બુદ્ધનગરમાં વૃદ્ધ પર ચાર શખ્સોનો હુમલો

જામનગર તા. ૧૯ઃ જામનગરની સોનાપુરી પાસે બુદ્ધનગરમાં આજે સવારે એક વૃદ્ધ પર રીક્ષામાં આવેલા ચાર શખ્સોએ હુમલો કરી બેફામ માર માર્યાે હતો. પાડતોડ અંગે અરજી કરનાર આ વૃદ્ધે થોડા દિવસ પહેલાં જ પોલીસ પાસે રક્ષણ માંગ્યું હતું. તે દરમ્યાન આજે તેમના પર હુમલો થયો છે.

જામનગરના નાગનાથનાકા ૫ાસે આવેલા સ્મશાન નજીકના બુદ્ધનગરમાં રહેતાં જી.જી. હોસ્પિટલના નિવૃત્ત કર્મચારી દેવજીભાઈ જીવાભાઈ ધુલીયા નામના ૬૯ વર્ષના વૃદ્ધ પર આજે સવારે એક રીક્ષામાં ધસી આવેલા ચાર જેટલા શખ્સોએ છરી, પાઈપ વડે હુમલો કરતાં આ વૃદ્ધને હાથ, માથા, કાન સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે.

હુમલો કરી આરોપીઓ નાસી છુટયા હતાં. સ્થળ પર હાજર લોકોએ દેવજીભાઈએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા છે. બનાવની જાણ થતાં જામનગરના પૂર્વ ડે. મેયર ગોવીંદભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ દોડી ગયા હતાં. વધુમાં જાણવા મળ્યા મુજબ દેવજીભાઈએ અગાઉ પાડતોડ માટેની એક અરજી કરી હતી. જેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ વૃદ્ધે પોતાના પર હુમલો થઈ શકે તેમ છે તેવી આશંકા સાથે પોલીસ પ્રોટેકશન પણ માંગ્યું હતું. તે દરમ્યાન આજે સવારે તેમના પર હુમલો થયો છે.

close
Nobat Subscription