ખંભાળિયા તા. ૨૬ઃ ખંભાળિયામાં કેટલીક ધાર્મિક સાર્વજનિક હેતુઓની જમીન ગેરકાયદે દબાણ કરીને વેંચાણ કરવાની પેરવી કરી રહેલા ભૂમાફિયાઓ પર સકંજો કસવા સ્થાનિક અગ્રણીએ જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારી પાસે માંગણી કરી છે.
ખંભાળિયા રેલવે સ્ટેશન રોડ પર રોડને લગત અત્યંત કિંમતી જગ્યા જે અગાઉ ધર્મશાળા તથા પાણીના અવેડા જેવા સાર્વજનિક હેતુની હતી આ જગ્યા પર ભૂમાફિયા દ્વારા દબાણ કરીને કબ્જો લઈને વેચાણ કરવાની તજવીજ શરૃ થતાં કરોડોની ગણાતી આ જમીન અંગે ભૂમાફિયાઓ સામે પગલા લેવા આ વિસ્તારના સામાજિક અગ્રણી મામુભાઈ ભગાડ દ્વારા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા તથા સિટી સર્વે સુપ્રી. પાલિકા ચીફ ઓફિસર તથા ખાડાના અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે.
રે.સ.નં. ૬૧૦૧, ૬૧૦૨ માં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરાઈ રહ્યું હોય ધાર્મિક તથા પાણીના અવેડા જેવા હેતુની જમીન પર થતી આ કાર્યવાહી અંગે તાકીદે પગલાની માંગ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે આ કિંમતી જમીનમાં આ પહેલા પણ એક જામનગરના વેપારી દ્વારા કબ્જો લઈને વેચાણ માટે તજવીજ થઈ હતી જે પછી ઉહાપોહ થતાં બંધ કરી દેવાવ્યું હતું જે પછી ફરીથી આ પ્રવૃત્તિ ચાલુ થતાં સામાજિક આગેવાને તંત્રને ફરિયાદ કરી છે.