આદર્શ સ્મશાનમાં ગેસ આધારિત ફરનેશની સુવિધા સહિત આધુનિકરણનું આયોજન

જામનગર તા. ૮ઃ જામનગરના સુપ્રસિદ્ધ માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાન ગૃહમાં આગામી દોઢ મહિનામાં ગેસ આધારિત ફરનેશની સુવિધા ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત સ્મશાનના આધુનિકરણ માટે આયોજન કરવામાં આવ્યું છે. સમાજસેવક મહાવીર દળ સંચાલિત આદર્શ સ્મશાન ગૃહમાં લોકોને તમામ જરૃરી સુવિધાઓ મળે તે માટે થઈ રહેલા આયોજન અંગે માહિતી આપવા સંસ્થા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આદર્શ સ્મશાનના આધુનિકરણ અંગે સંચાલકોએ વિગતો આપતા જણાવ્યું હતું કે હાલની એક ઈલેક્ટ્રીક ફરનેશના સ્થાને નવી ગેસ આધારિત ફરનેશ બનાવવામાં આવશે. આ ઈલેક્ટ્રીક ફરનેશનો કાર્યકાળ પૂર્ણ થઈ જવાથી હાલ બંધ હાલતમાં છે. તેને ચાલુ કરવી અને જાળવણીનો ખર્ચ કર્યા પછી પણ તે કાર્યરત થઈ શકે તેમ નહીં હોવાથી રૃપિયા ત્રીસ લાખના ખર્ચે નવી ગેસ આધારિત ફરનેશની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે અંગેની કાર્યવાહી ગતિમાં છે અને લગભગ નેવું દિવસમાં આ ફરનેશ ચાલુ થઈ જશે.

ગેસ આધારિત ફરનેશના કારણે પ્રદૂષણ ઓછું ફેલાશે અને ઈલેકટ્રીસિટીના બીલમાં રાહત થશે. આ ઉપરાતં વીજકાપ, વીજપૂરવઠો ખોરવાઈ જવો, નાના-મોટા ટેકનિકલ ફોલ્ટના કારણે ઈલે.ફરનેશ બંધ રહેવાની સમસ્યા ઉકેલાઈ જશે.

લાકડાની ફરનેશ

આપણી પરંપરા પ્રમાણે લાકડામાં અગ્નિદાહ દેવાનો રિવાજ છે. ઘણા લોકો મૃતદેહને લાકડામાં જ અંતિમ વિધિ કરવાને પ્રાધાન્ય આપતા હોય છે. આથી સંસ્થા દ્વારા લાકડાની ત્રીજી ફરનેશ બનાવવા વિચારણા ચાલી રહી છે.

લાકડાની અગ્નિદાહ આપવાથી પ્રદૂષણ ફેલાય છે. અને લાકડાની પણ મોટા જથ્થામાં જરૃર પડે છે. શેડના છતના  પતરાને પણ નુકસાન થાય છે. હવે જે લાકડાની ફરનેશ બનાવવામાં આવશે તેમાં ઓછા લાકડાથી અગ્નિદાહ ઝડપથી આપી શકાય તેવી વ્યવસ્થા થશે. આ કામ પાછળ રૃા. પચ્ચાસ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

ફાયબરની પ્રતિમાઓ

જામનગરનું આદર્શ સ્મશાન ગૃહ તેમાં પ્રસ્થાપિત કરેલી પ્રતિમાઓના કારણે સુપ્રસિદ્ધ છે. હાલની તમામ પ્રતિમાઓના સ્થાને ગ્લાસ રીઈન્ફોર્સડ ફાયબર પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવાનું આયોજન ગતિમાં છે. આ પ્રતિમાઓની સ્વચ્છતા જાળવવામાં ખૂબ જ સરળતા રહે છે. તેમજ ખૂબ જ ઓછો ખર્ચ આવે છે. હાલમાં રવિન્દ્રનાથ ટાગોર, રામ-લક્ષ્મણ-જાનકી, જલારામ બાપાની ફાયબરની પ્રતિમાઓ આવી ગઈ છે. અને તેના ફીટીંગની કામગીરી ચાલી રહી છે. છત્રપતિ શિવાજી અને ગાંધીજીની પ્રતિમા માટેના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. આખી ક્રમશઃ દાતાઓના સહયોગથી હાલની તમામ પ્રતિમાઓના સ્થાને ફાયબરની પ્રતિમાઓ મૂકવામાં આવશે.

કોમ્પ્યુટરાઈઝેશન

સ્મશાનગૃહ સંલગ્ન વહીવટી કાર્યો જેમાં મરણનોંધ, જુના-નવા રેકર્ડની માહિતીને કોમ્પ્યુટરાઈઝડ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નવા વહીવટી ભવનનું નિર્માણ અને સંપૂર્ણ કામગીરીને કોમ્પ્યુટરાઈઝડ કરવાનું કામ રૃા. પચ્ચીસ લાખના ખર્ચે થશે. દસ્તાવેજો-રેકર્ડની વિગતોની જાળવણી વર્ષો સુધી રહેશે. સ્મશાનગૃહમાં એક દીવાલ પર રામાયણનું ચિત્રણ કરવામાં આવ્યું છે. રામાયણના પ્રસંગોને પ્રસ્તુત કરતી આ ચિત્રમાલાને લાઈટીંગ સાથે હેરીટેજ લુક આપવામાં આવશે. સંસારચક્રને પણ સુશોભિત કરવામાં આવશે.

અંતિમ વિધિની સામગ્રી

એક અન્ય સુવિધાના ભાગરૃપે સ્મશાનમાંથી જ લોકોને અંતિમ વિધિ માટેની તમામ સાધન સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. હાલ અંતિમ યાત્રા રથ, મૃતદેહ બાંધવાની સીડી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જ.

આમ આગામી દિવસોમાં જામનગરનું આ આદર્શ સ્મશાન નવા જ રૃપરંગ અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા સંચાલક મંડળ સતત કાર્યરત છે.  આ તમામ કાર્યો માટે દાતાઓને ઉદાર હાથે ફાળો આપવા પણ સંચાલકોએ અપીલ કરી છે.

આ પત્રકાર પરિષદમાં સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, મંત્રી દર્શનભાઈ ઠક્કર તેમજ અન્ય ટ્રસ્ટીઓ વિશ્વાસભાઈ ઠક્કર, કલ્પેશભાઈ મહેતા રમેશભાઈ દત્તાણી, ઉમેદભાઈ જેઠવા, વિજયભાઈએ વિસ્તૃત વિગતો આપી હતી.

close
Ank Bandh
close
PPE Kit