શ્રાવણી સ્પેશ્યલ-જુગટું

 (ગતાંકથી ચાલુ)

શ્રાવણ માસ પવિત્ર છે. દેવોના દેવ, મહાદેવની ઉપાસના કરવાનો મહિનો છે. શ્રાવણ માસ જેટલો ભોળાનાથનો છે તેટલો જ ભગવાન શ્રીકૃષ્ણનો પણ છે. જન્માષ્ટમી પણ શ્રાવણ માસમાં જ આવે છે ને? જો કે એ વાત અલગ છે કે ગાંધાર નરેશ શકુનિના વારસદારોએ આ જન્માષ્ટમીને જુગારાષ્ટમી બનાવી દીધી છે. જે રીતે શિવભક્તો ચાતકની જેમ શ્રાવણ માસની રાહ જુએ છે તે જ રીતે શકુનીના ભક્તો પણ શ્રાવણ માસની રાહ જુએ છે. અને શ્રાવણ માસ આવતા જ જુગારપ્રેમી અને દંડાપ્રેમીની સંતાકુકડી ચાલુ થઈ જાય છેહ

રામાયણમાં તો રામ રાજ્ય હતું, અને રામ રાજ્યમાં તો ક્યાંય જુગાર રમાતો હોય તેવો ઉલ્લેખ મળતો નથી. તેથી રામાયણ કાળમાં તો દરેક રાણીઓને એ વાતની ધરપત હતી કે તેના પતિ મારશે પણ દાવમાં તો નહીં જ લગાડે!

આધુનિક મેનેજમેન્ટના સિદ્ધાંતો પ્રમાણે પણ જુગાર રમવાનું આયોજન એ કુશળતા માંગી લેતું કામ છે. કેટલા મેમ્બરોને ભેગા કરવા, ફરજીયાતપણે કેટલો સમય રમવાનું અને ખાસ તો સ્થળ એવું નક્કી કરવાનું કે ત્યાં પોલીસના એટલે કે કાનૂનના લાંબા હાથ પણ ન પહોંચી શકે!

શકુનિના ચેલાઓ બે પ્રકારના હોય છે, એક રમવાના શોખીન અને બીજા ફક્ત જોવાના શોખીન. નટુ તીનપત્તી રમવાનો ભારે શોખીન. નટુ જ્યારે તીનપત્તી રમતો હોય ત્યારે, પ્રથમ તો ત્રણમાંથી બે પત્તા જ ખોલીને જુવે. હવે જો આ બે પત્તા સારા હોય તો ત્રીજું પત્તું ખોલતા પહેલા જ તે એકદમ ઉત્સાહમાં આવી જાય, તેની આંખો ચમકવા લાગે અને તેના મુખમાંથી શ્રાવણ માસનું ભજન સરી પડે, 'આપ જૈસા કોઈ મેરી, જિંદગી મેં આએ...'

હવે નટુ આટલું ભજન પૂરૃં કરે ત્યાં સુધીમાં ત્રીજું પત્તું ખુલી ગયું હોય. જો આ ત્રીજું પત્તું ખરાબ આવે અને નટુને પોતાની ગેમ બગડતી લાગે તો એ ભજનના છેલ્લા શબ્દો પર જ તેની પીન અટકી જાય અને ભજન કંઈક આ રીતે પૂરૃં થાય, 'જિંદગી મેં આ..એં...એં...એં...!'

એક લોકવાયકા એવી છે કે શ્રીકૃષ્ણ-બલરામની શોધમાં શકુનિ પણ કાઠીયાવાડ આવેલો, આખો શ્રાવણ માસ અહીં જ રોકાયેલો અને આખા કાઠીયાવાડમાં ખાસ કરીને હાલારમાં ખૂબ જ રખડેલો. હવે જ્યાં-જ્યાં શકુનિના પુનિત(!) પગલા પડેલા ત્યાં બધે, શ્રાવણ માસ આવતા જ શકુનિવૃત્તિની સામૂહિક ઉજવણી શરૃ થઈ જાય છે. જે દરમિયાન તેના ભક્તો આખી-આખી રાત્રિના સળંગ ઉજાગરા કરતા જોવા મળે છે!

જુગાર એટલ માત્ર પત્તાનો જ ખેલ નહીં, પરંતુ તેના અનેક પ્રકારો હોય છે, દા.ત. શેરબજાર, એક વખત એક સટોડીયો શેરબજારમાં કરોડો રૃપિયા હાર્યો, એકદમ દુઃખી-દુઃખી થઈ ગયો અને પ્રભુ ભક્તિએ ચડી ગયો. પ્રભુ પ્રસન્ન થયા અને કહે 'માંગ, માંગ, જે જોઈએ તે માંગ, માંગે તે આપું!'

પેલા સટોડીયાએ જર-ઝવેરાત કે પૈસા ન માંગ્યા પરંતુ પ્રભુને કહ્યું, 'પ્રભુ, મને આગામી એક વર્ષના સમાચાર પત્રો આપી દો!' પ્રભુએ 'તથાસ્તુ' કહ્યું અને ત્યાં આગામી એક વર્ષના સમાચાર પત્રોનો ઢગલો થઈ ગયો.

હવે તે સટોડીયાનું કામ બિલકુલ સરળ થઈ ગયું. તેણે શેરબજારની આગામી ચાલ જાણી લીધી. આવનારા દિવસમાં શેરોના ભાવમાં થનારા ફેરફાર જાણી લીધા, અને ફરીથી શેરબજારમાં સટ્ટો શરૃ કર્યો. બહુ ઝડપથી તેની બધી ખોટ ભરપાઈ થઈ ગઈ અને વધારાના કરોડો રૃપિયા પણ કમાયો.તેના હાથમાં જાણે અલ્લાદ્દીનનો જાદુઈ ચિરાગ આવી ગયો હતો !

એક દિવસ તે બિલકુલ નવરો હતો. તેણે વર્તમાનપત્રોના થપ્પાઓમાંથી આગામી ચારેક માસ પછીનું વર્તમાનપત્ર કાઢ્યું અને પહેલા પાને છપાયેલી જાહેરાત જોઈને એકદમ ગભરાઈ ગયો....

કારણ કે તે તેની પોતાની અવસાન નોંધ હતી...