ઓખાના દરિયામાંથી ડિઝલના જથ્થા સાથે ઝડપાઈ પેસેન્જર બોટઃ ભલામણોનો છુટ્યો ધોધ

ઓખા તા. ૮ઃ ઓખાના દરિયામાંથી ગઈકાલે મરીન પોલીસે એક બોટમાંથી ૧૩૫૦ લીટર ડિઝલનો જથ્થો શકપડતી મિલકત તરીકે કબજે કર્યો છે. તે બોટમાં રહેલા ચાર ખલાસીઓ ડિઝલના જથ્થા અંગે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતાં. જથ્થો ઝડપાયાના ભલામણોનો દોર શરૃ થઈ ગયો હતો.

ઓખામરીન ૫ોલીસ સ્ટેશની ટુકડી ગઈકાલે સાંજે પેટ્રોલીંગમાં હતી ત્યારે ઓખાના દરિયામાંથી અલીમદદ નામની એક બોટ શંકાસ્પદ હીલચાલ કરતી નજરે પડતા એમએનવી-૧૦૬૫ નંબરની રજીસ્ટ્રેશનવાળી આ પેસેન્જર બોટને પોલીસ ટુકડીના હે.કો. દિનેશ માડમ, નારણ સદાસીયા, મુકેશ વાઘેલા સહિતની ટુકડીએ કાંઠે લાવી તેની તલાસી લીધી હતી.

આ બોટમાંથી આઠ બેરલમાં ભરેલો ડિઝલનો ૧૩૫૦ લીટરનો જથ્થો સાંપડ્યો હતો. અંદાજે રૃા. ૯૧,૮૦૦ની કિંમતના ડિઝલના જથ્થા અંગે બોટમાં રહેલા મેહુલ વાલજી તાવડીવાળા, વિજય વિરજી તાવડીવાળા, મયુર દિનેશભાઈ કાસ્તા, મુબારક જુનસ સુંભણીયા નામના બેટ-દ્વારકાના રહેવાસીઓની પોલીસે પુછપરછ કરી હતી. તેમાં સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસે ડિઝલનો જથ્થો સીઆરપીસી ૧૦૨ હેઠળ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી છે. આ પેસેન્જર બોટમાંથી ડિઝલનો જથ્થો ઝડપાયાના અહેવાલ વહેતા થતા રાજકીય અગ્રણીઓની ભલામણોનો દોર શરૃ થઈ ગયો હોવાનું અને મામલો રફેદફે કરવા માટે કહેવાતું હોવાનું સંબંધિત વર્તુળોએ જણાવ્યું છે. 'મહા' વાવાઝોડાના સંભવિત ખતરાને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરે પેસેન્જર બોટ સર્વિસ બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવા છતાં ઉપરોક્ત બોટ કઈ રીતે દરિયામાં પહોંચી તેવો પ્રશ્ન પણ ઊભો થયો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit