હર્ષદ રિબડિયાનું દેવા માફીનું બિલ વિધાનસભામાં નામંજુરઃ ખેડૂતોના દેવા માટે સરકાર જવાબદારઃ ધારાસભ્ય વિક્રમભાઈ

ગાંધીનગર તા. ૧રઃ ગઈકાલે વિધાનસભામાં ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ રજૂ કરેલું ખેડૂતોના દેવા માફીનું બિલ વ્યાપક ચર્ચા પછી બહુમતીના જોરે નામંજુર કરાયું હતું.

ગઈકાલે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ખેડૂતોના દેવા માફ કરવા પ્રાઈવેટ બિલ રજૂ કર્યું હતું, જેને ચર્ચા પછી બહુમતિના જોરે નામંજુર કરાયું હતું.

બિલ રજૂ કરતા રિબડિયાએ કહ્યું કે આપણો કૃષિ વિકાસ દર ૪.ર ટકા છે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી પહોંચાડી શકતા નથી. ખેડૂતો જે પાકો પકવે છે, તેની ૭પ ટકા ચીજોની ટેકાના ભાવે ખરીદી સરકાર કરતી નથી, તેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. ખેતીના સાધનો પર પણ જીએસટી ઉઘરાવાય છે.

હર્ષદ રિબડિયાના આ બિલને શાસક પક્ષનું સમર્થન મળ્યું નહોતું અને ભાજપના ધારાસભ્યોએ બિલના સમર્થનમાં મત નહીં આપતા વિધાનસભામાં બિલ નામંજુર થયું હતું. આ સમયે વિધાનસભા સંકુલમાં જય જવાન જય કિસાનના નારા લાગ્યા હતાં.

રિબડિયાએ આ અંગે પ્રત્યાઘાત આપતા કહ્યું કે ભાજપ શરૃઆતથી જ આ બિલના વિરોધમાં હતો. ગુજરાતના ખેડૂતો ૮૩ હજાર કરોડના દેવામાં ડૂબેલા છે, પરંતુ ભાજપ ખેડૂતોનું હિત ઈચ્છતો નથી. ભાજપની સરકાર હત્યારી, પાપી અને ખેડૂતવિરોધી છે. ખેડૂતો ઊંચુ વ્યાજ આપીને મંડળીના ધિરાણો ચૂકવતા હોય છે, ત્યારે તેને ટેકાની જરૃર હતી, પરંતુ ભાજપના ધારાસભ્યોએ સાથ આપ્યો નથી.

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં ખેડૂતોના દેવા માફ થયા હતાં, પરંતુ ભાજપના શાસનમાં ખેડૂતો ફરીથી દેવાદાર કેવી રીતે બની ગયા, તેનો જવાબ સરકારે આપવો જોઈએ. સરકારે નકલી બિયારણ વેંચતા લોકો સામે કડક પગલાં લેવા જોીઈએ. ખેડૂતો પહેલી વખત ધારાસભ્યો પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા હતાં. તેમણે કહ્યું કે, ભાજપના શાસનમાં છેલ્લા વીસ વર્ષમાં એક પણ મોટો ડેમ બન્યો નથી.

ભાજપના નરેશ પટેલે કહ્યું કે સરકાર કૃષિ ઓજારો ખરીદવામાં ખેડૂતોને મદદ કરે છે. ભૂતકાળમાં દેવા માફી પછી પણ ખેડૂતોની સ્થિતિ સુધરી નહોતી. ખેડૂતોને સક્ષમ બનાવવા સરકારે શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. રાજ્યના ર૮ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન નીધિ યોજનાનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. ભાજપની સરકારે જ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવાનો પ્રારંભ કર્યો છે. કોંગ્રેસે દેવામાફીની વાત કરીને ગૂમરાહ કરી રહી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે ભૂતકાળમાં દેવામાફીની જાહેરાત થઈ હતી, પરંતુ કોંગ્રેસના શાસનમાં તેને આનુસાંગિક કામગીરી નહીં કરાતા ખેડૂતો ફરીથી દેવાદાર બન્યા હતાં. આ મુદ્દે કેટલાક લોકોની પીન દેવામાફી પર જ ચોંટી ગઈ છે. કોંગ્રેસના મિત્રો ખેડૂતોને બદનામ કરવાનું બંધ કરે.

તેમણે કહ્યું કે વર્ષ ર૦૧૪-૧પ માં ખેડૂતોએ જે ધિરાણો લીધા હતાં, તેના ૮૯ ટકા પરત કર્યા છે, જ્યારે વર્ષ ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮ માં પણ ૯પ ટકા ધિરાણો પરત કર્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં પણ ખેડૂતોએ લોન મોટાભાગે પરત કરી છે, જેથી ખેડૂતોના નામે રાજનીતિ બંધ થવી જોઈએ.

આમ ભાજપ-કોંગ્રેસના આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે ખેડૂતોના દેવામાફીનું ખાનગી બિલ વિધાનસભામાં નામંજુર થયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit