જીવનને પાર કરાવવામાં અંતિમ ધક્કો લગાવનાર લોકો પર શોર્ટ ફિલ્મ બનાવનાર સચિન માંકડ સાથે સંવાદ

કયા કહે કિતના ગમ રોઝ સહતે હૈ હમ, આખરી અલવિદા સબકો કહતે હૈ હમ

સત્ય મહદ્અંશે અપ્રિય હોય છે એમાંય જીવનનું અંતિમ સત્ય એટલે કે મૃત્યુ કોઈને પણ પસંદ નથી જીવનનાં અંતિમ સત્યનો રોજ સામનો કરનાર લોકોના મનોભાવ કેવા હોય એ વિચાર કોઈ કરતું નથી. જામનગરના વતની અને છેલ્લા દોઢ દાયકાથી દુબઈમાં સ્થાયી થયેલા સચિનભાઈ માંકડ દ્વારા નગરનાં સમાજસેવક મહાવીર દળ સંચાલિત આદર્શ સ્મશાનમાં લોકોની અંતિમ વિધિ કરવાની ફરજ બજાવતા કર્મચારીઓના સંવેદનો ઉજાગર કરતી 'ધ ફાયનલ પુશ' નામની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. સચિનભાઈએ તેમના પત્ની પૂજાબેન સાથે 'નોબત' કાર્યાલયની મુલાકાત લઈ 'નોબત' ના તંત્રી પ્રદિપભાઈ માધવાણી 'નોબત' પરિવારના દર્શકભાઈ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથે શોર્ટ ફિલ્મ તથા પોતાની કારકિર્દી વિશે વાત કરી હતી.

જામનગરની ડીસીસી હાઈસ્કૂલ તથા ડીકેવી કોલેજના વિદ્યાર્થી રહી ચૂકેલા સચિનભાઈ બીએસસીની ડીગ્રી મેળવ્યા પછી ક્રિએટીવ પ્રોફેશન તરફ વળી ગયા અને દુબઈ જઈ આર્ટ ડાયરેકટર તરીકે કારકિર્દી બનાવી કોરોના અને લોકડાઉનને કારણે ઓકટોબરમાં તેઓ દુબઈથી જામનગર પરત આવ્યા હતાં.

સચિનભાઈના પિતા જગદિશભાઈ માંકડ તેમની જ્ઞાતિમાં તથા બહોળા મિત્રવર્તુળમાં સેવાભાવી વ્યક્તિ તરીકે જાણીતા છે. પરિચિત કે કોઈ અપરિચિત વ્યક્તિનું નિધન થાય ત્યારે તેમની અંતિમવિધિ સંપન્ન કરાવવા માટે નિઃસ્વાર્થભાવે જગદિશભાઈ અને તેમના મિત્રો ખડેપગે હોય છે. નાનપણથી પિતાની આ પ્રવૃત્તિ જોઈ સચિનભાઈને 'ધ ફાયનલ પુશ' શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો એમ કહી શકાય.

'ધ ફાયનલ પુશ' શોર્ટ ફિલ્મમાં સ્મશાનમાં કપરી ફરજ બજાવતા કર્મચારીઓની લાગણીઓને દર્શાવવામાં આવી છે. જ્ઞાતિ-જાતિનાં કે ધર્મના ભેદભાવ વગર મૃતકોની અંતિમવિધિની ફરજ બજાવતા સ્મ્શાનનાં કર્મચારીઓ કાયમી ડાઘુ જેવી મનઃસ્થિતિમાં કઈ રીતે જીવનના સંઘર્ષો કરે છે એ સમજવા માટે તથા તેમની પીડાને સમજવા માટે 'ધ ફાયનલ પુશ' ફિલ્મ અચૂક નિહાળવી જોઈએ.

આ શોર્ટ ફિલ્મના નિર્માણની વાત કરીએ તો તેમની સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયરેકશન તથા એડીટીંગ સચિન માંકડે જ કર્યું છે. સ્ક્રિપ્ટ એટલે કે પટકથા સ્તુતિ ધોળકીયા બુચની છે તથા નરેશન તુમુલ બુચ દ્વારા કરવામાં આવ્યું છે. નિલેશ વ્યાસ તથા સહીશ વિલ્સનનું માર્ગદર્શન છે તેમજ તમલ માંકડ અને પૂજા માંકડ દ્વારા સહાયકની ભૂમિકા નિભાવવામાં આવી છે. સચિનભાઈ પોતાની શોર્ટ ફિલ્મના તમામ ક્રિએટીવ-લોકો ઉપરાંત આ શોર્ટ ફિલ્મ બનાવવા જેમની મંજૂરી અનિવાર્ય હતી એવા સમાજસેવક મહાવીર દળ તથા દર્શનભાઈ ઠકકરનો ઋણ સ્વીકાર કરે છે.

અત્યાર સુધીમાં 'ધ ફાયનલ પુશ' ઉપરાંત કવોરન્ટાઈન તથા દિવાળી વિષય પર શોર્ટ ફિલ્મ બનાવી ચૂકેલા સચિનભાઈ ભવિષ્યમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની સંવેદનાઓ ઉજાગર કરતી 'ધ ગોલ્ડન એજર'નામની શોર્ટ ફિલ્મ બનાવવાનો નિર્ધાર ધરાવે છે. સચિન માંકડ નામની યૂટ્યૂબ ચેનલ પર 'ધ ફાયનલ પુશ' શોર્ટ ફિલ્મ નિહાળી શકાય છે.