Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણે સામાન્ય તાવ, શરદી, દુઃખાવો કે નાની-મોટી તકલીફ હોય તો પહેલા દેશી ઓસડિયા કરતા હતા અને કેટલીક રસોડામાં ઉપલબ્ધ ચીજ-વસ્તુઓનો ઔષધિ તરીકે ઉપયોગ કરતા તો ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ વનસ્પતિ કે બાહ્ય ઉપચારો કરી લેતા હતા. હવે આરોગ્ય અને તબીબી સેવાઓનો સરકારી અને ખાનગીક્ષેત્રે વ્યાપ વધી રહ્યે છે ત્યારે આપણે હવે વિવિધ પ્રકારની તબીબી વ્યવસ્થાઓનો લાભ લેતા થયા છીએ અને એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ પણ કરતા થયા છીએ, અને એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, એક્યુપ્રેશર, એક્યુપંકચર, સુજોક થેેરાપી, ફિઝીયોથેરાપી વગેરે વિવિધ પ્રકારની સારવાર પદ્ધતિઓ અપનાવતા હોઈએ છીએ, અને કોઈપણ પ્રકારની સારવાર તબીબ, વૈદ્ય કે આર.એમ.પી. જેવા માન્ય તથા વિશ્વસનિય નિષ્ણાતોના નિદાન-સારવાર પછી જ થાય, તે ઈચ્છનિય પણ હોય છે.
જો કે, હવે ગ્રામ્ય વિસ્તારો સુધી મેડિકલ સ્ટોર્સ ઉપલબ્ધ બન્યા છે, તથા આપણે આપણાં ઘરોમાં પણ ફર્સ્ટ-એઈડ બોક્સ વસાવીને જુદી-જુદી પ્રકારની પ્રાથમિક સારવારની ચીજવસ્તુઓ રાખતા થયા છીએ, તે સારી વાત છે અને ઈમરજન્સી કે દૂર્ગમ વિસ્તારોમાં મોડી રાત્રે કે વિપરીત અનિવાર્ય સંજોગોમાં તાકીદે વચગાળાની સારવાર તરીકે કેટલીક દવાઓ, ટેબ્લેટ્સ, કફસિરપ વગેરેનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.
જો કે, ધીમે ધીમે આપણે નાની મોટી તકલીફો માટે ડાયરેકટ આડેધડ એન્ટિબાયોટિક દવાઓ લેવા લાગ્યા અને તેના કારણે આ પ્રકારની દવાઓથી આપણું શરીર ટેવાઈ જવા લાગ્યું હોવાથી હવે આપણા દેશના મહત્તમ લોકોને એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નહીં હોવાનો એક ચોંકાવનારો સર્વે રિપોર્ટ સામે આવ્યો છે, અને આ રિપોર્ટ નેશનલ અને ગ્લોબલ મીડિયામાં ચર્ચા તથા ચિંતાનો વિષય પણ બન્યો છે.
તબીબી ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને વિશ્વસનિય ગણાતા જર્નલ "ધ લેન્સેટ"માં ઈક્લિનિકલ મેડિસિનના તાજેતરના એક સર્વે રિપોર્ટે આપણા દેશમાં ખળભળાટ મચાવ્યો છે. અને હિન્દી-અંગ્રેજી ન્યુઝ ચેનલો પછી હવે પ્રાદેશિક ભાષાઓમાં પણ આ અંગેની ચર્ચા અખબારી તથા મીડિયાના માધ્યમથી થવા લાગી છે, તથા સોશ્યલ મીડિયામાં પણ કોમેન્ટો પોસ્ટ થવા લાગી છે.
આ રિપોર્ટ મુજબ ભારતના ૮૩ ટકા દર્દીઓ "મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ્સ" નો શિકાર બન્યા છે, જેને તબીબી ભાષામાં ટૂંકમાં એમ.ડી.આર.ઓ. કહેવામાં આવે છે.
આ તબીબી ભાષાને સરળ ભાષામાં કન્વર્ટ કરીએ તો તેવું કહી શકાય કે દેશના ૮૦ ટકાથી વધુ લોકો પર હવે એન્ટિબાયોટિક દવાઓની અસર થવાનું સદંતર બંધ થઈ ગયું છે અને ૩ થી ૫ ટકા દર્દીઓ આ સ્થિતિની બોર્ડર પર છે. એલ.આઈ.જી. હોસ્પિટલના સ્ટડીના આધારે આ ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે, અને સેંકડો દર્દીઓના ડેટાના આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો હોવાનો દાવો પણ કરાયો છે.
તાજેતરમાં એન્ટિ માઈક્રોબાયલ સ્ટેવર્ડશીપ વિક ઉજવાયું, અને તેમાં ચાર દેશોના ડેટા આધારિત તારણો રજૂ થયા હતા, અને એવું તારણ નીકળ્યું હતું કે નિયમિત રીતે એન્ટિબાયોટિક દવાઓ લેતા દર્દીઓમાં દવાઓ પ્રત્યેની પ્રતિકારક શક્તિ વધી ગઈ છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, અથવા ખતમ થઈ રહી છે. આ પ્રકારના સૌથી વધુ દર્દીઓ ભારતમાં જણાયા છે. ટકાવારીની દૃષ્ટિએ ભારતમાં એમ.ડી.આર.ઓ.થી પીડિત દર્દીઓની ટકાવારી ૮૩ ટકા, ઈટાલીમાં ૩૧.૫ ટકા, અમેરિકામાં ૨૦.૧ ટકા અને નેધરલેન્ડમાં ૧૦.૮ ટકા છે. આથી એવું કહી શકાય કે ભારતમાં ૮૦ ટકાથી વધુ લોકો મેડિસનપ્રૂફ બની ગયા છેે, અથવા દવા-પ્રતિરોધક બેકટેરિયાનો શિકાર બની ગયા છે, અને આ સ્થિતિ હવે હોસ્પિટલોમાંથી ઘેર-ઘેર પહોંચવા લાગી છે.
નિષ્ણાતોના અભિપ્રાયોનું તારણ કાઢીએ તો આ એક ગંભીર સ્થિતિ છે, જેની પાછળ દવાઓનો આડેધડ ઉપયોગ, દરેક વખતે મેડિકલ સ્ટોર્સમાથી ડાયરેક્ટ એન્ટિબાયોટિકલ દવાઓ ખરીદીને તબીબી સલાહ લીધા વગર બારોબાર ઉપયોગ કરવાની વધી રહેલી માનસિકતા, તબીબોએ સૂચવેલો એન્ટિબાયોટિક દવાઓનો કોર્ષ અધુરો જ છોડી દેવાની વધી રહેલી માનસિકતા, સેલ્ફ-મેડિક્શન અથવા ગુગલગુરૂ કે એ.આઈ.ના માધ્યમથી વિવિધ દવાઓની માહિતી મેળવીને તબીબી સલાહ લીધા વિના સ્વયંને ડોક્ટર માનીને પોતે હાઈ-ડોઝની દવાઓ લેવી કે પરિવારજન કે અન્યોને લેવડાવવી, વગેરે અયોગ્ય આદતો અથવા "ટાઈમ" ના અભાવે આડેધડ એન્ટિબાયોટિક દવાઓના સેવનના કારણે શરીરની અંદરના બેકટેરિયાઝ એટલા મજબૂત બની ગયા છે કે તે હવે એન્ટિબાયોટિક દવાઓ સામે લડતા શીખી ગયા છે અને આ કારણે આપણાં દેશની ૮૦ ટકાથી વધુ વસતિ એમ.ડી.આર.ઓ.માંથી પીડિત ગણાવાઈ રહી છે.
જેમ જેમ આપણું શરીર સામાન્ય એન્ટિબાયોટિક દવાઓથી ટેવાઈ જાય, તેમ તેમ તે દવાઓ બિનઅસરકારક બનતી જાય એને ડોક્ટરોએ ગંભીર તો ઠીક, સામાન્ય બીમારીઓ માટે પણ નાછૂટકે હાઈ-પાવર દવાઓ આપવી પડે, જેથી તેની આડઅસરોમાંથી નવી બીમારીઓ ઊભી થાય અને સારવારનો ખર્ચ પણ વધતો જાય.
જો કે, આ રિપોર્ટની સેમ્પલસાઈઝ અને પ્રસ્તૂતિકરણ અંગે એક અલગ જ પ્રકારની ચર્ચા થઈ રહી છે, અને બાહ્ય ઉપચારો તથા એન્ટિબાયોટિક એલોપેથિક દવાઓના વિકલ્પો પર ધ્યાન વધારવાની જરૂર જણાવાઈ રહી છે, તો ડિસ્કલેયર સાથે ઉક્ત રિપોર્ટને રજૂ કરીને કેટલાક નિષ્ણાતો વિવિધ તર્કો આપી રહ્યા છે, પરંતુ એકંદરે સમગ્ર વિશ્વમાં અત્યારે એમ.ડી.આર.ઓ.નો વ્યાપ વધી રહ્યો છે, તે નક્કર હકીકત પણ સ્વીકારાઈ રહી છે, અને તેના સંદર્ભે ભારતીઓએ ચેતવા જેવું પણ છે.
મેડિકલ તબીબીક્ષેત્રની જેમ જ અત્યારે ઈન્ટરનેટ યુગમાં અપરાધો પણ હાઈ-ટેક થવા લાગ્યા છે. રીઢા અને ખંધા ગૂન્હેગારોને હવે આપણી વર્તમાન કાયદો-વ્યવસ્થા જાળવવાની સિસ્ટમ પચવા લાગી છે, અને કાયદાનો ડર રહ્યો જ ન હોય, તેમ ગૂન્હાખોરી વધવા લાગી છે. મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ્સની જેમ જ હવે ગૂન્હાખોરીના ક્ષેત્રે પણ કાયદાનો ડર ઘટી રહ્યો છે. જેવી રીતે દવાઓના આડેધડ ઉપયોગ તથા યોગ્ય રીતે સારવારના અભાવે આ પ્રકારની સ્થિતિ વધી જાય, અને શરીર દવાઓ માંથી ટેવાઈ જાય, તેવી જ રીતે ગૂન્હાખોરી વિરોધી વર્તમાન સિસ્ટમથી ગૂનાખોરો ટેવાઈ રહ્યા છે, અને તેની સામે પહેલા હાઈ-ટેક ઉપચારો કરીને યુગને અનુરૂપ નવા અને નક્કર વિકલ્પો શોધવા જ પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial