ખંભાળીયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના દાંતા ગામે સ્વ. શિવરાજસિંહ જાડેજાના જન્મદિવસની સ્મૃતિમાં દાંતાની સરકારી શાળામાં મહારક્તદાન કેમ્પ યોજાયો હતો તેમાં ગુજરાત રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હાજરી આપી હતી.
આ કેમ્પના કાર્યક્રમમાં લોકોને સંબોધતા મંત્રીએ જણાવ્યું કે, રક્તદાન એજ મહાદાન છે. લોહીએ એક જ એવી વસ્તુ છે જે વૈજ્ઞાનિકો પણ તેનું ઉત્પાદન કરી શકતા નથી અને લોકો આ મહારક્તદાનમાં લોહી આપીને બીજા લોકોને નવું જીવન આપી રહ્યા છે. તેમજ તેમણે શાળાના આચાર્યને જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા તેમને અભિનંદન આપ્યા હતા. અને આ રક્તદાનમાં લોહી આપનાર તમામ લોકોને રાજ્યસરકાર વતી અભિનંદન આપ્યા હતા. તેમજ રક્તદાનમાં રક્તદાન કરનાર લોકોની શુભેચ્છા મુલાકાત પણ કરી હતી.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નરિયાપરા રવિકુમારે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. અને મંત્રીએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ લાખાભાઈ પિંડારીયા, દાંતા ગામના ઉપસરપંચ, દાંતા ગામની શાળાનો સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.