દ્વારકામાં આયુર્વેદ દોડ તથા નિદાન સારવાર કેમ્પ

દ્વારકા તા. ૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ચોથા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે આયુર્વેદ દોડ દ્વારકામાં યોજવામાં આવી હતી.

જેમાં ઈસ્કોન ગેઈટથી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે માણેક ચોક, દ્વારકાધીશ મંદિર થઈને ફરી ઈસ્કોન મંદિરે પહોંચી હતી. જયાં દોડને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. દોડમાં એરફોર્સ, એક્સ આર્મીમેન, વિદ્યાર્થીઓ વિગેરે લોકો જોડાયા હતાં. આ દોડથી લોકોમાં સ્વાસ્થ્ય અને આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

દોડની સાથે-સાથે સ્વાસ્થ્ય વર્ધક ઉકાળાનું વિતરણ દ્વારકાના દ્વારકાધીશ મંદિર, ઈસ્કોન ગેઈટ અને એરફોર્સ સ્ટેશનમાં કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ભગવાન ધન્વંતરિના પ્રાક્ટયને અનુલક્ષી ઉજવાતો હોવાથી શ્રી ધન્વંતરિ ભગવાનનું પૂજન અને હવનનો કાર્યક્રમ એરફોર્સ સ્ટેશન, દ્વારકામાં કરવામાં આવ્યો હતો. આ સાથે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પથી પંચકર્મ ઉપચાર, સુવર્ણપ્રાશન, પ્રકૃતિ પરીક્ષણ અને મર્મચિકિત્સાનો લાભ દર્દીઓને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ આયુષ અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit