શ્રી હરિકોટાથી ચંદ્રયાન - ૨ તા. ૧પ જુલાઈના ભરશે ઊડાનઃ તડામાર તૈયારી

નવી દિલ્હી તા. ૧રઃ શ્રી હરિકોટાથી ચંદ્રયાન-ર આગામી તા. ૧પ જુલાઈના દિવસે ઊડાન ભરશે. આ માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે.

શ્રી હરિકોટાના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી ૧પ જુલાઈ ર૦૧૯ ના વહેલી સવારે ર.પ૧ વાગ્યે ચંદ્રયાન-ર ઊડાન ભરશે  અને પ૩ થી પ૪ દિવસોની યાત્રા પછી ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે અને તે પછીના ૧૪ દિવસ સુધી વિવિધ માહિતી એકઠી કરશે.

ચંદ્રયાન-ર દુનિયાનું પહેલું એવું યાન હશે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ પહેલા ચીનના ચાંગ'ઈ'-૪ યાને દક્ષિણી ધ્રુવની થોડેક દૂર લેન્ડિંગ કર્યું હતું. અત્યાર સુધી આ વિસ્તાર વૈજ્ઞાનિકો માટે અજાણ્યો છે, પરંતુ આ વિસ્તાર અંગે જેટલી માહિતી છે તેના પ્રમાણે ચંદ્રના બાકીના ભાગની તલુનામાં વધારે છાયામાં રહેનારા વિસ્તારમાં બરફના રૃપે પાણી હોવાની શક્યતાઓ છે. જો ચંદ્રયાન-ર ચંદ્રના ભાગમાં બરફની શોધ કરી શકશે તો અહીં માનવોનું રોકાવું શક્ય અને સરળ બનશે. અહીં બેઝ કેમ્પ બનાવી શકાય છે, જ્યારે ચંદ્ર પર શોધકાર્યની સાથે સાથે અંતરિક્ષ વિજ્ઞાનમાં પણ નવી શોધોનો રસ્તો નીકળશે.

ચંદ્રનો દક્ષિણી ધ્રુવ તેના અન્ય ભાગો કરતા ઘણો જુદો છે. જો કોઈ વ્યક્તિ અહીં ઊભો હશે તો તેને સૂર્ય ક્ષિતીજ રેખા પર જોવા મળશે. તે ચંદ્રની સપાટીને અડકેલો અને ચમકતો જોવા મળશે. એટલે કે સૂર્યના કિરણો દક્ષિણી ધ્રુવ પર ત્રાંસ પડે છે, સીધા નહીં. જેના કારણે અહીંનું તાપમાન ખૂબ ઓછું છે.

ચંદ્રના આ ભાગમાં મોટા મોટા ક્રેટર્સ છે. આ ક્રેટર્સમાં સૂર્યના કિરણો પહોંચી નથી શકતા અને આ ભાગમાં હંમેશાં અંધકાર રહે છે. આ કારણે ક્યાંક ક્યાંક તાપમાન-ર૪૮ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ જ કારણે અહીં ઘણાં ક્રેટર્સમાં પાણીનું બરફના રૃપમાં હોવાની સંભાવના છે. આ ક્રેટર્સમાં પ્રારંભિક સૌર પ્રણાલીના લુપ્ત જીવાણુના રેકોર્ડ પણ હોઈ શકે છે. સાથે જ પ્રાકૃતિક સંસાધન પણ વધારે પ્રમાણમાં મળી શકે છે.

ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન-ર મેગ્નેશિયમ, કેલ્શિયમ અને લોખંડ જેવા ખનિજોને શોધવાનો પ્રયાસ કરવામાં આવશે અને ચંદ્રના ઈતિહાસ અને વાતારવણની માહિતી એકઠી કરશે.

ચંદ્રનો ઈતિહાસ અને વાતાવરણ વિશે જાણકારી તો મળશે જ સાથે જ પૃથ્વીની ઉત્પત્તિ અને હજારો વર્ષ પહેલા અહીંના વાયુમંડળ અને વાતાવરણમાં થયેલા ફેરફારો સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબો પણ અહીંથી મળી શકે છે.

દક્ષિણી ધ્રુવમાં થોડા ભાગ એવો પણ છે, જે વધારે ઠંડો પણ નથી અને અંધારામાં પણ નથી. અહીંના શેકલટન ક્રેટર્સની પાસેના ભાગોમાં સૂર્ય સતત ર૦૦ દિવસો સુધી ચમકતો રહે છે. અહીં પર અંતરિક્ષ વૈજ્ઞાનિકોના શોધકાર્યમાં મોટી મદદ મળી શકે છે. અહીં વૈજ્ઞાનિક સૂર્યના કિરણોનો ઉપયોગ કરીને ઊર્જાની આપૂર્તિ કરી શકે છે. જે મશીનો અને અન્ય શોધકાર્ય માટે જરૃરી છે.

ચંદ્રયાન-ર ના લોન્ચીંગ પહેલા

કેન્દ્ર સરકારે ઈસરોના અધિકારીઓના ખિસ્સા ખંખેર્યાઃ અદ્ભુત ઈનામ!

નવી દિલ્હી તા. ૧રઃ એક તરફ ચંદ્રયાન-ર ના લોન્ચીંગની તૈયારી થઈ રહી છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારે ઈસરોના અધિકારીઓની પ્રોત્સાહન રાશિ બંધ કરવાનો આદેશ કર્યો છે.

એક તરફ આઈએસઆરઓ વૈજ્ઞાનિક ચંદ્રયાન-ર ની લોન્ચિંગની તૈયારી કરી રહ્યા છે અને દેશનું નામ રોશન કરવા માટે દિવસી-રાત એક કરી મહેનત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર ઈસરોના વૈજ્ઞાનિકોના પગાર કાપવામાં લાગી છે.

રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે ૧ર જૂન ર૦૧૯ ના જાહેર કરેલ એક આદેશમાં કહ્યું છે કે, ઈસરો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને વર્ષ ૧૯૯૬ થી બે વધુ પગાર વધારાના ભાગરૃપે આપવામાં આવી રહેલી પ્રોત્સાહન ગ્રાન્ટ રકમને બંધ કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં વધુ જણાવ્યા પ્રમાણે આવી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ૧ જુલાઈ ર૦૧૯ થી આ પ્રોત્સાહન રાશિ બંધ થઈ જશે. આ આદેશ પછી ડી, ઈ, એફ અને જી શ્રેણીના વૈજ્ઞાનિકોને આ પ્રોત્સાહન રાશિ હવે નહીં મળે. આ કારણે આ પ્રકારનું 'અદ્ભુત ઈનામ' અપાયું હોવાની ટીકા થઈ રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit