અંગ્રેજી શરાબની હેરાફેરી કરતી મોટર ઝડપાઈ

જામનગર તા. ૧૩ઃ ખંભાળીયામાંથી શનિવારે રાત્રે પસાર થતી એક મોટરમાંથી પોલીસે અંગ્રેજી શરાબ ભરેલી ૧૯ પેટી સાથે વડત્રાના શખ્સની ધરપકડ કરી છે. તેણે પોતાના સાગરિતનું નામ આપ્યુ છે. ખંભાળીયાના રેલવે ફાટક પાસેથી શનિવારે રાત્રે પસાર થતી જીજે-૧૦-ડીએ-૨૮૨૨ નંબરની ઈક્કો મોટરને પેટ્રોલીંગમાં રહેલા સ્થાનિક પોલીસના સ્ટાફે શકના આધારે રોકાવી હતી. આ મોટરની તલાસી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૨૮ બોટલ શરાબ ભરેલી ૧૯ પેટી મળી આવી હતી. પોલીસે રૃા. ૧,૧૪,૦૦૦ની કિંમતનો શરાબનો જથ્થો તથા રૃા. ૩,૦૦,૦૦૦ની મોટર સાથે ખંભાળીયા તાલુકાના વડત્રા ગામના ધર્મેન્દ્રસિંહ રામસંગજી જાડેજા નામના શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે પોતાના સાગરીત રાજભાનું નામ આપ્યુ છે. પોલીસે તેની શોધ શરૃ કરી છે.

close
Nobat Subscription