જામનગર તા. ૧૨ઃ જામનગરના વાઘેરવાડામાં ગઈરાત્રે એક યુવાન પર અગાઉના મકાન ખરીદવા બાબતના ઝઘડાના કારણે ત્રણ શખ્સોએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરના વાઘેરવાડામાં રહેતા હૈદર ઈબ્રાહીમભાઈ ગજીયા ગઈરાત્રે એકાદ વાગ્યે પોતાના ઘર પાસે આવેલી હોટલ પાસેથી પસાર થતા હતાં ત્યારે તેમના પર હસન હારૃન બસર, કાસમ હારૃન, મહેબુબ અબ્દુલ મકવાણા નામના ત્રણ શખ્સોએ પાઈપ, છરી વડે હુમલો કરી માર માર્યો હતો. જેની સારવારમાં ખસેડાયેલા હૈદર ગજીયાએ ફરિયાદ નોંધાવી છે. એકાદ વર્ષ પહેલાં હૈદરનું મકાન ખરીદવા બાબતે હસન હારૃન સાથે બોલાચાલી થઈ હતી. તે પછી હૈદર અને આરોપીઓ વચ્ચે એકાદ મહિના પહેલાં મારામારી થઈ હતી. તેનો ખાર રાખી ગઈરાત્રે આરોપીઓ તૂટી પડ્યા હતાં. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધ શરૃ કરી છે.