ખાનગી સિક્યોરીટી માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ૪૦ લાખનું આંધણ

જામનગર તા. ૮ઃ જામનગર મહાનગર પાલિકા ખર્ચા કરવામાં કદી પાછીપાની કરતી નથી. ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ખાનગી સિક્યોરીટી માટે વાર્ષિક ૪૦ લાખના ખર્ચને મંજુર કરવામાં આવ્યું હતું, આવા નાના-મોટા અઢળક ખર્ચાઓ કરવામાં આવે છે. જે ખર્ચાની બચત શક્ય છે.

જામનગર મહાનગર પાલિકામાં ખાનગી સિક્યોરીટીની સેવા પાછળ વાર્ષિક રૃા. ૪૦ લાખના ખર્ચાને બહાલી આપવામાં આવી છે. હક્કીકતે જામનગર મહાનગર પાલિકા પાસે જ પોતાની સિક્યોરીટીનો અઢળક સ્ટાફ ઉપલબ્ધ છે તેમની પાસે કોઈ ખાસ કામ પણ નથી ત્યારે ખાનગી સિક્યોરીટી પાછળ આટલો તગડો ખર્ચ કરવાનું કારણ શું? સેક્રેટરી તરફથી પણ બે ખર્ચાઓ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં પદાધિકારીઓના વિવિધ ખર્ચા ઉપરાંત પદાધિકારીઓના વાહનના પેટ્રોલ-ડિઝલના ખર્ચાનો સમાવેશ થાય છે.

પરંતુ તેમાં ખર્ચાની રકમ જાહેર કરવામાં આવી નથી. અને કદી પણ કરવામાં આવતી નથી કારણકે બે ખર્ચાઓ પણ મસમોટી રકમના હોય છે. અને નિર્થક હોય છે. જો મહાનગર પાલિકાના શાસકો કરકસરથી વહીવટ ચલાવે તો એક વર્ષમાં જ લાખો અને કદાચ કરોડોની રકમની બચત થઈ શકે.

જામનગર મહાનગર પાલિકાની આર્થિક હાલત સારી નથી જ્યારે આ શાસકોએ કરકસર કરવી જરૃરી છે પરંતુ પ્રજા પાસેથી વેરા સ્વરૃપે વસુલાયેલા નાણાનો વ્યય કરવામાં શાસકો પાછીપાની કરતા નથી. મળતી માહિતી મુજબ જામનગર મહાનગર પાલિકા પાસે પોતાના ૨૦ જેટલા સિક્યોરીટી જવાનો છે પરંતુ તેમાંથી મહત્તમ ગાડી મહાનગર પાલિકાના અધિકારી, શાસકોની સેવામાં તૈનાત છે. આથી લોકોની અને માલ-મિલક્તની સુરક્ષા માટે ખાનગી સિક્યોરીટીનો આશરો લેવો પડે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit