દડમજલ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં ઠેરાણા. ધૂળથી આભ આખું ઢંકાઈ ગયું. ધૂળના એ વાદળોને ચીરીને જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો... ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું, એ... ય, રામ..રામ... અસવારે ઘોડાનું ચોકડું ખેચ્યું. ઘોડો એકદમ થંભી ગયો. ઘોડાના ડિલ માથેથી પરસેવાનો રેલો નીતરતો હતો. રામ...રામ... અસવારે જવાબ દીધો ને ભગત સામે જોયું.. નીચે ઉતરો મારા રામ...! આ પરસાદ લેતા જાઓ... જલા ભગતે બે હાથ જોડીને કહ્યું કરડી આંખવાળા સિપાહીના મોઢા માથે જરાક કુણી લાગણીની રેખાયું અંકાઈ. ભગત, અમે કાંઈ એક બે અસવારો નથી.. દોઢસો માણસ છીએ. બધાંને મારો ઠાકર મા રાજ આપી દેશે... આ ઘોડાને જરાક આરામ દયો અને તમેય નીચે ઉતરો તમે કુણ..બાપા...?

સિપાહીના મોઢામાંથી સવાલ સરી પડ્યો મને જગત જલો ભગત કહે છે. સિપાહી નીચે ઉતર્યો. ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા. જલા ભગતે દોઢસો જેટલા સિપાહીઓને લાડવા અને ગાંઠિયા આપ્યા. અન્નક્ષેત્રની ધજા તે દિ જલા ભગતની જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ.

દોઢસો માણસો લાડવાને ગાંઠિયા ખાઈને પાદરમાં પોરો લેવા લાગ્યા. એક અસવાર ઘોડે ચડીને દૂર આવી રહેલા ધ્રાંગધ્રા મહારાજની સામે ગયો અને તેણે વાત કરી કે એક ભગત બધાય ને લાડવા ને ગાંઠીયા આપે છે. પાદરમાં ઊભા છે. ધ્રાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતાં. આ વાત સાંભળતા તેમણે વીરપુરના પાદરમાં જ વિસામો લેવાનું નક્કી કર્યું. મહારાજાની સવારી જયારે વીરપુરમાં આવી, ત્યારે જલો ભગત ત્યાં ઊભેલા. ભગતે રામ રામ કર્યા. ધ્રાંગધ્રાના મહારાજાએ રામ રામનો જવાબ આપ્યો ને આ વેપારીને જોવા લાગ્યા. સીધો સાદો લુહાણો... એક આંખ જરાક જીણી. સફેદ બાસ્તા જેવું કેડિયું. મોઢા માથે દેવતાઈ તેજના ફુવારા ઊડે. નિર્દોષ ચહેરો... બાપુ... ! ઠાકર મા રાજનો પરસાદ લેતા જાઓ... ભગત આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો..? બાપુ...! જે આખી દુનિયાનું પાલન કરે છે, ઈ ઠાકર રાજનને આટલી સવારીને હરિહર કરાવવામાં કયાં વાંધો આવવાનો છે...? એની ધજાને વિસામે હંધુય થઈ રે શે... બાપુ...! ને પાદરમાં જલા ભગતે ધ્રાંગધ્રાની આખી સવારીને લાડવાને ગાંઠિયાથી ધરવી દીધી. ધ્રાંગધ્રાના મહારાજા ફાટી આંખે આ જોઈ રહ્યા હતાં. બે હાથ થોડીને ધ્રાંગધ્રાના મહારાજાએ કહ્યું. ભગત.. માગો...માણો... ! તમે માગો તે આપુ. જલા ભગત હસ્યા. બાપુ... શું માગું..? ઠાકર મા રાજની મેર છે. હજાર હાથવાળો એની ધજાને ફરકતી રાખે છે. બાપ... ! ધ્રાંગધ્રાના મહારાજાઆ વેણનો મરમ મારખી ગયા. જલા ભગત જેવા માણસને શું આપી શકાય...? એટલે તેમણે વાત ફેરવીને કહ્યું ભગત...! અમે ક્ષત્રિય લોક, અમે પરસાદ પણ એમને એમ ન લઈએ. તમારું ઋણ ભગત, અમારે માથે ચડ્યું છે. ને અત્યારે તો અમારી સવારી તીરથયાત્રા કરવા નીકળી છે. બે પૈસા વાપરવાનો અમારો આ સમય છે... ને ...? જલા ભગતે કહ્યું.. બાપુ ...! જો તમારા જીવને તાણ રેતી હોય તો આપના રાજમાંથી સારા પથરા મોકલાવી દેજો.. .જમીન નહીં જાગીર નહીં.. સોનું, રૃપું કે રૃપિયા નહીં, ને આ લોહાણો પથરા માગે છે.. ! મહારાજા આંચકો ખાઈ ગયા. ઘડીકવાર તો જલા ભગતના ચહેરા માથે જોઈ રહ્યા... પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂડ કપટ. એ જ નિર્મળ સાદગીને શાંતિ. ભગત..! માંગી માંગીને પથરા માગ્યા ? તોય ધ્રાંગધ્રાના મહારાજાથી કહેવાય ગયું બાપુ. ઠાકર માહરાજના વિહામે જે આવે ઈ રોટલા ખાઈને જાય. ઘણીવાર સાધુને સંતોનો મેળો થઈ જાય, એવે ટાણે ઘંટીનો લોટ પૂરો થતો નથી. દળણાં દળાવવા પડે છે. પણ નાની ઘુંટુલિયુમાં કેટલો લોટ દળાય...? જો સારા પથરાની મોટી ઘંટુડિયું હોય, તો વધુ લોટ ઉતરે.. મેં સાભળ્યું છે કે, ધ્રાંગધ્રા રાજ્યમાં પથરા બઉ સારા છે.. તો અમારી આ વિપદા ટળે. ભગત, પથરા તો મોકલાવશું.. પણ જમીન જાગીર માગો.. અરે, તમારા આ આશરા ધરમ માટે જોઈએ તો આઠ-દસ ગામ આપું. જલા ભગતે બે હાથ જોડ્યા.. બાપુ..! અમારા જેવા સાધુ-સંતોને ગામને ગરાસ કેવા..? અમારે તો આખી ધરણી ઠાકર મહારાજની ... - અમારાથી ધરણીના ધણી ન થવાય... બાપુ... ! અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે તે ટૂકડો સૌને દઈએ... પણ ભગત... મારા રાજમાં તમને જગા કાઢી આપું. ત્યાં આવીને આશરા ધરમની ધજા બાંધો.. બાપુ હું કુણ ધજા બાંધવાવાળો.. આ તો ઠાકર મારાજની ધજા છે...ઈ ની મરજી હશે ઈ યા લગી ફરકતી રેશે બાપુ..! ધ્રાંગધ્રાનો રાજવી આ સંતની નિર્લેપતાને જોઈ દંગ રહી ગયા. તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવીને વીરપુર મોકલ્યા ને ઈ હારે ધ્રાંગધ્રાથી ઘંટીના નિષ્ણાત કારીગરો પણ આવ્યા એમણે જગ્યામાં બેસીને વિશાળ ઘંટિયું બનાવી બળદથી ચાલે એવી વિશાળ ઘંટિયંુમાં રોજ આઠ દસ મણ દળણું દળાવા લાગ્યું એ સમયે રોજના આઠ દસ મણ લોટમાં એક હજાર માણ વીરપુરની જગ્યામાં પેટને તૃપ્ત કરવા લાગ્યું આજે આ ધામ વિશાળ વટ વૃક્ષ બની આજે હજારો દર્શાર્થીઓને તૃપ્ત કરે છે.

