ખંભાળિયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પી.એસ. જાડેજા દ્વારા કેટલાક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ પી.એસ. જાડેજાએ આગામી સંકલન સહ ફરિયાદ સમિતિમાં સાત પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં, સલાયા નગરપાલિકામાં સીસી રોડ તથા પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય, તેની તપાસ કરવા અને દોષીતો સામે કાર્યવાહી કરવા, વીન્ડમીલ હેતુ માટે લીઝ પર ભાડા પટે અપાયેલ જમીન અંગે પ્રશ્નો રજૂ કર્યા છે. ઉપરાંત એસ્સાર બલ્ક ટર્મીનલ (સલાયા) લિ.ને ડ્રાપ કાર્ગોની આયાત-નિકાસ કરવાની મંજુરી અને અન્ય આયાત-નિકાસ બાબત, ભાણવડ તાલુકાના વેરાડ ગામની સરકારી પડતર તથા ગૌચરની જમીનના દબાણ દૂર કરવા તથા ઉપરાંત કંપની દ્વારા ફેલાતા પ્રદૂષણ અંગે હુકમની અમલવારી કરવા તથા આ કંપનીને સંપાદનથી ખાનગી માલિકીની તથા કલેક્ટર દ્વારા ફાળવાયેલ જમીન ઉપર બાંધકામ બાબતે, કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામની દરિયા કાંઠાની બિન નંબરે, બિન આકારી જમીન આરએસપીએલ કંપનીને ખોટી રીતે ફાળવણી કરવામાં આવી હોય તે સરકારમાં પરત લેવાનો સમાવેશ થાય છે.