પીપળીમાં હલરમાં સાડી આવી જતા ઘવાયેલા મહિલાનું મૃત્યુ

જામનગર તા. ૧૫ઃ લાલપુરના પીપળી ગામ સામેની એક વાડીમાં ગઈકાલે હલરમાં ચણા છુટા પાડવાનું કામ કરી રહેલા એક દેવીપૂજક મહિલા હલરના રોલમાં સાડી આવી જતાં ગંભીર ઈજા પામ્યા પછી મૃત્યુ પામ્યા છે.

લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતા ચંપાબેન ડાહ્યાભાઈ પરમાર નામના ત્રીસ વર્ષીય દેવીપૂજક મહિલા લાલપુરના પીપળી ગામ સામે આવેલા સસોઈ ડેમ નજીકની એક વાડીમાં ચાલતા ચણા છુટા પાડવાના કામમાં પતિ ડાહ્યાભાઈ પરમાર સાથે મજુરી કામ કરવા જતા હતાં.

આ દંપતી ગઈકાલે કામ પર આવ્યું હતું જેમાંથી ચંપાબેન કામ કરતી વેળાએ અકસ્માતે હલરમાં સાડી આવી જતા હલર તરફ ઢસડાયા પછી તેઓને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી ત્યાં હાજર લોકોએ આ મહિલાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતાં જ્યાં તેણીનું રાત્રે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પતિનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

close
Nobat Subscription