'ઈદે મિલાદ'ના તહેવાર નિમિત્તે આવતીકાલે જામનગરમાં શાનદાર જુલુસનું આયોજન

જામનગર તા. ૯ઃ જામનગર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઈદે મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે આવતીકાલે તા. ૧૦.૧૧.ર૦૧૯ ના રવિવારે સાંજે ૪ વાગ્યે શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં સુન્ની મુસ્લિમ બિરાદરો તરફથી દર વર્ષે બારમી શરીફને પૂરા અદબ અને અહેતરામની સાથે બનાવવામાં આવે છે તેથી આ વર્ષે પણ આ પ્રસંગે બારગાહે રીસાલત મઆબમાં નઝરે અકીદત પેશ કરવા એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. આ જુલુસ સાયરપીર ચોક, સઈના વંડાથી શરૃ થઈ રાબેતામુજબ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ, પાંચ હાટડી, દરબારગઢ, જુમ્મા મસ્જિદ, ટાવર મસ્જિદ, ચાંદીબજાર થઈ પુનઃ દરબારગઢ ચોકમાં મોડી સાંજે સમાપ્ત થઈ સભાના રૃપમાં ફેરવાઈ  જશે. જ્યાં પયગમ્બર સાહેબના પવિત્ર જીવનના પૈગામ બયાન કરવામાં આવશે. જેમાં આ પ્રસંગે દરેક મિલાદ પાર્ટી, સુન્ની જમાતો, કમિટીઓ, સંસ્થાઓ, સ્કૂલો પોતપોતાના બેનરો લઈ અને વાહનચાલકો પોતાના વાહનોને શણગારી આ જુલુસમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવે છે. તેમજ સામેલ થનાર તમામ વાહનચાલકોને ખાસ સૂચના આપવામાં આવે છે કે કોઈપણ વાહનમાં ડી.જે. સિસ્ટમ રાખવી નહીં તેમજ છેલ્લા એકાદ-બે વર્ષ થયા કેટલાક નાસમજ લોકો પયગમ્બર સાહેબના આ મુકદસ અદબ અને અહેતરામ જાળવવાના બદલે શરિયતની વિરૃદ્ધ જઈ જુલુસમાં ફટાકડા ફોડી પોતાની જાહેલિયત અને મઝહબથી વિરૃદ્ધ વર્તન કરતા હોય, જે કારણે સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજના ઉલ્માએ કિરામ, સાદાતે કિરામ અને તમામ સુન્ની જમાતના આગેવાનોએ આ કૃત્યથી સત નારાજગી દર્શાવી છે અને તેથી આ બાબતથી તમામ લોકો દૂર રહે તેવી ખાસ તાકીદ કરવામાં આવે છે. આ મુકદસ જુલુસમાં સુન્ની મુસ્લિમ બિરાદરો અચૂક હાજર રહી બારગાહે રીસાલત મઆબમાં ખીરાજે અકીદત પેશ કરવા સુન્ની મુસ્લિમ જમાત તરફથી અપીલ કરવામાં આવી છે.

જો કે દર વર્ષે સુન્ની મુસ્લિમ બિરાદરો બારમી શરીફના રાત્રે પોતપોતાના વિસ્તારોને શણગારે છે, મસ્જિદોમાં દરૃદ શરીફ અને કુઆર્ન શરીફના ખત્મો પઢવામાં આવે છે. અનેક પ્રકારની ન્યાજો તકસીમ કરવામાં આવે છે અને આ રીતે જામનગર શહેરના સુન્ની મુસ્લિમ બિરાદરો પયગમ્બર સાહેબ પ્રત્યે પોતાની ખીરાજે અકીદત પેશ કરે છે અને બારમી શરીફના દિવસે જામનગર શહેરની અલગ-અલગ મિલાદ પાર્ટીઓ પૂરા અદબ અને અહેતરામ સાથે મિલાદ શરીફ તેમજ દરૃદ શરીફ પઢતાં પઢતાં જુલુસમાં શામીલ થાય છે. ઉપરાંત આ જુલુસમાં દફ સિવાય કોઈપણ પ્રકારના વાજીંત્રો વગાડવાથી સુન્ની મુસ્લિમો દૂર રહે છે.  તેમજ સુન્ની મુસ્લિમ બિરાદરો પોતપોતાના વાહનોને શણગારી નાના બાળકો સાથે જુલુસમાં શામીલ થાય છે અને જુલુસની શાન વધારે છે. તેથી આ વર્ષે પણ સુન્નફ જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફીએ સુન્ની મુસ્લિમ બિરાદરોને પૂરા જોશ અને ઉમંગથી આ જુલુસમાં સામેલ થવા અપીલ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit