| | |

બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટમાંથી વસુબેન-વજુભાઈ અને દ્વારકાદાસ રાયચુરાના રાજીનામાથી ભૂકંપ

દ્વારકા તા. ૧૧ઃ બેટ-દ્વારકાના ટ્રસ્ટી મંડળમાંથી પ્રો. વસુબેન ત્રિવેદી, વજુભાઈ પાબારી અને દ્વારકાદાસ રાયચુરા (મોટાભાઈ) એ રાજીનામા ધરી દેતા મંદિર વ્યવસ્થાપનના  વર્તુળોમાં જાણે ભૂકંપ સર્જાયો છે. અમદાવાદની ટ્રસ્ટીઓની કથિત મનમાનીના કારણે સર્જાયેલો આંતરકલહ સપાટી પર આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકાથી નજીક ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન ગણાતા અને પટરાણીઓનો રાણીવાસ મનાતા દરિયાની વચ્ચે આવેલા બેટ-દ્વારકાના દ્વારકાધીશ મંદિરના વ્યવસ્થાપન માટેના ટ્રસ્ટી મંડળમાંથી અઢી દાયકાથી ટ્રસ્ટી તરીકે સેવા આપના ઉદ્યોગપતિ વજુભાઈ પાબારી અને દ્વારકાદાસ રાયચુરા (મોટાભાઈ) તથા પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ ટ્રસ્ટના પ્રમુખને પત્ર પાઠવીને રાજીનામા ધરી દેતા મંદિર વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વર્તુળોમાં જાણે ભૂકંપ સર્જાયો છે.

અમદાવાદ સ્થિત બેટ-દ્વારકાની સમિતિના પ્રમુખએ રોહિતભાઈ મહેતાને ટ્રસ્ટીઓ પાઠવેલ પત્રમાં માત્ર અંગત વ્યવસ્તતાના કારણો દર્શાવવામાં આવ્યા છે. આ બાબતે વજુભાઈ પાબારીનો ટેલિફોનિક સંપર્ક કરી જાણવાનો પ્રયત્ન થતા તેઓએ વધુ પ્રકાશ પાડવાના બદલે મૌન સેવ્યું છે.

બેટ-દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના નવા આવેલા અમદાવાદના ટ્રસ્ટીઓ મનમાની કરી રહ્યાનો અને ટ્રસ્ટનો વહીવટ યોગ્ય રીતે ન થઈ રહ્યાના આક્ષેપ સાથે બેટ-દ્વારકાના ગુગળી બ્રાહ્મણોએ આ પહેલા આંદોલન પણ કર્યું હતું. અનેક ફરિયાદો રાજ્ય સરકાર અને ન્યાયાલય સમક્ષ પણ મુદાસર ઉઠાવવામાં આવી છે. આવા ગંભીર આક્ષેપો છતાં ક્યારેય ટ્રસ્ટ દ્વારા જાહેર ખુલાસો પણ કરવામાં આવ્યો નથી.

નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક આ મુદ્દે પણ બેટ-દ્વારકાના ભગવતભાઈ પાઢએ રજૂઆતો કરી છે, અને બેટ-દ્વારકા મંદિરનો વહીવટી માત્ર અમદાવાદ બેઠા જ થતો હોય તેવા આક્ષેપો પણ પાઢે કર્યા હતાં.

બેટ-દ્વારકાના વહીવટ માટે રાજ્ય સરકાર બોર્ડ બનાવે

બેટ-દ્વારકાનું રાજ્ય સરકાર જ બોર્ડ બનાવે તે જરૃરી બેટ-દ્વારકાના દ્વારકાધીશના મંદિરનો કબજો જો ગુજરાત રાજ્ય સરકાર સંભાળે તો પ્રવાસીઓને પણ અનેક પ્રકારની સુવિધાઓ મળે અને મંદિરનો વહીવટ પણ સુવ્યવસ્થિત થઈ જાય જેથી વર્તમાન બોર્ડનો અને વર્તમાન ટ્રસ્ટીઓનો બોર્ડમાં સમાવેશ કરી સનદી અધિકારીની દેખરેખ હેઠળ આ વહીવટ થાય તેવું પ્રજા ઈચ્છી રહી છે.

ટ્રસ્ટી મંડળના પ્રમુખ પણ બીમાર છે

બેટ-દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટીમંડળના અમદાવાદ સ્થિત રોહીત મહેતા (ઉ.વ. ૮પ) છેલ્લા લાંબા સમયથી વૃદ્ધાવસ્થાના કારણે બીમાર છે. જેથી વહીવટી કામગીરીમાં તેઓ હસ્તક્ષેપ કરી શકતા નથી. જેના કારણે પણ મંદિરની વ્યવસ્થા બાબતે વિક્ષેપ થતાં રહે છે. જેથી ભાવિકોની પણ લાગણી છે કે, લાંબા સમયથી દ્વારકાધીશજીના નિત્યક્રમની સેવા કરી ચૂકેલા મહેતા પણ રાજીનામું આપે તો કાંઈ અજુગતું નથી.

હાલમાં બેટ-દ્વારકા દેવસ્થાન સમિતિ ટ્રસ્ટી મંડળમાં રોહિતભાઈ સી. મહેતા (પ્રમુખ), વિનોદકુમાર જમનાદસ પાબારી, જામનગર (ઉપપ્રમુખ) અને કાલીન્દીવહુજી મહારાજ, દ્વારકા, જમનાદાસ લક્ષ્મીદાસ - મુંબઈ, શ્રીમતી વસુબેન ત્રિવેદી - જામનગર, શ્રી ગોસ્વામી ૧૦૮ કિશોરચંદ્રજી પુરૃષોત્તમલાલજી મહારાજશ્રી - જુનાગઢ, લીલાબેન ગૌરીીશંકર ત્રિવેદી - જામનગર, દ્વારકાદાસ કેશવજી રાયચુરા - લાંબાબંદર, બુધુભા વિરમભા માણેક - મીઠાપુર, વલ્લભદાસ પરસોત્તમ સોની - ઓખા, સમીરભાઈ નવીનભાઈ પટેલ - અમદાવાદ, યજ્ઞેશભાઈ પાંડુરાવ દેસાઈ - અમદાવાદ - ટ્રસ્ટીઓ તરીકે સેવા આપી રહ્યાં છે.

મંદિરના કિંમતી અલંકારો પણ અમદાવાદની તિજોરીમાં ઘા ખાય છે...!

બેટ-દ્વારકાધીશ મંદિરના વહીવટ અંગે અનેક વિવાદો ચાલી રહ્યાં છે, ત્યારે એક અતિ મહત્ત્વની બાબત બહાર આવી છે.. લગભગ પચાસ વર્ષથી કોઈપણ પ્રકારના કારણ વગર ભગવાન દ્વારકાધીશજીને ધરાવાતા હીરા જડીત ઝવેરાતો અને સુવર્ણના અલંકારો અમદાવાદમાં લોકરમાં રાખવામાં આવ્યાં છે.

આજથી ૧૨ વર્ષ પહેલાં ટ્રસ્ટી વજુભાઈ પાબારીએ આ કિંમતી દાગીનાઓ હાલારની તિજોરીમાં લઈ આવવા માટે ઠરાવ પણ કર્યો હતો તેમ છતાં શા માટે હજુ સુધી આ દાગીના અમદાવાદ રાખવામાં આવ્યા છે તે વેધક સવાલ પણ ઉઠ્યો છે.

ત્રણ માસ પહેલાં બેટ-દ્વારકામાં બેઠક મળી ત્યારે પણ ટ્રસ્ટીઓ આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે પણ નિરાકરણ આવ્યું ન હતું. આ અલંકારો અને હીરાજડીત દાગીના જેની કિંમત કરોડો રૃપિયાની થાય છે તેના માટે શા માટે ચૂપકીદી સેવામાં આવે છે? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.

ખાસ મહત્ત્વની બાબત એ પણ છે કે જો દાગીના સ્થાનિક કક્ષાએ લાવવામાં આવે તો દિવાળી અને જન્માષ્ટમીના દિવસોમાં અલંકારો દ્વારકાધીશને ધરાવી પણ શકાય પરંતુ તેના બદલે અમદાવાદમાં મૂકી રાખવાનું અમદાવાદના ટ્રસ્ટીઓનું વલણ શંકા ઉપજાવે છે.

બીજી મહત્ત્વની બાબતે એ છે કે કરોડો રૃપિયાના દાગીના હોવા છતાં ક્યારેય આ દાગીનાનું અવલોકન પણ થયું નથી. જેથી ઘેરી શંકાઓ ઊઠી રહી છે. આવા જવાબદારીના મુદ્દે પણ કદાચ ટ્રસ્ટીઓના રાજીનામા પડ્યા હોઈ શકે છે. આવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit