જામનગર ટુ જમ્મુ કાશ્મીર ટુ જામનગરઃ ર૦ વર્ષિય હર્ષેય શાહની બાઈક સફર

'સફર કે ''સિલસિલો'' મેં જીતા હું મૈં ઝીંદગી મિલો મેં જીતા હું'

ફક્ત મંઝીલે પહોંચવું જ મહત્ત્વનું નથી, મંઝીલે કઈ રીતે પહોંચવું એ પણ મહત્ત્વનું છે. તેના પરથી જ મુસાફરની લાયકાત નક્કી થતી હોય છે. જામનગરના ર૦ વર્ષિય હર્ષેય જીતેનભાઈ શાહએ નાની ઉંમરમાં મોટા-મોટા સફર ખેડી બાઈકર તરીકે પ્રતિષ્ઠા મેળવી છે.

તાજેતરમાં હર્ષેયએ જામનગરથી જમ્મુ-કાશ્મીર સુધી અને ત્યાંથી પરત જામનગર સુધીની લગભગ પપ૦૦ કિ.મી.ની બાઈક યાત્રા કરી અનોખી કીર્તિ પોતાને નામ કરી છે. હર્ષેય આ યાત્રા કરનારો સૌરાષ્ટ્રનો સૌથી નાની ઉંમરનો બાઈકર છે.

હર્ષેય જામનગરથી વાયા જયપુર, અમૃતસર થઈ જમ્મુ પહોંચ્યો હતો. જમ્મુથી વાયા પટણીટોપ શ્રીનગર, ગુલમર્ગ ઓનમર્ગ, પહેલગામ થઈ ફરી પટણીટોપ પહોંચ્યા હતો. ત્યાંથી જામનગર તરફની રીટર્ન સફરનો આરંભ કરી વાયા જાલંધર, અજમેર અને પુષ્કર થઈ જામનગર પહોંચ્યો હતો.સફરના અંતિમ પડાવમાં હર્ષેયએ પુષ્કરથી જામનગરનું ૯૦૦ કિ.મી.નું અંતર ૧૪ કલાકમાં પાર કર્યું હતું. હર્ષેય સાથે તેની આ સફરમાં તેનો અમદાવાદનો એક બાઈકર મિત્ર પણ જોડાયો હતો.

'નોબત' સાથેની વાતચીતમાં હર્ષેય બાઈક પર મોટા મોટા સફર કરવાની મહત્ત્વાકાંક્ષા અંગે જણાવતા કહે છે કે તે આવા સફરના માધ્યમથી જ જિંદગીની નજીક પહોંચી રહ્યો છે. તેના માટે આવા સફર માત્ર મંઝીલ સુધીનો પ્રવાસ નથી, પરંતુ જિંદગીને 'માઈલ સ્ટોન' બનાવવાનો અવસર છે.