તાપમાનમાં ઘટાડોઃ મહત્તમ ૩૦.પ ડીગ્રી

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં છેલ્લા સાતેક દિવસથી ભેજનું પ્રમાણ ૯પ ટકાથી વધુ રહેતા નગરજનો બફારાથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે. તળાવો, નદીઓ અને ડેમો પાણીથી લબાલબ ભરાઈ ગયા છે. પાણીનો જથ્થો મોટી માત્રામાં જમા થતાં લોકો અને તંત્ર બન્ને ખુશખુશાલ થઈ ગયા છે.

જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન અને સતત મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે છેલ્લા સાતેક દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકા કે તેથી વધુ જોવા મળી રહ્યું છે.

ભેજનું પ્રમાણ વધુ રહેવાથી બફારો પણ યથાવત્ રહેતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. પંખા કે એસીથી દુર થોડીવાર કામ કરવાની સાથે જનતા પરસેવે રેબઝેબ બની જાય છે. જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે એક જ દિવસમાં તાપમાનમાં દોઢ ડીગ્રીનો ઘટાડો થયો હતો. જેના પગલે મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રીની અંદર આવી ગયું હતું.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૬.૮ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Nobat Subscription