'નોટબંધી'એ દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરીઃ 'તઘલખી' નિર્ણય માટે જવાબદાર કોણ?ઃ પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી તા. ૮ઃ આજે નોટબંધીને ત્રણ વર્ષ પૂરા થતાં વિપક્ષોએ આકરા પ્રત્યાઘાતો આપવાનું શરૃ કર્યું છે. પ્રિયંકા ગાંધીએ તીખો પ્રહાર કર્યો છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોટબંધી વિશે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ આજે ટ્વિટ કર્યું કે, 'નોટબંધીને ૩ વર્ષ થઈ ગયા. સરકાર અને તેમના ચમચાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, 'નોટબંધી દરેક મુશ્કેલીઓનો ઉકેલ છે.' આ દરેક દાવા હવે ધીમે ધીમે ખોટા સાબિત થઈ રહ્યા છે. નોટબંધી એક ડિઝાસ્ટર હતું જેણે આપણી દરેક અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. હવે આ તઘલખી નિર્ણયની જવાબદારી કોણ લેશે?' મોદી સરકારે ૮ નવેમ્બર ર૦૧૬ ના નોટબંધી કરી હતી. આજે તેને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે. પ્રિયંકાએ ગઈકાલે પણ અર્થવ્યવસ્થા વિશે ટ્વિટ કર્યું હતું. દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ એકદમ નબળી છે. સેવા સેક્ટર ઉંધા માથે પડ્યું છે. રોજગારી ઘટી રહી છે. શાસન કરનાર લોકો તેમનામાં જ મસ્ત છે, જનતા દરેક ક્ષેત્રે ત્રાસી ગઈ છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વિટ કર્યું છે કે, 'મેં નોટબંધીની જાહેરાત પછી તુરંત જ કહ્યું હતું કે, આ અર્થવ્યવસ્થા લાખો લોકો માટે વિનાશકારક સાબિત થશે. પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકો પણ આ વાતે સહમત છે. આરબીઆઈના  આંકડાઓએ પણ આ વાત માની છે. નોટબંધી પછીથી આર્થિક મુશ્કેલીઓ શરૃ થઈ છે. ખેડૂત, યુવક, કર્મચારી અને વ્યાપારી દરેક પર તેની ખરાબ અસર થઈ છે.'

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ નોટબંધીની ત્રીજી વર્ષગાંઠ પર મોદી સરકારને આડે હાથે લેતા કહ્યું કે, દેશ પર નોટબંધીનો આતંકી હુમલો કરનારા ગુનેગારોને હજુ સુધી પકડવામાં આવ્યા નથી અને દેશની જનતાને આજે પણ અન્યાયનો ન્યાય મળ્યો નથી.

રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે, 'ત્રણ વર્ષ પહેલા આજના દિવસે નોટબંધી કરાઈ હતી જેના કારણે ભારતીય અર્થવ્યવસ્થા હચમચી ગઈ હતી. કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા, લાખો નાના મોટા વેપારીઓ કંગાળ થઈ ગયા લાખો ભારતીય બેરોજગાર થઈ ગયા હતા. જે લોકોએ દેશ પર આતંકી હુમલો કરાવ્યો હતો તેવા ગુનેગારોને  હાલ પણ ઉઘાડા કરાતા નથી. દેશની જનતાને તેમની સાથે થયેલા અન્યાયનો ન્યાય આજે પણ મળ્યો નથી.

કોંગ્રેસ સંચાર વિભાગના પ્રમુખ રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, ત્રણ વર્ષ પહેલા લેવાયેલા આ નિર્ણયની સજા દેશ આજે પણ ભોગવી રહ્યો છે, તેમણે કહ્યું કે, 'સુલતાન મોહમ્મદ બિન તુગલકે વર્ષ ૧૩૩૦માં દેશની મુદ્રાને બેકાર કરી દીધી હતી. આઠમી નવેમ્બર, ૨૦૧૬ના આજના સમયના તુગલકે પણ આવું જ કર્યું. ત્રણ વર્ષ ગુજરી ગયા પણ દેશ હાલ પણ તેની સજા ભોગવી રહ્યો છે. કારણકે અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ, રોજગારી પડી ભાંગી અને આતંકવાદ પણ થોભ્યો નથી. આ બધાનો જવાબદાર કોણ છે?

close
Nobat Subscription