જલારામ બાપાના સદાવ્રતની બે સદી...

જલારામ બાપાનું નામ કોઈથી અજાણ્યું નથી. આ નામ એવું છે, જેને લઈને કોઈ વિવાદ નથી, આ નામમાં ત્યાગ, સેવા, તપશ્ચર્યા, વિવેક, પરમાર્થ, સંવેદના અને ભક્તિના અનેક ગુણોનો જાણે સંગમ થાય છે. જલારામ બાપાનું સદાવ્રત બે સદીથી ચાલી રહ્યું છે, જે પણ એક વૈશ્વિક અજોડ હકીકત છે. હવે તો આ સ્થળે કોઈ દાન-સખાવત પણ સ્વીકારવામાં આવતા નથી, છતાં દરરોજ હજારો લોકો બાપાનો પ્રસાદ ગણીને આ સદાવ્રતમાં સવાર-સાંજ ભોજન લેતા હોય છે, બે સદી પહેલા ઘંટીમાં લોટ દળીને અને હાથે રોટલા ઘડીને જલારામબાપા અને વીરબાઈમાંએ ભૂખ્યાજનોને નિરાભિમાનીપણે અને વિવેકથી ભોજન આપવાનું જે સેવાકાર્ય આદર્યું હતું, તેની સ્મૃતિમાં જલારામ ભક્તો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે.

જે સમયે આવું સદાવ્રત ચલાવવું એ પડકારરૃપ હતું, ત્યારે ગુરૃના આદેશને માથે ચડાવીને જલારામ બાપાએ આદરેલું આ સેવાકાર્ય તેમની માટે એક વ્રત હતું, અને તે જીવનપર્યંત નિભાવ્યું, તેથી સદૈવ નિભાવેલા આ વ્રતને સદાવ્રત તરીકે ઓળખવું એ સાર્થક અને અનુકરણીય છે. જલારામ બાપા લોહાણા જ્ઞાતિના હોવાથી રઘુવંશીઓ માટે તેઓ ગૌરવશાળી વ્યક્તિત્વ છે, તેની સાથે સાથે જલારામ બાપા સર્વજન-સર્વધર્મ સમભાવના પ્રતીક પણ ગણાય છે. તેથી જ 'જલા તું તો અલ્લા કે વાયો' જેવી કાવ્ય પંક્તિઓ રચાઈ હશે.

'જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો' અને દેને કો ટૂકડો ભલો લેને કો હરિનામ' જેવા જલારામ બાપાના મંત્રોમાં પ્રભુભક્તિ અને નિરપેક્ષ માનવસેવાનો અદ્દભુત સંગમ જોવા મળે છે. જલારામ બાપાનું સદાવ્રત આજે વિશ્વવિખ્યાત છે, અને જલારામબાપાનું વીરપુર ગુજરાત અને ભારત માટે માનવધર્મને પ્રજ્જવલિત કરતું ગૌરવપ્રદ ધામ છે.

જલારામબાપાના ગુરૃ અમરેલીના ફતેપુર ગામના સંત ભોજલરામ હતા, તેઓની પ્રેરણા, માર્ગદર્શન અને આદેશથી જલારામબાપાએ વીરપુરમાં સંવત-૧૮૭૬ની મહાસુદ બીજના દિવસે ભૂખ્યાજનોને ભોજન આપવાનો પ્રારંભ કર્યો હતો. અનેક કુદરતી આફતો આવી, દુષ્કાળ પડ્યા, શાસનો બદલાયા અને સમય બદલાયો, પરંતુ જલારામ બાપાનું સદાવ્રત અવિરત ભૂખ્યાજનોને ભોજન આપતું રહ્યું છે, અને ૨૦૦ વર્ષ પછી પણ આ સદાવ્રત એટલું જ પાવન અને પ્રવૃત્ત રહ્યું છે, તેમાં જલારામ બાપાની કોઈ ચમત્કારિક અથવા દૈવી પ્રેરણા જ કારણભૂત છે અને બાપા હજુ પણ આ પાવનધામમાં હાજરાહજુર છે, તેવી શ્રદ્ધા જલારામભક્તોમાં તરબતર રહી છે, અને તેના દૃષ્ટાંતો પણ અવારનવાર જાહેર થતા રહે છે. વીરપુરમાં સાક્ષાત જલારામ બાપાની અનુભૂતિ થાય છે.

વીરપુરમાં ૧૮ થી ૨૬મી જાન્યુઆરી સુધી આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ પ્રસંગની ઉજવણીમાં રઘુવંશી સમાજ તો મોખરે હોય જ, પરંતુ સર્વજ્ઞાતિ-સમૂદાયો પણ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી માટે થનગની રહેલા જોવા મળી રહ્યા છે. વીરપુરમાં શરૃ થયેલી આ ઉજવણી તા. ૨૬મી જાન્યુઆરી સુધી ચાલશે. દેશભરમાં પ્રજાસત્તાક પર્વની તૈયારીઓ ચાલી રહી છે, અને રાજકોટમાં રાજ્યકક્ષાનું પ્રજાસત્તાક પર્વ પણ ઉજવાઈ રહ્યું છે, ત્યારે વીરપુરમાં જલારામ બાપાના સદાવ્રતના દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનો સંગમ થતા જાણે માનવધર્મ અને રાષ્ટ્રધર્મનું અદ્દભુત સંયોજન થયું છે.

આજે વીરપુર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. રંગબેરંગી રંગોળીઓ, રોશની અને સુશોભનથી જલાબાપાની નગરી ઝળહળી રહી છે. ધજા-પતાકાઓ અને શણગાર સાથે જલાબાપાનું મંદિરનું સુશોભન કરાયું છે. આજથી જ મોરારિબાપુની કથાનું આયોજન પણ થયું છે. જેની પોથીયાત્રામાં ગોપાલક, મુસ્લિમ સમાજ સહિતના તમામ જ્ઞાતિ સમાજો શણગારેલા ગાડા અને ભાતીગળ વેશભૂષા સાથે જોડાવાના આયોજને એક અલગ જ આભા ઊભી કરી છે. આજે વીરપુર મંદિરમાં સદાવ્રત માટે દાન-દક્ષિણા-ફાળો કોઈ પાસેથી લેતા નથી તેને ૨૦ વર્ષ થયા છતાં અવિરત બે ટાઈમ જલારામ ભક્તોને મહાપ્રસાદ પીરસાઈ રહ્યો છે.

હાલારમાં પણ જલારામ બાપાના મંદિરો સુશોભિત કરાયા છે. અને વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. હાપાના જલારામ મંદિરે સર્વજ્ઞાતિ વડીલ વંદના સાથે રોટલા ઉત્સવ ઉજવાયો હતો. હાપાના જલારામ મંદિરે પણ ધામધૂમથી આ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. બાપાની પ્રેરણાથી બે દસકા કરતા વધુ સમયથી જલારામ સેવા ટ્રસ્ટ કાર્યરત છે. ભૂખ્યા જનોને ભોજન અને ઘરવિહોણા લોકોને આશ્રય આપવાની સેવાપ્રવૃત્તિ વિસ્તારવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા જામનગરમાં ૨૦૦ જગ્યાએ ગઈકાલે ભોજન પ્રસાદી સ્વરૃપે ખીચડીનું વિતરણ કરાયું અને નિઃશુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પ-રોટલા અન્નકોટ પણ યોજાયો.

જલારામ બાપાનું વ્યક્તિત્વ દંભરહિત વિવેકપૂર્ણ માનવસેવા અને માનસેવા એ જ પ્રભુસેવાની પ્રેરણા આપે છે. જલારામબાપા અને વીરબાઈમાની તે સમયની આ પ્રકારની સેવા કઠણ, કસોટીરૃપ અને ખૂબ જ પરિશ્રમ માંગી લે તેવી હતી, પરંતુ જેના રૃવાડે રૃવાડે રામ વસેલા હોય, માનવસેવાની ભેખ લીધી હોય અને અભિમાન કે અવિવેક જેનાથી જોજનો દૂર હોય, તેના માટે માનવ સેવા જ સાચી પ્રભુભક્તિ હોય છે. 'નોબત' પરિવાર અને માધવાણી પરિવારના પૂ.જલારામ બાપા ને કોટિ કોટિ વંદન...

-આલેખનઃ વિનોદ કોટેચા

close
Nobat Subscription