ઈન્ફન્ટ્રી લાઈનમાં આત્મહત્યા કરનાર મહિલાને પતિએ ત્રાસ આપ્યાની નોંધાવાઈ ફરિયાદ

જામનગર તા. ૯ઃ જામનગરના આર્મી ઈન્ફન્ટ્રી લાઈન વિસ્તારમાં દિવાળીના દિને એક જવાનના પત્નીએ જાત જલાવી લીધી હતી. તામિલનાડુથી દોડી આવેલા મૃતકના માતાએ ગઈકાલે જમાઈ સામે પોતાની પુત્રીને દહેજ બાબતે ત્રાસ આપી મરી જવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

જામનગરના પવનચક્કી વિસ્તારથી આગળ આવેલા આર્મીની ઈન્ફન્ટ્રી લાઈનના ક્વાર્ટર નં. ૨૪૯/૬માં રહેતા મૂળ તામિલનાડુના વતની નાગેન્દ્ર શેખરભાઈ ગૌડાના પત્ની રેણુગાબેન (ઉ.વ. ૩૧)એ દિવાળીની બપોરે પોતાના ક્વાર્ટરમાં જ શરીર પર થીનર જેવું કોઈ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી લેતા તેણીનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. જેની પોલીસ તથા રેણુગાબેનના પિયરપક્ષને જાણ કરવામાં આવી હતી.

પોતાની પુત્રીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતા તામિલનાડુના તિરૃવન્નામલી જિલ્લાના મંગલમપુરમ્ ગામથી દોડી આવેલા માતા સુશીલાબેન યલુમલ્લાઈ ગૌડા (ઉ.વ. ૬૨)એ પુત્રીની અંતિમવિધિ સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં જમાઈ નાગેન્દ્ર શેખરભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેઓએ જણાવ્યા મુજબ આર્મીમાં નોકરી કરતા તેમના જમાઈએ સુશીલાબેનની રેણુગા પાસે અવારનવાર દહેજની માંગણી કરી હતી અને મેણાટોણા મારી ત્રાસ વરતાવ્યો હતો. પતિના ત્રાસથી કંટાળી ગયેલા આ પરિણીતાએ જાત જલાવી જિંદગીની આહૂતિ આપી હતી. પોલીસે આઈપીસી ૩૦૬, ૪૯૮ (ક) હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit