પડાણા પાસે જીપની ટક્કરે પરપ્રાંતિય યુવાનનુ મૃત્યુઃ બાઈક-ટ્રક અથડાયા

જામનગર તા. ૯ઃ લાલપુરના પડાણા ગામ પાસે ચાલીને જતા એક પરપ્રાંતિય યુવાનને ગઈકાલે સવારે એક બોલેરોએ ટક્કર મારતા ઘવાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે ધ્રોલના વાંકીયા તથા સણોસરા પાસે સર્જાયેલા અન્ય બે અકસ્માતમાં ત્રણ યુવાનને ઈજા થઈ છે ઉપરાંત બેડ ગામ પાસેથી બાઈક પર પસાર થતા એક યુવાન ટ્રક સાથે અથડાતા ઘવાયા છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા પડાણા ગામ પાસેના રિલાયન્સ કંપનીના પીપી ગેઈટ સામેથી ગઈકાલે સવારે આઠેક વાગ્યે રામઅવતાર મહંતો (ઉ.વ. ૪૭) નામના યુવાન ચાલીને પસાર થતા હતાં ત્યારે રોડ ક્રોસ કરતી વખતે લાલપુરના કાનાલુસ તરફથી પૂરપાટ ધસી આવેલી જીજે-૧૦-ટીવી-૨૯૯૯ નંબરની બોલેરો જીપે આ યુવાનને જબરદસ્ત ટક્કર મારતા તેઓ રોડ પર પછડાયા હતાં. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા યુવાનને તરફડતો છોડી જીપનો ચાલક છનનન થઈ ગયો હતો.

સ્થળ પર હાજર વ્યક્તિઓએ રામઅવતાર બેરીસ્ટરને સારવાર અર્થે ખસેડવાની તજવીજ કરી હતી પરંતુ તે પહેલાં આ યુવાનનુ મૃત્યુ નિપજ્યું છે. પ્રભાકર વિનોદકુમાર મિશ્રાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી જીપના ચાલકની શોધ કરાઈ રહી છે.

જામનગર તાલુકાના સિક્કા નજીકના દિગ્વિજય ગ્રામ રામનગરમાં રહેતા જીગ્નેશભાઈ પિતાંબરભાઈ વાઘેલાના નાનાભાઈ સુમીત વાઘેલા ગઈ તા. ૬ની સાંજે પોતાના મોટરસાયકલમાં પેટ્રોલ ભરાવવા માટે ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ પાસે પેટ્રોલ પંપે આવ્યા હતાં જ્યાં તેઓએ પેટ્રોલ ભરાવ્યા પછી તેઓ ડીવાઈડર પાસે રોડ ક્રોસ કરવા માટે પહોંચ્યા ત્યારે રાજકોટ તરફથી ધસી આવેલી જીજે-૧૦-સીજી-૩૪૫૮ નંબરની મોટરે તેઓને બાઈક સાથે હડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા તે યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે જીગ્નેશભાઈ વાઘેલાની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે. હાલમાં આ યુવાન કોમા જેવી હાલતમાં સરી પડ્યા છે. ધ્રોલના જમાદાર વિક્રમભાઈ બકુતરાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના આમરણ (બેલા) ગામના નારણભાઈ તેજાભાઈ બોરીચાના મોટાભાઈ ગઈ તા. ૪ના દિને ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયા પાસે પોતાના મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવી પેટ્રોલપંપ નજીક ઊભા હતાં ત્યારે જીજે-૩-એલબી-૨૬૦૦ નંબરની ઈક્કો સ્પોટ મોટરે પાછળથી ઠોકર મારતા બે વ્યક્તિને ઈજા થઈ હતી. નારણભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરથી સિક્કા પાટીયા વચ્ચે આવેલા બેડ ગામ પાસે ગઈકાલે બપોરે બાઈક પર પસાર થતા જયરાજસિંહ જાડેજા નામના યુવાન ટ્રક સાથે ટકરાઈ જતા તેઓના પગ પરથી ટ્રક ફરી વળ્યો હતો. અકસ્માતની કોઈએ ૧૦૮ને જાણ કરતા દોડી ગયેલી એમ્બ્યુલન્સે ઈજાગ્રસ્તને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit