પાકિસ્તાનમાં આઝાદી માર્ચ સામે ઈમરાન ખાન ઘૂંટણીએઃ ખુરશી બચાવવાનો ખેલ

ઈસ્લામાબાદ તા. ૮ઃ પાકિસ્તાનમાં વિપક્ષી દળો એકજુથ થયા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ડગમગવા લાગી હતી, અને જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ પાર્ટીના પ્રમુખ તથા ધર્મગુરુ મૌલાના ફજમુર રહેમાને ઈસ્લામાબાદ સુધી આઝાદી કૂચ કરી હતી. મૌલાના રહેમાને ઈસ્લામાબાદમાં ધરણાં શરૃ કર્યા હતાં, જેમાં વિરાટ જનમેદની જોડાઈ જતા પ્રચંડ જનસમર્થન જોઈને ઈમરાન ખાન ગભરાઈ ગયા હતાં.

મૌલાનાએ રવિવાર સુધી ધરણાં ચાલુ રાખવાની જાહેરાત કરી છે અને મૌલાનાની આઝાદી કૂચને પાક. મીડિયા ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ વ્યાપક કવરેજ મળી રહ્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાનની સામાન્ય જનતામાં પણ સરકાર વિરોધ ભાવનાઓ બળવત્તર થવા લાગી છે.

મૌલાની આઝાદી કૂચ દરમિયાન વરસાદ થયો હતો અને ઠંડી પણ શરૃ થઈ ગઈ હતી, તેમ છતાં તેમને પ્રચંડ જનસમર્થન મળી રહેલું જોઈને ઈમરાન સરકાર હેબતાઈ ગઈ છે.

રવિવારે જેયુએલએફ પાર્ટી બારમી રબી-ઉલ-અવ્વલના પ્રસંગે પયગમ્બરના જન્મદિવસે જ એક સીરત સંમેલનનું આયોજન કરવા રણનીતિની જાહેરાત થઈ શકે છે.

આ પહેલા મૌલાનાએ પંજાબ (પાકિસ્તાન) વિધાનસભાના અધ્યક્ષ ચૌધરી પરવેઝ ઈલાહી સાથે લાંબી વાટાઘાટો કરી હતી અને જેયુએલએફ પાર્ટીની મજલિસ-એ-શૂરા અને વર્કીંગ કમિટીની અલગ-અલગ બેઠકો યોજીને વિસ્તૃત પરામર્સ કર્યો હતો, તે પછી તેમણે રવિવાર સુધી ધરણાં યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી.

મૌલાનાએ ઈમરાન સરકાર સાથે પરામર્શ કરવા માટે રચાયેલી ટીમના સભ્ય સાથે પણ વાતચીત કરી હતી. ગઈકાલે આખો દિવસ સરકારી કમિટી વિપક્ષોની રહબર કમિટીનો સંપર્ક કરવામાં નિષ્ફળ રહી હતી. હવે આ બન્ને કમિટીઓ આજે મૌલાનાની આઝાદી માર્ચ સમાપ્ત કરાવવામાં સફળ થશે, તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગભરાયેલા ઈમરાન ખાને મૌલાનાના નેતૃત્વમાં ચાલી રહેલી આઝાદી માર્ચના આંદોલનકારીઓની તમામ માંગણીઓ સ્વીકારવાની તૈયારી બતાવી હતી, અને પોતાનું રાજીનામું માંગવાનો મુદ્દો છોડી દેવાની શરત રાખી હતી. એટલે કે પોતાના રાજીનામા સિવાયની તમામ માંગણીઓ સ્વીકારવા તૈયાર થયેલા ઈમરાન ખાન મૌલાના સામે ઘૂંટણીએ પડી ગયા હતાં.

એવા અહેવાલો પણ વહેતા થયા હતાં કે પાક. વડાપ્રધાન ઈમરાન ખાને તેમની ખુરશી બચાવવા નવો ખેલ આદર્યો હતો અને કેટલીક લોભામણી ઓફર સાથેનો સંદેશ મૌલાનાને મોકલ્યો હતો. એકજુથ થયેલા વિપક્ષો સાથે વાટાઘાટો કરવા માટે રક્ષામંત્રી પરવેઝ ખટકના નેતૃત્વમાં એક ગ્રુપની રચના કરી હતી, અને તેને આઝાદી કૂચ સમાપ્ત કરાવવા અને સરકાર સાથે સમાધાન કરવા માટે મૌલાનાને મનાવવાની જવાબદારી સોંપી હતી.

એ પછી મૌલાનાએ રવિવાર સુધી ધરણાં યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી, જો કે ત્યારપછી સરકારી કમિટી અને રક્ષામંત્રીનું ગ્રુપ સક્રિય થઈ ગયું હતું અને ઈમરાન ખાનનું રાજીનામું માંગવાની વાત પડતી મૂકીને ઈમરાન ખાન તમામ માંગણીઓ સ્વીકારવા તૈયાર હોવાનું જણાવી સમાધાનનો માર્ગ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. મૌલાના સામે કરાયેલા કેટલાક કેસો પરત ખેંચવાની લાલચ પણ પાછલા બારણેથી ચાલતી વાટાઘાટો દરમિયાન અપાઈ હોવાની ચર્ચા હતી. ઈમરાન ખાનને આ રીતે આઝાદી કૂચના ઘૂંટણીએ પડવું પડ્યું હતું.

close
Ank Bandh
close
PPE Kit