નવી દિલ્હી તા.૧૨ઃ દુકાન અને મકાન ભાડે લેવા આપવા માટે ભાડુઆત અને મકાન માલિકને બંધનકર્તા નવો કાયદો લાવવાની તૈયારી થઈ ગઈ છે.
મકાન અને દુકાન ભાડા પર લેવા - દેવા માટે મોડલ કાયદો ટૂંક સમયમાં લાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ કાયદા પરનું કામ અંતિમ તબક્કા પર છે. ઓગષ્ટ મહિનામાં આ અધિનિયમને કેબિનેટની મંજૂરી મળી શકે છે. આ કાયદા હેઠળ મકાનમાલિકને ઘર તપાસવા, રિપેરિંગના કામ અથવા બીજા કોઈ કારણથી જો આવવું હશે તો ભાડુઆતને ૨૪ કલાક પહેલા લેખિત જાણ કરવી પડશે.
સૂત્રો અનુસાર, ગૃહપ્રધાન અમિતશાહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલ પ્રધાનોનું એક ગ્રુપ આના પર ઝડપથી કામ કરી રહ્યું છે. પ્રધાનોની આ કમિટિમાં કાયદા પ્રધાન અને આવાસ પ્રધાન પણ સામેલ છે. આ મૉડેલ રેન્ટ એક્ટ અધિનિયમ અંગે જૂનમાં બે મિટીંગો થઈ ચૂકી છે. જુલાઈના અંતમાં ફરીથી મિટીંગ થશે. ડ્રાફ્ટમાં કહેવાયું છે કે મકાનના માળખાની દેશભાળ માટે ભાડુત તથા મકાનમાલિક બન્ને જવાબદાર ગણાશે. જો મકાન માલિક મકાનમાં કંઈ સુધારો કરાવે તો તેને રિનોવેશનનું કામ પૂરું થયાના એક મહિના પછી ભાડું વધારવાની પરવાનગી મળશે. પણ તેના માટે ભાડુતની સલાહ પણ લેવી પડશે.
આ ઉપરાંત રેન્ટ એગ્રીમેન્ટમાં લખવામાં આવેલ સમય પહેલા ભાડુતને ત્યાં સુધી મકાનમાંથી કાઢી નહીં શકાય જો તે સતત કેટલાય મહિના સુધી ભાડુ ન ચૂકવે અથવા પ્રોપર્ટીનો ગેરઉપયોગ કરી રહ્યો હોય, જો રેન્ટ એગ્રીમેન્ટની સમયસીમા પૂરી થયા પછી પણ ભાડુત મકાન ખાલી ન કરે તો મકાન-માલિકને ડબલ ભાડુ માંગવાનો અધિકાર રહેશે.