વીજકર્મી અધિકારીઓની માંગણી નહીં સંતોષાતા આંદોલનના કરાયા મંડાણ

જામનગર તા. ૮ઃ રાજ્યના વીજકર્મી-અધિકારીઓને સાતમાં પગાર પંચની અમલવારી પછી મળવાપાત્ર થતા લાભો આપવામાં આવતા ન હોય ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે અગુવીકા શંખ અને જીબીઆ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. આજે આવેદનપત્ર પાઠવાયું છે જ્યારે આવતા ગુરૃવારે સામુહિક રજા રાખી વિરોધ પ્રદર્શીત કરાશે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. અને તેની સાથે સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા પંચાવન હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને સાતમા વેતન પંચની અમલવારી પછી મળવા પાત્ર એચઆરએ અને એલાઉન્સ એપ્રિલ-૨૦૧૬થી ચૂકવી આપવા તેમજ જીએસઓ-૦૪ મુજબ સ્ટાફ મંજુર કરી તાત્કાલીક ભરતી કરવા, હાલની મેડિકલ સ્કીમ સુધારવા, હક્ક રજાના પૈસા રોકડમાં ચૂકવવા, નોન ટેકનિકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીને પ્રમોશન આપવા, ટેકનિકલ કર્મચારીને જોખમી કામગીરીની સામે રીસ્ક એલાઉન્સ આપવા સહિતની માંગણીઓ તા. ૦૭-૦૯-૨૦૧૮ના દિને કરવામાં આવી હતી. તેમ છતાં સકારાત્મક નિરાકરણ નહીં આવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનીયર એસોસિએશન દ્વારા સંયુક્ત લડત કરવાની નોટીસ ગયા મહિને પાઠવવામાં આવી હતી.

નોટીસમાં આપવામાં આવેલી સમયમર્યાદામાં મેનેજમેન્ટ તરફથી કોઈ ચર્ચા પણ નહીં કરાતા નિર્ધારીત આંદોલન અંતર્ગત આજે બન્ને સમિતિ દ્વારા જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરીના સુપ્રિ. તેમજ કલેક્ટર અને ઈન્ચાર્જ એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

રાજ્યના વીજકર્મી-અધિકારીઓએ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિમાં અને શહેર, ગ્રામ્ય પ્રજાને સાતત્યપૂર્ણ વીજળી પૂરી પાડવામાં ઉર્જા ખાતાના યોગદાનમાં સાથ આપ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સંપૂર્ણ રીતે સ્વાયત સંસ્થા છે, આર્થિક રીતે આત્મનિર્ભર છે. રાજ્ય સરકાર પર કોઈ આર્થિક બોજો પડતો નથી ત્યારે વીજકર્મીઓને તેઓના હક્કો અને મળવાપાત્ર સંવલતોથી વંચિત રાખવામાં આવે છે. તેથી વીજકર્મીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી રહી છે. તે અંતર્ગત આગામી તા. ૧૪ નવેમ્બરના દિને રાજ્યના તમામ પાવર સ્ટેશન, જેટકોના કર્મચારીઓ, અધિકારીઓ સામુહિક રજા પર રહી વિરોધ પ્રદર્શિત કરશે. આ સમય દરમ્યાન વીજ વિક્ષેપ થાય કે અન્ય કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે તેમ ઉમેરવામાં આવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit