દબાણ હટાવવા માટે અરજીઓ કરતા વૃદ્ધની હત્યાનો પ્રયાસ

જામનગર તા. ૨૦ઃ જામનગરના નાગેશ્વર વિસ્તારમાં ગઈકાલે એક વૃદ્ધ પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. આ વૃદ્ધ ત્યાં દબાણ કરી ઉભા કરવામાં આવેલા મકાનને પાડી નાખવા અંગે અરજીઓ કરતા હોય તેઓને પતાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે આરોપીઓની શોધ શરૃ કરી છે જ્યારે એક મહિલાએ દૂધના બાકી પૈસાની ઉઘરાણી કરતા તેને પરપ્રાંતિય મહિલાએ શાક સુધારવાનું ચપ્પુ હુલાવ્યું છે.

જામનગરના સોનાપુરી રોડ પર આવેલા બુદ્ધનગરમાં વસવાટ કરતા જી.જી. હોસ્પિટલના નિવૃત્ત કર્મચારી દેવજીભાઈ જીવાભાઈ ધુલીયાએ ત્યાં જ આવેલું અલ્લાઉદ્દીન જુમ્મા સફીયાનું મકાન દબાણ કરી બનાવાવમાં આવ્યું હોવાની વર્ષ ૨૦૧૪માં મહાનગરપાલિકાને જાણ કર્યા પછી અવારનવાર તે દબાણ હટાવવા માટે અરજીઓ કરી હતી. આથી અલ્લાઉદ્દીન ઉશ્કેરાયો હતો.

તે દરમ્યાન ગઈકાલે સવારે સાડા સાતેક વાગ્યે નદીના પટ્ટમાંથી પસાર થતા દેવજીભાઈ પાસે અચાનક ધસી આવેલી એક રિક્ષામાંથી અલ્લાઉદ્દીન, જુમ્મા અલ્લાઉદ્દીન, દીલસાન અલ્લાઉદ્દીન તથા એક અજાણ્યા શખ્સે તું અવારનવાર અમારા મકાનનું દબાણ હટાવવા કેમ કાર્યવાહી કરશ તેમ કહી છરી, પાઈપ, ધોકા, પથ્થરો વડે હુમલો કર્યો હતો. જેમાં અલ્લાઉદ્દીને પોતાની પાસે રહેલી છરી વડે દેવજીભાઈનું ગળુ કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ વેળાએ જ દેવજીભાઈ બેસી જતા છરી કાન પર છરકો કરી ગઈ હતી.

લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડેલા દેવજીભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વાય.એ. દરવાડીયાએ આઈપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧), એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગુરૃદ્વારા વિસ્તારમાં આવેલી જલારામ ઝુંપડપટ્ટીમાં રહેતા અને દૂધનો વ્યવસાય કરતા ગંગાબેન જયેશભાઈ ટમારીયા નામના મહિલા વાલકેશ્વરીનગરીમાં આવેલા રોનક એપાર્ટમેન્ટમાં ચોથા માળે સુષ્માબેન રાજેશકુમાર સિન્હાના ઘેર દૂધ દેવા જતા હતાં. આ મહિલાએ બે મહિનાના દૂધના પૈસા લેવાના બાકી હોય તેની ગઈકાલે ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા સુષ્માબેને શાક સુધારવાના ચપ્પુ વડે ગંગાબેન પર હુમલો કરી હાથમાં ઈજા પહોંચાડી હતી. પોલીસે સુષ્માબેન સામે ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Subscription