ખંભાળીયા પાસેથી સત્ત્યાવીસ બોટલ પકડાઈઃ વરવાળાની વાડીમાંથી મળ્યો શરાબ

ખંભાળીયા તા. ૧૨ઃ ખંભાળીયામાં ગઈકાલે બે મોટરસાયકલમાં પસાર થતા ત્રણ શખ્સોને પોલીસે રોકી તલાસી લેતા અંગ્રેજી શરાબની ૨૭ બોટલ મળી છે. બે શખ્સો ત્રીજાને શરાબની ડિલીવરી દેવા આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે જ્યારે વરવાળાની એક વાડીમાંથી પોલીસને દસ બોટલ સાંપડી છે.

ખંભાળીયામાં ગઈકાલે સાંજે સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ તથા એ.ડી. જાડેજા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગંગાજમના હોટલ નજીકના સ્મશાન પાસેથી બે મોટરસાયકલમાં પસાર થયેલા ત્રણ શખ્સોને પોલીસે શકના આધારે રોકાવી તલાસી લીધી હતી. આ શખ્સોના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૭ બોટલ મળી આવી હતી. પોલીસે કલ્યાણપુર તાલુકાના આસીયાવદર ગામના અજયસિંહ વિભાજી જાડેજા તથા ખંભાળીયાના યોગેશ્વરનગરમાં રહેતા ધીરેન મનુભાઈ સોલંકી અને હર્ષ ઉર્ફે કાનો રામભાઈ નંદાણીયા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી.

ત્રણેય આરોપીઓની પુછપરછ કરાતા ખંભાળીયાના હર્ષ રામભાઈને અંગ્રેજી શરાબની બોટલની અજયસિંહ તથા ધીરેન મનુભાઈ ડિલીવરી આપવા આવ્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે બંને મોટરસાયકલ તેમજ શરાબનો જથ્થો મળી કુલ રૃા. ૪૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દ્વારકાના વરવાળા વાડી વિસ્તારમાં આવેલી રમેશ રણમલભાઈ રોશીયા નામના શખ્સની વાડીમાં ગઈકાલે સાંજે દ્વારકા પોલીસે પૂર્વબાતમીના આધારે દરોડો પાડી અંગ્રેજી શરાબની દસ બોટલ કબજે કરી છે. આરોપી રમેશને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit