આરીખાણામાં નદીએ કપડા ધોવા ગયેલા મહિલાનું લપસી પડતા મૃત્યુ

જામનગર તા. ૮ઃ લાલપુરના આરીખાણામાં નદીએ કપડા ધોવા ગયેલા મહિલા અકસ્માતે નદીમાં ખાબકી જતા મોતને શરણ થયા છે જ્યારે નગરના એક પ્રૌઢને ઝેરી જનાવર કરડી જતા અને એક પ્રૌઢનું કેન્સર થયા પછી મૃત્યુ થયું છે.

લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં રહેતા ધનબાઈ રોહીતભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષના પરિણીતા ગઈકાલે બપોરે આરીખાણાની સીમમાં આવેલી નદીએ કપડા ધોવા માટે ગયા હતાં. આ વેળાએ તેણીનો પગ લપસી જતા નદીમાં ખાબકી ગયા હતાં. આ મહિલાને બહાર કાઢવામાં આવ્યા તે પહેલાં વધુ પડતુ પાણી પી જવાથી તેણીનું મૃત્યુ નિપજ્યાનું છગનભાઈ હરજીવન મકવાણાએ પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૪૫ પાછળ આવેલા હરીજનવાસમાં રહેતા અનોપભાઈ બાવજીભાઈ કબીરા (ઉ.વ. ૫૬) નામના પ્રૌઢને ગઈ તા. ૩૧ની રાત્રે જ્યારે તેઓ નિદ્રાધીન હતા ત્યારે પગની ઘુંટીમાં કોઈ ઝેરી જીવડુ કરડી ગયું હતું. આ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. વિવેકભાઈ કબીરાએ પોલીસને જાણ કરી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ. ૫૬) નામના પ્રૌઢ બે વર્ષથી મ્હોંના કેન્સરથી પીડાતા હતાં. તેઓની તબિયત ગઈકાલે લથડ્યા પછી તેઓનું મૃત્યુ થયાનું મહાવીરસિંહ જાડેજાએ પોલીસમાં જાહેર કર્યું છે.

close
Nobat Subscription