યુવતીને નસાડી જવાના પ્રશ્ને પીરલાખાસરમાં એક યુવાન પર યુવતીના પરિવારજનોનો હુમલો

જામનગર તા. ૧૧ઃ ધ્રોલમાં એક યુવાનને ગઈકાલે રાત્રે ચાર શખ્સોએ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી જ્યારે ખંભાળીયાના પીરલાખાસરના એક યુવાન યુવતીને નસાડી ગયો હોય ઉશ્કેરાયેલા તે યુવતીના નવ પરિવારજનોએ તે યુવાનના ભાઈને ધોકાવી નાખ્યો છે.

ધ્રોલમાં પીયાવા ચોકડી પાસે રહેતા મચ્છાભાઈ નાગજીભાઈ બાંભવા નામના ભરવાડ યુવાન ગઈકાલે રાત્રે ભેસદડ ચોકડી પાસે હતા ત્યારે ત્યાં ધસી આવેલા રાણાભાઈ જેઠાભાઈ બાંભવા, ટીડાભાઈ જેઠાભાઈ, પરબતભાઈ રાણાભાઈ, ઈન્દુભાઈ મેભાભાઈ નામના ચાર શખ્સોએ મચ્છાભાઈને ગાળો ભાંડી લાકડી વડે માર માર્યો હતો. ત્યારપછી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતાં. ધ્રોલ પોલીસે મચ્છાભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

ખંભાળીયા તાલુકાના પીર લાખાસર ગામના આરીફ આમદભાઈ ખુરેશી નામના યુવાનને સોમવારે બપોરે પીર લાખાસરના જ આરીફ ઓસમાણ ભટ્ટી, મહેબુબ દોસમામદ ભટ્ટી, હાજી હોથી, ઈસા હાજી, ઈકબાલ મુસા, યુનુસ ઓસમાણ, અસગર જુમા, કારા હુસેન તથા ઈરફાન જુમા ભટ્ટી નામના નવ શખ્સોએ ઘેરી લઈ કુહાડો તથા લાકડી વડે માર માર્યો હતો.

અગાઉ આરીફનો મોટો ભાઈ સુમા તારમામદની પુત્રીને ભગાડી ગયો હતો. ત્યારથી ઊભા થયેલા મનદુઃખનો ખાર રાખી આ હુમલો કરાયો હોવાનું આરીફે પોલીસમાં જણાવી ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Subscription