લોકસભા ચૂંટણીઃ વારાણસી બેઠક અંગે તેજ બહાદુરની અરજીથી નમોને નોટીસ

અલ્હાબાદ તા. ૨૦ઃ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીમાંથી વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર બીએસએફના બરતરફ જવાન તેજ બહાદુર યાદવે અલ્હાબાદ હાઈકોર્ટમાં નરેન્દ્ર મોદીની ચૂંટણીને પડકારતી પીટીશન કરતા અલ્હાબાદ હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોટીસ ઈસ્યુ કરી છે. આ કેસની સુનાવણી તા. ૨૧મી ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

તેજ બહાદુર યાદવે તેની પીટીશનમાં જણાવ્યું છે કે તેનું ઉમેદવારી પત્ર ખોટી રીતે રદ કરવામાં આવ્યું હોય મોદીની સંસદ સભ્ય તરીકેની આ બેઠકની ચૂંટણી રદબાતલ કરવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેજ બહાદુરે બીએસએફમાં ફરજ પર હતા ત્યારે જાન્યુઆરી, ૨૦૧૭માં તેમના ભોજનમાં પાણી જેવી દાળ અને બળેલી રોટલી અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં મૂક્યો હતો. જેના કારણે બીએસએફમાંથી તેને ગેરશિસ્ત અંગે નોકરીમાંથી બરતરફ કરાયા હતા.

તેનું ઉમેદવારી પત્ર ચૂંટણી પેનલે સિક્યોરીટી ફોર્સમાંથી બરતરફ કરવા અંગેના કાગળો રજુ કર્યા નથી. તેમ જણાવી રદ કર્યું હતું. ચૂંટણી પેનલે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર કે સરકાર પ્રત્યે બીન વફાદારી અંગે જો કર્મચારીને બરતરફ કરાય તો તે પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા ગેરલાયક ઠરે છે. ચૂંટણી પંચે તેની પાસેથી બીએસએફનું એનઓસી પણ માંગ્યું હતું. તેજ બહાદુરે સર્વોચ્ય અદાલતમાં પણ ચૂંટણી પંચના નિર્ણય સામે પીટીશન કરી હતી. પણ સર્વોચ્ય અદાલતે તેની પીટીશન ફગાવી દીધી હતી.

close
Nobat Subscription