જલારામ બાપાને સાક્ષાત અન્નપૂર્ણા પ્રસન્ન થયા હતાં. શ્રી રામ અને હનુમાનજીમાં શ્રધ્ધા રાખનાર જલાનું અન્ન કદી ખૂટયું જ નથી તેઓ ચમત્કારી સંત હતાં. ભંડારી રસોઈ બનાવી દે ત્યારે જલારામ ત્યાં હાજર થઈ જાય. ભગવાન પાસે આ રસોઈ ધરાવાય, પછી ઘી નો દીવો કરે, ભોજન ઉપર એક તુલસીપત્ર મૂકે પછી ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ, આ તમારા તરફથી બનેલું ભોજન હું સહુ ભક્તોને પીરસું છું ખૂટે-વધે એ તમારે જોવાનું પછી બીજા ભક્તોને કહે, બાપલા, તમ તમારે હવે પીરસવા માંડો, ઠાકોરજીની સાથે વાત થઈ ગયેલ છે. જ્યારે પચ્ચીસ માણસોની રસોઈ બની હોય તેમાંથી પાંચસો માણસ જમી જાય છતાં રસોઈ વધી પડતી. સંતશ્રી જલારામ બાપાએ સદાવ્રતની પ્રવૃત્તિ હાથ ધરીને અન્નદાનની સરવાણી વહેતી કરવાનું ભગીરથ કાર્ય અમલમાં મૂકી, આજે સૌરાષ્ટ્રના અનેક શહેરો-ગામોમાં તથા ગુજરાત-મહારાષ્ટ્ર દેશ-વિદેશમાં ઠેર-ઠેર જલારામ બાપાના મંદિરો અને સદાવ્રતો આજે ચાલુ છે. અને હજ્જારો સાધુ-સંતો અને ગરીબો-જલારામ ભક્તો આ પવિત્ર સેવાનો લાભ લઈ રહ્યાં છે. જલારામ બાપાએ રઘુવંશી સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે.

સેવાભાવી સદાવ્રતી ભક્ત શ્રી જલારામ બાપા અને પૂજ્ય શ્રી વીરબાઈને પ્રણામ...

સરળતા, સાદગી અને નમ્રતાના પ્રતીક સમા એ સંતજનના જીવનની છેલ્લી સુવાસ આ પૃથ્વી પર સંવત ૧૯૩૭ના મહાવદ દશમને બુધવારના રોજ લઈ બાપા વૈકુંઠ સિધાવ્યા.

આજે આપણે સૌ તેમની ર૨૪મી જન્મ જયંતી ઉજવી રહ્યાં છીએ ત્યારે તેમને કોટિ કોટિ વંદન...

જલારામ જયંતી નિમિત્તે સર્વે જલારામ ભક્તોને જય જલારામ.

છેલ્લા... ૨૩ વર્ષથી દાન-ભેટ-સોગાદ-ફંડ વગર અવિરત અન્નક્ષેત્ર ચાલુ છે તે એક રેકોર્ડ સમાન છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh