શ્રીકૃષ્ણઃ માધવઃ એટલે... મોરલી, માખણ, મોરપીંછ

દુનિયાભરમાં અનેક ધર્મોનું અસ્તિત્વ છે, અને આ ધર્મમાં અલગ-અલગ ભગવાનને પૂજવામાં આવે છે. ધર્મમાં માનનારા દરેકનો દાવો એ જ હોય છે કે અમારા ભગવાન સૌથી પાવરફૂલ છે, જો કે નવાઈની વાત એ છે કે કોઈએ તેમના ભગવાનને જોયા નથી, છતાં ભગવાન અંગેની બધી જ માહિતી તેમની પાસે હોય છે. ભગવાનની વાણી, વર્તણૂક, શૌર્ય, ઉદારતા અને ભક્તોની મદદે આવવાની તત્પરતાની વાતો પરથી ભક્તોએ ભગવાનની માનસિક છબિ બનાવી રાખી હોય છે, જો કે દુનિયામાં એકમાત્ર ભગવાન એવા છે કે જેમને કોઈ ચોકઠામાં ફિટ કરી શકાયા નથી અને એ ભગવાન છે. આપણા મુરલી-મનોહર... માધવ... શ્રીકૃષ્ણ...

આજથી પાંચ હજાર વર્ષ પહેલા ભારતની ધરતી પર શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું હોવાનું મનાય છે. આટલા વર્ષો પછી પણ હજી આપણે આજે જ કૃષ્ણનો જન્મ થયો હોય તેવા લાડ-પ્યાર અને ભાવથી કૃષ્ણજન્મોત્સવ ઉજવીએ છીએ. જન્માષ્ટમી આવી રહી છે, દરેક ગલી, મંદિર, હવેલીમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે. કૃષ્ણ એક જ એવા ઈશ્વર છે જે આપણને દરેક સ્વરૃપે ગમે છે, ગમતા આવ્યા છે, અને કદાચ યુગો સુધી ગમતા રહેશે. કૃષ્ણલીલાથી ગોકુલવાસીઓ અને વૃંદાવનવાસીઓ ભાન ભૂલી જાય છે.

કૃષ્ણ એક એવા ભગવાન છે જે પોતે જીવીને આવ્યા છે અને પછી લોકોને કેવી રીતે જીવવું એ સમજાવે છે. તે માત્ર ઉપદેશ નથી આપતા, પણ જ્ઞાન આપે છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને યુદ્ધ કરવા સમજાવે છે. માટલી ફોડવી, માખણ ચોરવું, હૈયું ચોરવું, પ્રેમ કરવો અને પ્રેમ કરાવવો એ બધા પર કૃષ્ણનો એકાધિકાર છે.

કૃષ્ણ એટલે મોરપીંછ, મોરલી અને માખણ... જ્યાં કૃષ્ણ હોય ત્યાં આ બધું જ હોય... વાંસળી વગાડીને ગોપીઓ, ગાયો અને ગોકુળવાસીઓને વૃંદાવનમાં બોલાવી શકતા હોય તો તેના સ્નેહની પરાકાષ્ઠા કેવી હશે તેની કલ્પના જ કરવી રહી. માતાની સામે ધૂળ ખાઈને તેને આખું બ્રહ્માંડ બતાવ્યું અને આ જ કૃષ્ણએ ટચલી આંગળીએ ગવોર્ધન પર્વત ઊંચકી બધાની રક્ષા કરી. કૃષ્ણને તેમની જવાબદારીનું સંપૂર્ણ ભાન હતું.

દુનિયાના કોઈ ભગવાન વિવિધ પ્રકારના ભક્તો સાથે જુદા જુદા સંબંધથી જોડાયેલા હોય તો તે માત્ર કૃષ્ણ છે. કૃષ્ણ અનેક સ્વરૃપે આપણી સાથે છે. તેને લાલા કહીને લાડ લડાવીએ છીએ, તો મુરલી મનોહર કહીને પ્રેમ કરીએ છીએ. ગીતા કહેનાર પૂર્ણ પુરુષોત્તમ તરીકે ભજીએ છીએ, તો દ્વારકાધીશ કહીને તેમની પૂજા કરીએ છીએ. કોઈના માટે તે લીડર છે, તો કોઈના માટે ફિલોસોફર, કોઈના માટે મિત્ર છે, તો કોઈના માટે પ્રેમી, કોઈના માટે પુત્ર છે તો કોઈના માટે ગુરુ... એક જ ભગવાનને ભક્તો આટલા બધા સ્વરૃપે ભજે છે એ માત્ર કૃષ્ણ માટે જ શક્ય બને... કારણ કે કૃષ્ણએ ભક્તો માટે પોતાનું ભગવાન પદ છોડ્યું છે... તે મંદિરમાં પૂરાયેલા દેવ નથી, તે તો લોક હૃદયમાં બિરાજમાન છે. ભગવાન આટલા સહજ હોય તેવી કલ્પના માત્ર કૃષ્ણમાં જ થાય, માણસ થઈને જીવેલા આ ઈશ્વરને જાણવા જઈએ તો સમજાય કે કૃષ્ણ હોવું અને કૃષ્ણ થવું એ બન્ને વચ્ચે કેટલું વિશાળ અંતર છે. માથે મોરપીંછ અને હાથમાં વાંસળી લઈને ઊભા રહેવું અને સમગ્ર જગતનો ભાર ઉપાડવો એ બન્ને વચ્ચે કેટલું અંતર છે...

આજના લીડર કેવા હોય તેની ઝાંખી શ્રીકૃષ્ણના જીવન પરથી મળે છે. કૃષ્ણ વિઝન, રિઝન, ઈનોવેશન અને સોલ્યુશનના ઈશ્વર છે. આજના યુવાનો માટે મોટીવેશન આપનાર ગુરુ છે, અર્જુનને ગીતા સંભળાવીને ધર્મયુદ્ધ કરાવનાર યોગેશ્વર કૃષ્ણ છે.

શ્રીકૃષ્ણની વાત નીકળે અને પ્રેમની વાત ન થાય તો તે વાત અધુરી ગણાશે. શ્રીકૃષ્ણનો પ્રેમ સૌ માટે હતો, અસીમિત હતો અને કોઈ ભેદભાવ વગરનો હતો. સૂર્યના કિરણો જેમ બગીચાના ફૂલ ઉપર પણ પડે છે અને ઉકરડા ઉપર પણ એ જ તેજથી પડે છે, તેમ શ્રીકૃષ્ણનો પ્રેમ રાધાજીથી લઈને રૃકિમણી સુધી, દ્રૌપદીથી લઈને કંસને ફૂલ પહોંચાડનારી કુબજા સુધી, તમામ માટે વહેતો હતો. શ્રીકૃષ્ણની મહાનતા પાછળ તેમનો આ પ્રેમ છૂપાયેલો છે અને આજે પાંચ હજાર વર્ષ પછી પણ જો ભારતભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો હોય તો તે સમગ્ર વાત અદ્ભુત છે, અને તેની પાછળ કૃષ્ણનો સ્ફટિક સમાન નિર્મળ પ્રેમ જ કારણભૂત છે.

શ્રીકૃષ્ણની સ્ટાઈલની વાત કરીએ તો પૂર્ણ પુરુષોત્તમ એવા કૃષ્ણ પર હજારો ગોપીઓ ઓવારી જતી. કૃષ્ણની સુંદરતામાં વધારો કરે છે મોરપીંછ... મોરપીંછ વિશે એવી વાયકા છે કે રામઅવતાર વખતે ભગવાન રામ વનવાસમાં હતાં, અને પાણીની શોધમાં ફરતા હતાં, ત્યારે એક મોર તેમને તળાવ સુધી લઈ જાય છે, અને ભગવાનને રસ્તો બતાવવા આખા રસ્તે પોતાના પીંછા ખેરવતો જાય છે, ત્યારે ભગવાન રામે તે મોરને કહ્યું કે, 'તારૃ આ ઋણ મારા માથે રહ્યું' અને આ ઋણ પૂરૃં કરવા તેમણે કૃષ્ણ અવતારમાં મોરપીંછ માથે ચડાવ્યું. મોરપીંછ વગર માધવ અધુરો છે.

માનવ સ્વરૃપે અદ્ભુત જિંદગી જીવેલા દેવ એટલે મેઘધનુષી માધવ... શ્રીકૃષ્ણ... એવા દેવ કે જે ગીતા ઉપદેશ વખતે સરાજાહેર કહે છે કે વેદોમાં હું સામવેદ છું, ઋતુઓમાં હું વસંત છું, હું કામદેવ છું, હે અર્જુન... હું જ ઈશ્વર છું. આ એવા દેવ કે જેમની પ્રતિમા પ્રાચીન છે, છતાં વિચારો આધુનિક છે. તેમની કથાઓ ચમત્કારિક છતાં માનવતાથી ભરેલી છે. એવા દેવ કે જે યુદ્ધે ચડે તો સુદર્શન ફેંકે અને પ્રેમમાં પડે તો વાંસડી વગાડીને ઘેલું લગાડે. તેનામાં યુદ્ધત્વ અને બુદ્ધત્વ બન્ને સાથે જ ચાલતા હોય, જે મૂળને છોડે નહીં, છતાં સતત નવીનતા સાથે વિકસતા રહે, એક એવા દેવ કે જેની માત્ર પૂજા ન થાય, તેને પ્રેમ કરવો પડે, તેને ચાહવા પડે, તેને પૂજવા કરતા ભેટવામાં વધારે આનંદ આવે... એવા બધાને ગમે તેવા કૃષ્ણ...

કૃષ્ણ કોઈ ધર્મશાસ્ત્રનો વિષય નથી, તે કોઈ શાસ્ત્રમાં સમાયેલા નથી તે તો વસે છે આપણા મનની અંદર... આપણા કારણે કોઈ ખુશ થાય, કોઈના ચહેરા પર મુસ્કાન આવે, કોઈને દિલાસો આપીએ તો સમજવું કે આપણે કૃષ્ણકાર્ય કરી રહ્યા છીએ.

તો... પ્રેમથી બોલો... રાધે રાધે...