જામનગર તા. ૨ઃ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા લોકોના આરોગ્ય અને દર્દીઓની સુવિધાઓ વિષે હંમેશાં ચિંતા કરતા રહ્યા છે, ત્યારે રાજ્યમંત્રીશ્રીએ દર્દીઓની પરિસ્થિતિ અને તેમને મળતી આરોગ્યલક્ષી સુવિધાઓ વિષે જી.જી. હોસ્પિટલના વિવિધ વિભાગોની સમીક્ષા મુલાકાત લીધી હતી.
જેમાં જી.જી. હોસ્પિટલમાં આવતા દર્દીઓને આપવામાં આવતા સ્વચ્છ અને પોષણયુક્ત આહાર માટે હોસ્પિટલના રસોડાની અને ડાયટિશિયનની મુલાકાત લીધી હતી તેમજ જુની અને નવી જી.જી. હોસ્પિટલની બિલ્ડીંગો વચ્ચે દર્દીઓને વોર્ડમાં ટ્રાન્સફર કરવા માટેના રસ્તાની સુવિધાઓનું પણ તેમણે અવલોકન કરી આવશ્યક જરૃરિયાતો પરિપૂર્ણ કરવા સૂચના આપી હતી. આ સાથે જ હોસ્પિટલમાં નવનિર્માણ પામતા વોક-વે અને ગાર્ડન એરિયાની જરૃરિયાતોને ધ્યાનમાં રાખીને પણ કામગીરી માટે સૂચનો કર્યા હતાં. તદુપરાંત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની સુરક્ષા અને જી.જી. હોસ્પિટલમાં થતા ટ્રાફિકના પ્રશ્નો અંગે પણ હોસ્પિટલના સુરક્ષા વિભાગ સાથે ચર્ચા કરી આવશ્યક પગલાં લેવા માટે જણાવ્યું હતું.
આ મુલાકાતમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોષી, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, જી.જી. હોસ્પિટલના ડીન નંદીની દેસાઈ, સુપ્રિટેન્ડેન્ટ નંદિની બાહીરી તેમજ વિવિધ વિભાગના ડોક્ટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.