ગોવામાં યોજાયેલી મહિલા માસ્ટર્સ એથ્લેટીકની ચેમ્પિયનશીપમાં નગરનું ગૌરવ વધારતી મહિલાઓ

જામનગર તા. ૧૨ઃ ગોવામાં પ્રથમ વખત જ તા. ૨૯, ૩૦ જુન ૨૦૧૯ દરમિયાન આયોજન થયેલ ઓલ ઈન્ડિયા નેશનલ વુમેન્સ માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપમાં ભારતના ૨૧ રાજ્યોના કુલ ૭૨૦ મહિલા રમત-વિરાંગનાઓએ પોતાની ઈવેન્ટમાં સુંદર દેખાવ કર્યો હતો. આ પ્રથમ વખત જ યોજાતી મહિલા ચેમ્પીયનશીપ ઉદ્દઘાટન પ્રસંગે ગોવાના રાજ્યપાલ શ્રી. મીરાદુલા સિન્હાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેઓના પ્રેરક ઉદ્દબોધનમાં કહેલ કે, આવા યોજાતા મહિલા રમતોત્સવમાં રાષ્ટ્રમાં ઘરેલું ઘરોમાં કામ કરતી મહિલાઓને પણ ખાસ પ્રોત્સાહિત કરી તેઓને આગળ કરીને આ રમતોત્સવમાં જોડવી જોઈએ. ગોવામાં પ્રથમ વખત જ યોજાતા આ મહિલા રમતોત્સવમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે બહેનોને બિરદાવેલ હતા. આ કાર્યક્રમમાં ગોવાના ડેપ્યુટી ચીફ મીનીસ્ટર અને રમતગમત મંત્રી મનોહર આઝગોનકરએ હાજરી આપી હતી.

આ મહિલા એથ્લેટીક ચેમ્પીયનશીપમાં મહારાષ્ટ્ર રાજ્યના કુલ ૧૩૫ મહિલા ખેલાડીઓ સાથે પ્રથમ, તામીલનાડુ રાજ્ય ૯૦ મહિલા ખેલાડીઓ સાથે બીજા ક્રમે અને ગુજરાત રાજ્ય ૮૨ મહિલા ખેલાડીઓ સાથે ત્રીજા ક્રમે રહી બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ઉત્સાહભેર ભાગ લઈ ૩ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૨૫ મેડલો ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી ગુજરાતનું નામ રોશન કર્યું હતું. આ તકે એસોસિએશન પ્રમુખ વી.એન.પાઠક, જનરલ સેક્રેટરી, આઈ.યુ.સીડા તથા ટીમ મેનેજર વી.આર.પરમાર અને જોઈન્ટ સેક્રેટરી જેડેરીયાએ રમત સમયે  મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ ચેમ્પીયનશીપમાં જામનગર જિલ્લાના પાંચ મહિલા એથ્લેટરોએ ભાગ લીધો હતો. જેમાંથી ૬૦ એઈજ ગ્રુપમાં ભારતીબેન રાઠોડે ભાગ લઈ ટ્રીપલ જમ્પમાં બ્રોન્ઝ મેડલ અને ૬૫ એઈજ ગ્રુપમાં હર્ષિદાબેન મકવાણાએ પાંચ કિ.મી. ચાલવાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને મનિષા મહેતા તથા પ્રવિણા રૃપડિયાએ ૪૫ એઈજ ગ્રુપમાં ૪ બાય ૧૦૦ મી. રીલે રેસમાં ભાગ લઈ સિલ્વર મેડલ સાથે એક સિલ્વર તથા બે બ્રોન્ઝ મળી કુલ ત્રણ મેડલો મેળવી જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

આ તકે માસ્ટર એથ્લેટી એસોસિએશન ઓફ જામનગર જિલ્લાના પ્રમુખ અને સેક્રેટરી અજયસિંહ ચૌહાણે અને રાજુભાઈ અગ્રાવતે મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા હતા. હવે પછી ડિસેમ્બર માસમાં યોજાનારી એશિયન માસ્ટર એથ્લેટી ચેમ્પીયનશીપમાં પણ મેડલો મેળવવા શુભેચ્છા પાઠવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit