સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં તારીખ ૪-પ ડિસેમ્બરે હળવા વરસાદની આગાહી

અમદાવાદ તા. ૩ઃ અરબી સમુદ્રમાં બે પ્રકારના લો પ્રેસર સર્જાતા સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે અને તા. ૪-પ ડિસેમ્બરે હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આ કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે.

ચાલુ વર્ષે ગુજરાતમાંથી મેઘરાજા જવાનું  નામ લઈ રહ્યા નથી. રાજ્યના તમામ લોકોને ઝટકારૃપ સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં ૪ અને પ ડિસેમ્બરના વરસાદની આગાહી કરી છે.

અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતા ઠંડક વધી છે. ૪ અને પ ડિસેમ્બરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ગીર-સોમનાથ અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ લો પ્રેસર સક્રિય થયા છે. જેમાંથી દક્ષિણ-પશ્ચિમ તરફનું લો પ્રેસર ૪૮ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને ૭ર કલાકમાં સોમાલિયા તરફ આગળ વધશે, જ્યારે અન્ય દક્ષિણ-પૂર્વમાં સર્જાયેલા લો પ્રેસરની અસર ગુજરાતમાં થવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બે લો-પ્રેસરને કારણે દિવસ દરમિયાન લોકોએ સામાન્ય કરતા વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. આ લો-પ્રેસરને કારણે ૪ અને પ ડિસેમ્બરે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. સોમવારે શહેરમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ હતું. આ સમાચારની સાથે ખેડૂતોના રવિપાકને મોટી હાનિ પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રાજ્યના ખેડૂતોને હાલ બે બાજુથી માર પડી રહ્યો છે. એક બાજુ પાક વીમાની રકમ તેમની પાસે આવતી  નથી, ઉપરથી વરસાદ તેમના રવિપાકોને પણ બગાડી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતો બિચારા જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ ઉદ્ભવી છે. આથી દરિયામાં ઊભા થતા લો-પ્રેસર ખેડૂતોનું બ્લડપ્રેસર વધારી શકે છે.

તમિલનાડુમાં વરસાદનો કહેર

બીજી બાજુ ગુજરાત જ નહીં, તમિલનાડુમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. તમિલનાડુમાં તોફાની વરસાદના કહેરથી રપ ના મોત થયા છે. તમિલનાડુના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. કોઈમ્બતૂરમાં દીવાલ ધરાશાયી થતા ૧૭ ના મોત થયા હોવાની એક ઘટના સામે આવી છે. તમિલનાડુમાં ભારે વરસાદના કારણે ચેન્નઈ, તુતિકોરિન, કાંચીપુરમ્, તિરૃવિલુરમાં સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપી દીધો છે. તમિલનાડુ, પુડ્ડુચેરીમાં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી પણ હવામાન વિભાગે આપી દીધી છે. હાલ દરિયાકિનારાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ યથાવત્ રાખ્યું છે. હજુ પણ તમિલનાડુમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમિલનાડુ સહિત કર્ણાટક અને કેરળ ભારે વરસાદની ઝપેટમાં આવી શકે છે.

close
Ank Bandh
close
PPE Kit