મોબ લિન્ચીંગને રાષ્ટ્રીય સમસ્યા ગણી કાયદો બનાવવા ઊઠતી માંગણી

નવી દિલ્હી તા. ર૦ઃ દેશના વિવિધ રાજ્યોમાં મોબ લિન્ચીંગની ઘટનાઓ વધી રહી છે. લોકોની ભીડ દ્વારા કાયદો હાથમાં લઈને કોઈને થતી મારપીટ, સામૂહિક અપમાન સાથે હુમલો અને મારી મારીને હત્યા કરવા સુધીની ઘટનાઓ વધી રહી છે, તેથી હવે આ સમસ્યાને રાષ્ટ્રીય મુદ્દો ગણીને તેના પર સંસદમાં કાનૂન ઘડવાની માંગણી જોર પકડી રહી છે. કાયદો વ્યવસ્થાની બાબત રાજ્યોની જવાબદારી હોવાથી રાજ્યોએ પણ તેમની વિધાનસભામાં આ અંગે ચર્ચા કરીને પ્રવર્તમાન કાનૂનો સુધારવા જોઈએ અથવા તે માટે કેન્દ્રને દરખાસ્ત કરવી જોઈએ. તાજેતરમાં બિહારના છપરામાં ઢોરના ચોર માનીને ત્રણ વ્યક્તિની મારી મારીને હત્યા કરી નંખાઈ. રાજસ્થાનના અલવર પાસે એક બાઈક સવારે અકસ્માત કરતા લોકોના ટોળાએ બાઈક સવારને જ મારી નાંખ્યો. જ્યારે બેર ગામમાં તો જમીનના મામલે કેસના સંદર્ભે પૂછપરછ કરવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલને જ લોકોની ભીડે પતાવી દીધો. આવી જ ઘટનાઓ ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઝારખંડ સહિત દેશભરમાં બની રહી છે. ક્યાંક શ્રીરામ કે બજરંગબલીનું નામ લેવાની ફરજ પડાય છે, તો ગુજરાતના સુરત જેવા શહેરમાં વિદ્યાર્થીઓની બસ પર લોકોનું ટોળું હુમલો કરે છે. આ પ્રકારની ડઝનેક ઘટનાઓ છેલ્લા દસ દિવસ બની છે, અને તેના પડઘા સંસદમાં પણ પડી રહ્યા છે.

close
Nobat Subscription