નગરના ભોયવાડામાંથી ઝડપાઈ અંગ્રેજી શરાબની દસ બોટલ

જામનગર તા. ૧૨ઃ જામનગરના ભોયવાડામાં ગઈકાલે સાંજે એલસીબીએ પૂર્વબાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડી અંગ્રેજી શરાબની દસ બોટલ પકડી પાડી છે. આરોપીએ સપ્લાયરનું નામ ઓકી નાખ્યું છે ઉપરાંત જામજોધપુર પાસેથી પોલીસને જોઈને એક શખ્સ અંગ્રેજી શરાબની વીસ બોટલ મૂકી નાસી છુટ્યો છે.

જામનગરની એલસીબી દ્વારા ગઈકાલે હાથ ધરાયેલા પેટ્રોલીંગમાં સ્ટાફના નિર્મળસિંહ બી. જાડેજા તથા અશોક સોલંકીને બાતમી મળી હતી કે સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં ભોયવાડામાં રહેતા એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો છે. તે બાતમીને આધારે પીઆઈ આર.એ. ડોડીયાના વડપણ હેઠળ ગઈકાલે સાંજે એલસીબીના કાફલાએ ત્યાં આવેલા મયુર નરોત્તમભાઈ મંડલી નામના પ્રજાપતિ શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ મકાનની તલાસી લેવાતા અંગ્રેજી શરાબની દસ બોટલ મળી આવી હતી. એલસીબીએ બોટલ કબજે કરી મયુરની અટકાયત કરી છે. આ શખ્સે સપ્લાયરનું નામ આપ્યું છે. આરોપી સામે પો.કો. અશોક સોલંકીએ ખુદ ફરિયાદી બની સિટી 'એ' ડિવિઝનમાં ગુન્હો નોંધાવ્યો છે.

જામજોધપુરથી સતાપર તરફ જવાના માર્ગ પર ગઈકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમ્યાન પુલ પરથી પસાર થતા એક મોટરસાયકલને રોકાવા માટે પોલીસે ઈશારો કરતા તેનો ચાલક ભડાનેસવાળો ભુપત દેવાભાઈ મોરી પોતાની પાસે રહેલી અંગ્રેજી શરાબની ૨૦ બોટલવાળો થેલો મૂકી મોટરસાયકલ સાથે નાસી છુટ્યો હતો. પોલીસે બોટલો કબજે કરી ભુપત મોરીની શોધ શરૃ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit