અપની આઝાદી કો હમ હરગીઝ મિટા શકતે નહીં...

આવતીકાલે સમગ્ર રાષ્ટ્રમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાશે. આ માટે આજે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ગુજરાતનું રાજયકક્ષાનું પ્રજાસત્તાક પર્વ રાજકોટમાં ઉજવાશે, તેથી રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી પ્રજાસત્તાક પર્વને લઈને વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યાં છે.

આપણે આઝાદી મેળવી, અને તે પછી બંધારણ અમલી બન્યું, તે બન્ને પ્રસંગો રાષ્ટ્રીય પર્વો તરીકે ઉજવાતા રહ્યાં છે. ૧પમી ઓગસ્ટ-૧૯૪૭ ના દિવસે આઝાદી મળી હતી, તેથી તે દિવસે સ્વાતંત્ર્ય દિન ઉજવાય છે, અને ર૬મી જાન્યુઆરી ૧૯પ૦ ના દિવસે દેશ પ્રજાસત્તાક બન્યો, એટલે કે, પ્રજાની સત્તા સ્થાપતું બંધારણ લાગું થયું, તેથી તે દિવસે પ્રજાસત્તાક દિન ઉજવાય છે, તે સૌ જાણે છે. આ ઉજવણીઓ દાયકાઓથી પરંપરાગત રીતે થતી રહી છે.

પ્રવર્તમાન સ્થિતિ અને દેશનો રાજકીય માહોલ જોતા એમ જણાય છે કે, રાજનેતાઓને આઝાદી સમયની રાષ્ટ્રીય ભાવનાથી તરબતર ગીતો સંભાળવવાની જરૃર છે. આવતીકાલે એક દૃષ્ટિએ દેશમાં બંધારણનો સ્થાપના દિન છે, પરંતુ એ જ બંધારણને બચાવવાના આંદોલનો દેશમાં ચાલી રહ્યાં છે, અને બંધારણીય ભાવનાઓ ફરીથી કસોટીની એરણે ચડી રહી છે. દેશ પ્રજાસત્તાક બન્યા પછી બંધારણ ઉપર જ્યારે જ્યારે આક્રમણો કરવાના પ્રયાસો થયા, ત્યારે ત્યારે દેશભરમાંથી અવાજ ઉઠતો રહ્યો છે. ક્યારેક બંધારણના સુધારાઓ વિવાદાસ્પદ બન્યા છે, તો ક્યારેક અદાલતો, મીડિયા અને સંવૈધાનિક સંસ્થાઓને અંકુશમાં લેવાના પ્રયાસો થયા છે. આ તમામ પ્રયાસો એટલા માટે નિષ્ફળ રહ્યાં છે કે, બંધારણના ઘડવૈયઓએ એવું સંવિધાન ઘડ્યું છે, જેમાં વ્યવહારૃપણા અને દેશના હિતમાં સુધારાઓ કરવાની સત્તાની સાથે-સાથે એવી જોગવાઈઓ પણ કરી છે, જેથી બંધારણની મૂળભૂત ભાવનાઓની સાથે નાગરિકોના મૌલિક અધિકારોનું રક્ષણ પણ થઈ શકે. જો કે, આ પ્રકારની જોગવાઈઓનો ઉપયોગ ઘણી વખત લોકહિતના બદલે રાજકીય હિતો માટે પણ થતો રહ્યો હોવાની ફરિયાદો પણ ઉઠતી રહી છે. આથી આઝાદી કાળનું એક દેશભક્તિનું ગીત યાદ આવી જાય છે. આ ગીત વર્ષ-૧૯૬પ માં રિલિઝ થયેલી ફિલ્મ લીડરનું છે, જે શકીલ બદાયુનીએ લખ્યું છે, અને મહમ્મદ રફીએ ગાયું છે.

અપની આઝાદીકો હમ હરગીઝ મિટા શકતે નહીં,

સર કટા સકતે હૈ લેકિન સર ઝુકા શકતે નહીં

હમને સદિયોં મેં યે આઝાદી કી નેમત પાઈ હૈ

સેંકડો કુરબાનિયાં દેકર યે દૌલત પાઈ હૈ

મુસ્કરાકર ખાઈ હૈ સીનોં પે અપને ગોલિયા

કિતને વીરાનોં જો ગુજરે હૈ પર જન્નત ખાઈ હૈ

ખાકમેં અપની ઈજ્જત કો મિલા શકતે નહીં

અપની આઝાદી કો હમ હરગીઝ મિટા શકતે નહીં

આ કાવ્ય પંક્તિઓને મમળાવીને આજની સ્થિતિમાં તેને મૂલવવા જેવી છે. આઝાદી અનેક બલિદાનો પછી મળી છે, અને તેને જાળવી રાખવાનો જુસ્સો દરેક દેશવાસીઓમાં હોય જ છે. આ જુસ્સાને જીવંત રાખીને દેશની આઝાદીના રક્ષણ માટે દેશની અંદર અને બહારના દુશ્મનો સામે લડતા રહેવા માટેના સંસ્કાર આપણી આવતી પેઢીમાં પણ ઉતારવાના છે. આ જ ગીતની પ્રત્યેક કાવ્યપંક્તિને પ્રવર્તમાન સમય સાથે સાંકળીને સમજવાની જરૃર છે. આ ગીતની છેલ્લી કડીમાં લખ્યું છે કે,

હમવતન કે નૌજવાન હૈ, હમસે જો ટકરાયેગા

વો હમારી ઠોકરોં સે ખાક મૈ મિલ જાયેગા

વક્ત કે તૂફાન મેં બહ જાયેંગે જુલ્મ-ઓ-સિતમ

આસમાં પર યે તિરંગા ઉમ્રભર લહરાયેગા

જો સબક બાપુને સિખાયા વો ભૂલા શકતે નહીં

અપની આઝાદી કો હમ હરગીઝ મિટા શકતે નહીં

આ છેલ્લીે કાવ્ય પંક્તિ ઘણું-ઘણું કહી જાય છે. ભારતની આઝાદી અને બંધારણ દેશની જનતાનો આત્મા છે અને આત્મા અમર હોય છે. દેશને આઝાદી મળ્યા પછી તેના પર ઘણાં પ્રહારો થયા છે. યુદ્ધો થયા છે, દેશવિરોધી કાવતરાં થયા છે, આતંકવાદી હુમલાઓ થયા છે,

તો દેશની સામે આઝાદી પછી સતત અનેક પડકારો પણ આવ્યા છે, પરંતુ દેશ એકજૂથ, અતૂટ અને પ્રગતિશીલ રહ્યો છે, તેનું કારણ દેશનું બંધારણ, તટસ્થ જણાય પાલિકા, મજબૂત સૈન્ય અને સૌથી વધુ મજબૂત કારણ દેશની જનતાની સમજદારી અને એકતાને ગણી શકાય.

આવતીકાલે પ્રજાસત્તાક પર્વ છે, ત્યારે ઉપરોક્ત ગીતની છેલ્લી પંક્તિ મુજબ ગાંધીજીનો પ્રત્યેક સંદેશ જીવનમાં ઉતારવાની જરૃર છે અને ગાંધીજીએ શિખવાડેલો સબક પ્રત્યેક રાજકીય પક્ષોએ અનુસરવાની જરૃર છે. ગાંધીજીએ જે કહ્યું છે અને જે કર્યુ છે, તેના પર મનન કરવું જોઈએ. પ્રજાસત્તાક પર્વે "નોબત" પરિવાર અને માધવાણી પરિવાર પ્રિય વાચકો, વિજ્ઞાપનકારો, પ્રતિનિધિઓ, વિતરકો, પત્રકારો, શુભેચ્છકો સહિત સૌ કોઈને શુભેચ્છા પાઠવે છે.

close
Nobat Subscription