આજે આઠમી નવેમ્બરઃ નોટબંધીની વર્ષગાંઠ ગણવી કે વરસી ?

નવી દિલ્હી તા. ૮ઃ આજનો દિવસ મહત્ત્વનો છે, આજે આઠમી નવેમ્બર છે. આ દિવસ દેશભરની જનતાને બુરી રીતે યાદ રહી ગયો છે, વર્ષ-ર૦૧૬ ની આઠમી નવેમ્બરે રાત્રે અચાનક ટેલિવિઝન પર પ્રગટ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૃા. પ૦૦ અને રૃા. ૧૦૦૦ ની ચલણી નોટો રદ્દ કરી નાંખી હતી.

દેશ આખો લાઈનમાંઃ દોઢસોથી વધુના જીવ ગયા

આ પછી દેશમાં રદ્દ થયેલી ચલણી નોટો જમા કરાવવા લોકોએ કામ-ધંધા છોડીને લાઈનો લગાવી હતી અને એ.ટી.એમ.માંથી પોતાના જ નાણાં ઉપાડવા લોકોની લાઈનો લાગી ગઈ હતી. બેંકોમાં લોકોની ભીડ ઉભરાઈ રહી હતી અને પોતાના જ નાણાં પણ પૂરેપૂરા ઉપાડી શકાતા નહોતા, અને લોકોએ રોકડના અભાવે પરેશાન થઈ ગયા હતાં. તે પછી મહિનાઓ સુધી આ પ્રકારની લાઈનો લાગેલી રહેતી હતી અને દોઢસોથી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. તે પછી એવું કહેવાયું હતું કે, કાળા નાણાં સંગ્રહીને બેઠેલા લોકો પાસે રહેલી ચલણી નોટો પસ્તી થઈ જશે. વાસ્તવમાં ચલણમાં રહેલી તમામ રદ્દ (જૂની) ચલણી નોટો લેન્ડીંગ સિસ્ટમમાં પરત આવી ગઈ હતી, તેથી આ મુખ્ય ઉદ્દેશ્ય જ નિષ્ફળ ગયો હતો.

ડિજિટલ ઈન્ડિયા ફેઈલ

સરકારને આ કારણે દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધશે, તેવું જાહેર કર્યુ હતું, જેમાં થોડી-ઘણી સફળતા મળવા છતાં રોકડ વ્યવહારો તો પહેલા કરતા પણ વધી રહ્યાં છે, અને નોટબંધી સમયે જેટલી રોકડ રકમ ચલણમાં હતી તેનાથી પણ વધુ રોકડ ચલણી નોટો એટલે કે, રોકડ અત્યારે ચલણમાં છે. આ કારણે ડિજિટલ ઈન્ડિયાનો હેતુ સંપૂર્ણપણે સફળ થયો નથી અને રોકડનું ચલણ ઉલટાનું વધી ગયું છે.

ટેરર ફંડીંગ યથાવતઃ નવી નોટોની ડુપ્લીકેટ બની

આ કારણે આતંકવાદીઓ પર અંકુશ આવશે અને નકલી ચલણી નોટો બંધ થઈ જશે, તેવા હેતુઓ જણાવાયા હતાં, પરંતુ વર્ષ-ર૦૧૬ પછી હજી સુધી આતંકવાદી હુમલા ચાલુ રહ્યાં છે અને તેને ફંડીંગ પણ થઈ રહ્યું હશે. નોટબંધી સમયે કેટલીક નકલી ચલણી નોટો પકડાઈ હતી, પરંતુ સરકારે જે નવી રૃા. ર૦૦૦ અને રૃા. પ૦૦ ની ચલણી નોટો ચલણમાં મૂકી છે, તેની નકલ સરળતાથી થઈ શકતી હોવાથી ઘણાં લોકો નકલી નોટો છાપવાની સામગ્રી અને નકલી નોટોના જથ્થા સાથે પકડાતા હોય છે અને દુશ્મન દેશને પણ ભારતને નબળું પાડવા નવી ભારતીય ચલણી નોટોની ડુપ્લીકેટ નોટોનું સર્જન કરવું સરળ થઈ ગયું હશે, અને પહેલા કરતા કદાચ વધુ નકલી ચલણી નોટો ફરતી થઈ ગઈ હશે, આમ, નોટબંધીના કારણે નકલી નોટો નાબૂદ થઈ જશે તે હેતુ પણ સરતો નથી.

અર્થતંત્ર અદ્યોગતિમાં

નોટબંધીના કારણે દેશમાં વ્યાપાર-ઉદ્યોગને ઘણી માઠી અસર પડી છે. રોજગારીની નવી તકો તો છીનવાઈ ગઈ, પરંતુ મંદી પછી જે નોકરીઓ હતી તે પણ જઈ રહી છે. દેશનું અર્થતંત્ર અદ્યોગતિમાં પહોંચી રહ્યું છે. આથી જ આજના દિવસને નોટબંધીની વર્ષગાંઠ ગણાવી કે વરસી ગણવી તેવો પ્રશ્ન ઉઠે છે.

મોટા માથાંઓ ક્યાંય લાઈનમાં જોવા ન મળ્યા...!

નોટબંધી જાહેર થઈ તે પછી રદ્ થયેલી નોટો બદલાવવાની કામગીરીમાં કોઈપણ બેંકના દરવાજે કોઈ શ્રીમંત, ઉદ્યોગપતિ, વેપારી દેખાયા ન હતાં તેવી ચર્ચા ચાલી... પગે ચાલીને આવનારા, સાડીના છેડે બચત કરેલી બે-ત્રણ એક હજારની કે પાંચસોની નોટ લઈને આવતી ગરીબ મહિલાઓ, ગરીબ, મજૂર અને મધ્યમવર્ગના લોકો જ કતારોમાં જોવા મળ્યા...! જો કે શ્રીમંતો વેપારીઓએ ૧૦૦-ર૦૦ રૃપિયા આપીને લોકોને લાઈનમાં ઉભા રાખીને પણ નોટો બદલાવી નાંખી... તો મોટા માથાઓએ પેટીઓ, થેલા ભરીને બેંકના પાછલા બારણેથી કરોડો રૃપિયાની નોટો આરામથી બદલાવી નાંખી હોવાના આક્ષેપો પણ થયા...!

કેટલીક-કો-ઓપરેટીવ બેંકોની નોટો બદલવામાં અખાડા

નોટબંધી પછી જુની નોટો બદલવામાં પણ નેવાના પાણી મોભે ચડાવવા જેવી પરેશાની ભોગવવી પડી હતી. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, હજી પણ કેટલીક કો-ઓપરેટીવ બેંકોને રીઝર્વ બેંકે નોટો બદલી આપી નથી...!

હવે એવા અહેવાલો પણ આવી રહ્યાં છે કે, રૃપિયા બે હજારની નોટ બેંકમાં જમા થયા પછી ફરીથી ચલણમાં ન આવે તેવી પ્રક્રિયા પણ ચાલી રહી હોવાનું જાણવા મળે છે અને રૃપિયા એક હજારની નવી નોટ ચલણમાં ફરીથી આવે તેવી શક્યતાઓ પણ જણાવાઈ રહી છે.

કાળો દિવસ

આથી નોટબંધીની જાહેરાતના દિવસને ઈમરજન્સી જાહેરાતના રપમી જૂનના દિવસની જેમ એક કાળા દિવસ તરીકે લોકો યાદ કરશે તે નક્કી છે...!

કાળાનાણાં બહાર આવવાના બદલે કાળા કરતૂતો થયા

નોટબંધીનો હેતુ કાળાનાણાંને ડામવાનો હતો, પરંતુ તમામ રોકડ બેંકીંગ સિસ્ટમમાં પરત આવી ગઈ. ત્રણ લાખ કરોડનું કાળુનાણું હોવાનું કહેવાતું હતું તે સફેદ થઈ ગયુ... આ દરમિયાન દેશભરમાં જૂની નોટો બદલી આપવાના એજન્ટો ઊભા થયા અને અનેક સ્થળોએ મીલીભગતથી જૂની નોટોની રાતોરાત અદલા-બદલી કરી નાંખવાના કૌભાંડો પણ થયા. જો કે, દેશભરમાંથી ઘણાં સ્થળેથી જુની રદ્દ થયેલી ચલણી નોટો પકડવામાં આવી, પરંતુ જે કાળાનાણાંનો આંકડો અપાઈ રહ્યો હતો, તેની સામે નહીંવત હતી. આમ, કાળાનાણાં બહાર તો ન આવ્યા, પરંતુ કાળા કરતૂતોના આક્ષેપો જરૃર થયા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit